ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા આયોજિત પાટણ જિલ્લાનો 8મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું બે દિવસ દરમિયાન ડાયટ, પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
21 મી સદીમાં ટેકનોલોજીની હરણફાળ સાથે શિક્ષણમાં નુતન પ્રવાહો આવતા ગયા તે સાથે શિક્ષણમાં નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ થાય તે હેતુથી ધોરણ 1 થી 12 માં વિદ્યાર્થીઓને ગુણાત્મક શિક્ષણ પ્રાપ્ત થાય અને બધા જ વિષયોની મોટાભાગની અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ થાય તેવા ઉમદા હેતુથી શિક્ષકો દ્વારા વર્ગખંડમાં થયેલ નવતર પ્રવૃતિઓ સૌ સમક્ષ મુકવા માટે આ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો મળી કુલ 53 જેટલા બેસ્ટ પ્રેક્ટિસીસ પ્રસ્તુત કરાયા હતા. આ પ્રસંગે ઇનોવેશન ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું ડો. પિન્કીબેન રાવલ, પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ દ્વારા શાબ્દિક સ્વાગત કરી ઇનોવેશન ફેસ્ટીવલ યોજવા પાછળના હેતુઓથી સૌને વાકેફ કર્યા હતા.
ઇનોવેશન ફેસ્ટિવલના ઉદઘાટન કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી એ.એન. ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એમ. રાવલ, જીસીઈઆરટી, ગાંધીનગર, રીડર ટ્રેનિંગ સેન્ટર ડો. સંજય ત્રિવેદી વિગેરેએ ઇનોવેશન ફેસ્ટિવલ પ્રદર્શન ખુલ્લુ મુકી ભાગ લેનાર તમામ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઇનોવેશનમાં વધુમાં વધુ શિક્ષકો ભાગ લે તે માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ ડો પીનલ ગોરડિયા, ડીઆઈસી કો.ઓર્ડીનેટર ડાયટ પાટણ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ ઇનોવેટિવ ટીચર્સના સ્ટોલ નિહાળી તેમની કામગીરીને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.