LRD ભરતી:​​​​​​​ઉમેદવારોને શારીરિક કસોટીની તૈયારી માટે પાટણ અને દેવભૂમિ દ્વારકામાં કુલ 19 મેદાનો ફાળવાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ દ્વારકામાં 9 તથા પાટણ જિલ્લામાં 10 જગ્યાએ દોડ માટે મેદાનો ફાળવાયા છે

લોકરક્ષક દળની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સરકારી નોકરીની ચાહમાં રાજ્યના લાખો ઉમેદવારો શહેરો-ગામડાઓમાં તૈયારીમાં લાગી ગયા છે. LRDની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક્સ ઉમેદવારોને મળશે. છેલ્લા મેરિટમાં આ માર્ક્સ ખૂબ ઉપયોગી સાબિત થવાના હોઈ ઉમેદવારો મેદાનમાં આકરો પરસેવો પાડી રહ્યા છે. જોકે ઘણી જગ્યાએ ઉમેદવારો પાસે દોડની પ્રેક્ટિસ માટે મેદાનનો અભાવ હોવાના કારણે તકલીફ પડી રહી છે. એવામાં પોલીસ તથા લોકો દ્વારા આવા ઉમેદવારોને મદદ કરવામાં આવી રહી છે અને મેદાન પ્રેક્ટિસ માટે અપાઈ રહ્યા છે. આ જ ક્રમમાં પાટણ અને દેવભૂમિ દ્વારકામાં કુલ મળીને 19 નવા મેદાનો ઉમેદવારો માટે ફાળવાયા છે.

પાટણમાં 10, દેવભૂમિ દ્વારકામાં 9 મેદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો પોલીસ ભરતીની તાલીમ માટે 9 મેદાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ખંભાળીયા, વાડીનાર મરીન, સલાયા મરીન, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા, મીઠાપુર, ઓખા મરીન સહિતની જગ્યાએ મેદાનો ફાળવાયા છે. પાટણ જિલ્લામાં પણ 10 જગ્યાઓ પર મેદાનો ફાળવવામાં આવ્યા છે. ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ તમામ મેદાનોની માહિતી આપી છે.

બનાસકાંઠામાં 19 મેદાનમાં 1600થી વધુ ઉમેદવારોની પ્રેક્ટિસ
નોંધનીય છે કે, ગઈકાલે પણ ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને બનાસકાંઠામાં અપાયેલા મેદાનો વિશે જાણકારી આપી હતી. જેમાં બનાસકાંઠામાં પોલીસ હેડક્વાર્ટર, સ્કૂલ ગ્રાઉન્ડ, ક્લબના ગ્રાઉન્ડ સહિતના મેદાનો ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ફાળવાયા છે. આ 19 જેટલા મેદાનોમાં હાલમાં 1600થી પણ વધારે ઉમેદવારો સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમેદવારોને મદદ માટે કોઈએ પોતાનું ખેતર તો કોઈએ હાઈસ્કૂલના મેદાનને પ્રેક્ટિસ માટે ફાળવી દીધું છે.

10,459 જગ્યા માટે 9.46 લાખ ઉમેદવારો મેદાનમાં
નોંધનીય છે કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે. જેમાં 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓની અરજીઓ છે.