ધાર્મિક કાર્યક્રમ:હારીજના ગોવના ગામમાં ચામુંડા માતાજીના ધામ ખાતે ત્રિ દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહોત્સવના પ્રથમ દિવસે દેહશુધ્ધિની વિધિવિધાન મુજબ પૂજાવિધી કરાઈ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી

હારીજ તાલુકાના ગોવના ગામમાં ચામુંડા માતાજીના ધામ ખાતે ચામુંડા યુવક મંડળ તથા સમસ્ત સોલંકી ( રાજપૂત ) પરિવારના સંયુકત ઉપક્રમે માતાજીના ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

ગોવના ગામે આવેલું ચામુંડા માતાનું ધામ શ્રધ્ધાળુ અને ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. ત્યારે મંદિરના નિર્માણ બાદ શ્રધ્ધાળુ સેવકગણો દ્વારા ચૈત્ર સુદ ચૌદસથી માતાજીના ફોટોના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે દેહશુધ્ધિની વિધિવિધાન મુજબ પૂજાવિધી કરાઈ હતી.

બીજા દિવસે મૈયાના વિશાળ પ્રાંગણમાં યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયાં યજમાન પરીવારોએ બીરાજમાન થઇ શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ યજ્ઞમાં આહુતિ હોમી પૂજાવિધી કરી હતી. જ્યારે રાત્રે ભવ્ય સંતવાણી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના અંતિમ દિવસે રવિવારે બપોરે મંગલમુર્હુતમાં માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી અને સાંજે યજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ યોજાશે.

આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી હવન દર્શન સહિત મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ હારીજ તાલુકાના ગોવના ગામે ચામુંડા માતાના ધામમાં મૈયાની ફોટોસ્મૃતિની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા રંગેચંગે યોજાઈ છે.

અન્ય સમાચારો પણ છે...