ટોપલા ઉજાણી:પાટણમાં અનુ.જાતિ સમાજની ત્રિ-દિવસીય સમૂહ ટોપલા ઉજાણી પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી નિયત થયેલા જુદા જુદા સ્થળોએ ઉજવણી કરાય છે

પાટણ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજની પરંપરાગત ત્રિદિવસીય ઉજાણીનું ધાર્મિક પર્વ ઉલ્લાસમય માહોલમાં યોજાયું. કોરોનાના બે વર્ષ બાદ ધર્મ શ્રદ્ધા ભક્તિ સાથે લોકોએ સમૂહમાં ઉજાણીનું પર્વ ઉજવીને સમાજની એકતાના દર્શન કરાવી આનંદની અનુભૂતિ કરી હતી. ત્રણ દિવસના સમૂહ ટોપલા ઉજાણીના આ પર્વ દરમિયાન સમગ્ર અનુસુચિત જાતિ સમાજ આનંદ ઉમંગભેર ઉજાણીના પર્વમાં સામેલ થઈને હરખભેર પરંપરાગત રીતે માતાજીનું કરવઠું પૂર્ણ કરે છે. ભાદરવા માસમાં આઠમથી અગિયારસ વચ્ચે ઉજાણી ઉજવાય છે.

માતાજીને પ્રસાદ નૈવેદરૂપે ધરાય છે
પાટણ શહેરમાં વર્ષોથી નિયત થયેલ જુદા જુદા સ્થળો ખાતે પરંપરાગત રીતે સમૂહ ટોપલા ઊજાણીનું પર્વ ધામધૂમથી હર્ષોલ્લાસપૂર્વક ઉજવાય છે. આ ઉજાણીમાં ટોપલાં ઉપાડવાનો આનંદ અનેરું ગૌરવ અનુભવાય છે. ખાસ કરીને નવા લગ્ન કરેલ વહુઓને ખાસ ઉજાણી પ્રસંગે તેડાવીને તેમને માથે ટોપલો ઉપાડવાનું ગૌરવ પ્રદાન કરવામાં આવે છે. ધાર્મિક ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ પણ અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલાં ઉજાણીનું મોટું માહાત્મ્ય રહ્યું છે, જેમાં સૌ સાથે નીકળતા હોઈ એકબીજાનો પરિચય અને સંબંધ પણ કેળવાય છે. ઉજાણી નિમિત્તે અનેરા આનંદ ઉમંગ સાથે બહેનો ઘરેથી સજીધજીને ટોપલા ઉપાડીને વાજતે ગાજતે નીકળે છે અને વર્ષોથી નિયત સ્થળોએ પહોંચીને માતાજીને પ્રસાદ નૈવેદરૂપે ધરે છે.

કંસાર અને ખીચડીનો પ્રસાદ
પાટણમાં ફાટીપાળ દરવાજા બહાર તેમજ બળિયા હનુમાન મંદિર કેમ્પસ અને અગાસીયા વીર મંદિર કેમ્પસ ખાતે પરંપરાગત રીતે સમૂહ ટોપલાં ઉજાણી ઉજવાતી રહી છે. શહેરના મોટીસરા, નાનીસરા તેમજ આસપાસના નાના મહોલ્લા ખાતેની ઉજાણી પરંપરાથી ફાટીપાળ દરવાજા બહાર જૈન બોર્ડિંગ સામેના ભાગે વર્ષો પૂર્વથી યોજાય છે. જોકે, અહીં સમય જતાં ઉજાણીની જગ્યામાં દબાણો વધી જતાં અત્યારે ઉજાણીનું પર્વ ઉજવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જગ્યા સાંકડી બની જતા બહેનો ઢોલના તાલે ગરબે પણ રમી શકતાં ન હોવાનું પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી તેમજ વડીલોએ જણાવ્યું હતું અને આ જગ્યા અનુસૂચિત જાતિ સમાજની ઉજાણી માટે નિયત કરવા અગાઉ પાલિકામાં ઠરાવ થયેલ હોઈ તેનો અમલ કરવા માગણી વ્યક્ત થઈ હતી. પ્રસાદમાં પ્રથમ દિવસે કંસાર અને ખીચડીનો પ્રસાદ ધરાવામાં આવે છે તો બીજા દિવસે દાળ અને રોટલીનો પ્રસાદ નેવેધરૂપે ધરાવે છે. પ્રસાદ ઘરેથી જ બનાવીને ટોપલામાં લઈ જવાય છે અને નાનકડા હવનમાં નૈવેધ ધરી પ્રસાદ વહેંચી દેવામાં આવે છે. ત્રીજા દિવસે પોતપોતાના મહોલ્લાઓમાં હવન કરીને ઉજાણીનું પર્વસંપન્ન કરવામાં આવે છે.

ઉમંગભેર ગરબાનું આયોજન
પાટણ શહેરના ધનું કુવા વિસ્તારમાં એકત્ર થઈ પ્રાચીન મહાકાલિકા માતાના મંદિર સન્મુખ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પરંપરાગત ધાર્મિક કરવૈઠું પૂરું કરવામાં આવ્યું હતું. બહેનો ઢોલના તાલે ઉમંગભેર ગરબા ગાઈને તો યુવાનો અને બાળકો નાસ્તા-પાણી કરીને ઉજાણીનો આનંદ માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...