કુદરતી આપદાઓ વખતે સંચાર સેવા કરતા હેમ રેડિયોની ગુજરાતની ટીમ દ્વારા ત્રણ દિવસ હેમ રેડિયો ફિલ્ડ ડે ઉજવાયો હતો. જેમાં પાટણ જિલ્લાના વતની અને અમદાવાદ ખાતે સરકારી પોલીટેકનીક, અમદાવાદના વ્યાખ્યાતા નાનુભાઇ નાડોદા તથા તેમની ટીમે પોતે બનાવેલા એન્ટેના અને સેટ સાથે ડુંગર ચડીને ત્રણ દિવસ ગોપનાથ પર્વતની ટોચ પર રોકાઈ ફક્ત 25 વૉટ જેટલા પાવરની સોલર પેનલ અને બેટરીનો ઉપયોગ કરીને દેશ અને દુનિયાના વિવિધ ખંડો જેવા કે યુરોપ, અમેરિકા,આફ્રિકા, એશિયાના 23 જેટલા દેશોમાં તથા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર,ભાવનગર,સુરત,વ લસાડ, વિગેરે સ્થળો એ અન્ય હેમ રેડિયો ઓપરેટર સાથે ટુ વે સંપર્ક કરી ટેકનીકલ મહિતીનુ આદાન પ્રદાન કર્યું હતું.
પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા ગામના વતની નનુભાઈ નાડોદા અને ટીમના સભ્યો ઘનશ્યામસિંહ પરમાર, અશોકભાઈ ખાચર ,વિઠ્ઠલભાઈ અજમેરા, કે.કે.પટેલ અને અતુલ રાવલ દ્વારા 24થી 26 ફેબ્રુઆરી સુધી જામનગરના ગોપનાથ પર્વત (ઉંચાઇ- 1300 ફૂટ) પરથી સ્કુલ-કોલેજના 150થી વધારે વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા જાગૃત નાગરિકો સમક્ષ આપાતકાલીન સ્થિતિમાં ફક્ત 10 મિનિટમાં સંદેશા વ્યવહાર કેમ પ્રસ્થાપિત કરવો તેનું નિદર્શન કરી જુદા જુદા એન્ટેના બનાવવાની રીત, એન્ટેના ઇસ્ટોલેશન, વાતચીત માટેના નિયમો, Q-કોડ, પાવર માપવાની રીત, એન્ટેના ટ્યુનીગનુ રસપ્રદ નિદર્શન કર્યુ હતુ.સુરતના હેમ નિષ્ણાત અશોકભાઇએ ખુબજ ઓછા પાવરથી ચાલતા ડિજીટલ મોડનું સ્થળ પર ડેમોસ્ટ્રેશન કર્યું હતું.
શું છે હેમ રેડિયો
કુદરતી આપત્તિ જેવી કે પુર, ભુકંપ, સુનામી, વાવાઝોડું વેળાએ અચાનક સંચારના તમામ માધ્યમો નષ્ટ થવાથી અથવા પડી ભાંગવાથી સંચાર વ્યવસ્થા અટકી જાય છે. આવા સમયે સંચાર વ્યવસ્થા ટકાવી રાખવા માટે એક માત્ર સિસ્ટમ હોય તો તે હેમ (HAM) રેડિયોં છે. હેમ રેડિયો ઑપરેટરનુ પોતાનું ટ્રાન્સમીટર અને રીસીવર હોય છે અને ચોક્કસ ફ્રીકવન્સીના આધારે ઉપગ્રહની મદદ વિના વિશ્વના કોઇ પણ ખૂણે સંપર્ક કરી શકાય છે. તે બેટરી સંચાલિત હોવાથી ગમે તે સ્થળે આસાનીથી ફેરવી શકાય છે. હેમ રેડિયો ઓપરેટરો કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વખતે સંદેશા વ્યવહાર ટકાવી રાખવા પોતાની માનદ સેવાઓ આપતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.