પાટણમાં હિટ એન્ડ રન:પૂરપાટ ઝડપે જઈ રહેલી માર્શલ જીપ ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઇ, કપડાં ધોઈ રહેલી યુવતી અને ખાટલામાં સૂતેલા વૃદ્ધનાં મોત

પાટણ12 દિવસ પહેલા
  • અન્નપૂર્ણા સોસાયટી નજીક રોડ ઉપર રહેતા વૃદ્ધ અને યુવતીને ગંભીર ઈજાઓ થતાં મો

પાટણ શહેરમાં વહેલી સવારે ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં.

સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં
પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ જીપના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.

વધુ લોકોને અડફેટે લે એ પહેલાં ગાડી ઊભી રહી ગઈ
બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી એક જ મકાનમાં ઘૂસી ઊભી રહેતાં વધુ લોકોને અડફેટે લે એ પહેલાં ઊભી રહી ગઈ હતી. ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

મૃતક
1 - સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20)
2 - દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ 60)

યુવતીના 5 માસ બાદ લગ્ન હતા, પરિવારમાં ભારે શોક
મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલ 20 વર્ષની સાહિસ્તાની થોડા માસ અગાઉ જ સગાઈ થઈ હતી અને આગામી પાંચથી છ મહિનામાં તેના લગ્ન લેવાના હતા. ત્યારે તેનો પરિવાર લગ્નની તૈયારીઓમાં અનેક અરમાનો સાથે આયોજનમાં લાગ્યો હતો આવા સંજોગોમાં અકાળે દીકરીનું મૃત્યુ થતાં પરિવારમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

બંનેને સારવાર મળે તે પહેલા જ મોત
ધારપુરના સુપ્રીડેન્ટ મનીષ રામાવતે જણાવ્યું હતું કે, યુવતીને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં પહોંચતા સારવાર પૂર્વે જ તેનું મોત થવા પામ્યું હતું. સિવિલમાં વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા હતા, જેમનું પણ સારવાર પૂર્વ જ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...