• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Special Program On Nayakadevi Was Held In Patan, Minister Kirtisinh Vaghela Said, "The Original History Of India Was Suppressed, It Should Be Exposed."

"નાયિકાદેવી આપણી પ્રેરણા":પાટણમાં નાયિકાદેવી પર વિશેષ કાર્યક્રમ યોજાયો, મંત્રી કીર્તીસિંહ વાઘેલાએ કહ્યું, "ભારતના મૂળ ઇતિહાસને દબાવવામાં આવ્યો હતો, તે ઉજાગર થવો જોઇએ"

પાટણએક મહિનો પહેલા
  • અણહીલપુર પાટણ એ વિશ્વના 10 મહત્વના શહેરોમાં સ્થાન પામતુ હતું : ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા
  • નાયિકાદેવી એ કથા નહી પરંતુ ભવ્ય ઇતિહાસ છે તે લોકો સુધી પહોંચવો જોઇએ : ખુશી શાહ

ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ પાટણ દ્વારા ગઈકાલે ગુરૂવારના રોજ પાટણના એપીએમસી હોલ ખાતે શક્તિસ્વરૂપા નાયિકાદેવી આપણી પ્રેરણા વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે ગુરૂવારના રોજ પાટણમાં યોજાયેલા "શક્તિસ્વરૂપ નાયિકાદેવી આપણી પ્રેરણા" કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓ દ્વારા કેસરીયા સાફામાં સજ્જ થઇ તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. આ પ્રસંગે રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાટણમાં અનેક મહાન રાજવીઓ થઇ ગયા છે. તેમનો ભવ્ય ભૂતકાળ છે. જેમાં નાયિકાદેવી જેવા મહાનપાત્રોની આ ધરોહર છે. પરંતુ ભારતમાં જે વિદેશી સલ્તનતોએ રાજ કર્યું તેના કારણે આપણે આપણો ઇતિહાસ ભુલતા થયા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા જેવા મહાપુરુષોના કારણે આપણે આપણા સાચા ઇતિહાસને આજે ઓળખી શક્યા છીએ. ભારતના મુળ ઇતિહાસને દબાવી દેવામાં આવ્યો હતો તે ઉજાગર થવો જોઇએ.

ઉપસ્થિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી અને ઇતિહાસવિદ ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ વિર વિરાંગના નાયિકાદેવીએ પાટણ પર ચઢાઇ કરવા આવેલા મહંમદઘોરીને જે રીતે યુદ્ધમાં ધુળ ચટાડી દીધી હતી તે સમગ્ર ઐતિહાસિક ઘટના વર્ણવી હતી. તેમજ જણાવ્યું હતું કે આજનું પાટણ એ ભૂતકાળમાં અણહિલપુર પાટણ તરીકે ગુજરાતની રાજધાની હતી અને વિશ્વના સૌથી ધનીક શહેરોમાં સ્થાન પામતી હતી. વિશ્વના બિગેસ્ટ શહેરોમાં તેના નામની ખ્યાતિ હતી. તેમ અમેરીકાના એક લેખક ચાનબરે ઇ.સ. 1000ની સાલમાં તેના પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાણીનું સાચું નામ નાયિકાદેવી નહી પરંતુ નાયકી દેવી હતું.

આ પ્રસંગે ઉપસ્થિત નાયીકાદેવી ફિલ્મમાં રાણીનો અભિનય કરનાર અભિનેત્રી ખુશી શાહે આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને જણાવ્યું હતુ કે આ ફિલ્મમાં મને રાણી નાયિકાદેવીનું પાત્ર ભજવવા મળ્યું તેના માટે હું ભાગ્યશાળી છું. ઇતિહાસમાં જે પાત્રો ક્યાંક છુપાયેલા છે તેને ઢંઢોળવાની જરૂર છે. તો જ નાયકાદેવી જેવા મહાન પાત્રો લોકો સમક્ષ આવશે અને આવનારી પેઢીઓ વર્ષો સુધી આવા ઇતિહાસોને જાણી શકશે. આ એક કથા નથી પરંતુ ઇતિહાસ છે માટે લોકો સુધી પહોંચે તે ખુબ જ જરૂરી છે. નાયિકાદેવીનુ મહાન પાત્ર ભજવવા માટે મેં તેમના ઇતિહાસને વાંચ્યો છે, તલવારબાજીની તાલીમ મેળવી છે. આવી મહાન વિરાંગનાઓ પર વધુમાં વધુ ફિલ્મો બને તે જરૂરી છે તેમજ આવા પાત્રોને અભ્યાસમાં પણ શામેલ કરવા જોઇએ.

અખિલ ભારતીય ઇતિહાસસંકલન યોજના નવી દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ગીરીશભાઇ ઠાકરે જણાવ્યુ હતુ કે એક મહાન વિધવા રાણી નાયિકાદેવીએ મહંમદ ઘોરી જેવા રાજાને ગુજરાતમાંથી ઉભી પૂંછડીએ ભાગવા મજબુર કર્યો હતો. આપણા ભવ્ય ઇતિહાસના પુસ્તકોના પૃષ્ઠો જોવા માત્રથી આપણા રૂવાડાં ઉભાં થઇ જાય છે. જો આવા ભવ્ય ભુતકાળને આપણે વર્તમાન સમયમાં લોકો સમક્ષ નહીં મુકીએ તો તેઓ આપણા વાસ્તવિક ઇતિહાસને ભૂલી જશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાયિકાદેવી જેવી ફિલ્મોથી જમીનમાં ધરબાયેલા ભવ્ય ભુતકાળને બહાર લાવી શકાય છે. તેમજ ઇતિહાસ એટલે માત્ર ચોપડીઓમાં હોય તે નહીં પણ એ વાસ્તવિક ઇતિહાસ જેના માટે હજારો લોકોએ પોતાનાં બલીદાન આપ્યાં છે.

આજરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ભા.ઇ. સંઘ સમિતિ ગુજરાતના મહામંત્રી હસમુખભાઇ જોષી, અ.ગુ.રા. મહિલા સંઘના પ્રમુખ રાજુબા વાઘેલા વગેરે મહાનુભાવો, રાજપુત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપના પદાધિકારીઓ કાર્યકરો મહીલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...