સમાજ શિક્ષણ શિબીર:પાટણમાં આદિજાતિ યોજનાઓ હેઠળ મળતી સહાયની માહિતી આપવા માટે સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર રાજ્યના કુલ બજેટના 15 ટકા આદિજાતિના વિકાસ માટે ફાળવે છે : રાજેન્દ્ર હિરવાણીયા
  • જીલ્લામાં આદિજાતિની 15 હજારથી વધુ સંખ્યા હોવાથી કચેરી કાર્યરત કરવાની રજૂઆત કરાઈ
  • શિબીરમાં આદિજાતિ મંત્રાલય અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળતી સહાયની માહિતી અપાઈ

પાટણ શહેરમાં મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસ, પાલનપુર અને એકલવ્ય જનસેવા ટ્રસ્ટ,પાટણના સંયુક્ત ઉપક્રમે શહેરની યમુના વાડી ખાતે સમાજ શિક્ષણ શિબીર યોજવામાં આવી હતી. જેમાં આદિજાતિ સમાજને કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિજાતિ મંત્રાલય અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળતી સહાયની માહિતી માટે શિબીર યોજવામાં આવી હતી. નોંધનીય છે કે સરકાર દ્વારા અમલી શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી, આર્થિક ઉત્કર્ષ તેમજ આવાસ યોજના જેવી અનેક યોજનાઓ હેઠળ મળતી સહાયની માહિતી માટે આ સમાજ શિક્ષણ શિબીર યોજવામાં આવી હતી.

આ પ્રસંગે આદિજાતિ અધિકારી એચ.આર.પ્રજાપતિ, મદદનીશ આદિજાતિ અધિકારી નાભાણી, પાટણ નગર પાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયાએ ઉપસ્થિત રહી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. આદિજાતિ અધિકારી એચ.આર. પ્રજાપતિએ શિષ્યવૃત્તિ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, ફ્રી શિપ કાર્ડ યોજના, વકીલાત વ્યવસાય માટે સહાય, ગણવેશ સહાય, સાયકલ સહાય, છાત્રાલય મેડિકલ, પોલીટેકનિક અને એન્જીનીયરીંગ વગેરે અભ્યાસક્રમો માટે સહાય, ફૂડ બિલ સહાય, માનવ ગરીમા યોજના હેઠળની યોજનાઓ તેમજ આરોગ્ય અને ગૃહ નિર્માણની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના કુલ બજેટના 15 ટકા બજેટ આદિજાતિના વિકાસ માટે ફાળવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે. તેમણે વન બંધુ કલ્યાણ યોજના હેઠળના આદિજાતિ વિકાસ માટેના રોજગારલક્ષી, શૈક્ષણિક, આર્થિક વિકાસ, આવાસ, વીજળીકરણ, પાણી અને રસ્તા જેવા મુદ્દાની માહિતી તેમજ આદિજાતિ વિકાસ કોર્પોરેશન હેઠળની વિવિધ યોજનાની માહિતી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું. આ સિવાય પાટણ જીલ્લામાં આદિજાતિની 15 હજાર ઉપરાંત જનસંખ્યા હોવાથી લોકોએ પાટણ જિલ્લા કક્ષાએ કાયમી કચેરી કાર્યરત થાય તે માટે આદિજાતિ અધિકારીને રજુઆત કરી હતી.

આ પ્રસંગે એકલવ્ય જનસેવા ટ્રસ્ટના આશિષ રાણા, અશ્વિન ભીલ, દશરથ ભીલ, રમેશ લીડીયા, રાજુ ડગળા, કાંતિ ભીલ, રમેશ બળદેવ ભાઈ, મનોજ રાણા, વિક્કી, નટુ માનસંગ ભાઈ, કિશન ભીલ, લાલા ભીલ, સાહિલ ભીલ, સુજલ ભીલ, હાદિઁક ભીલ, વિજય ભીલ, મહેશ ભીલ વગેરે સમસ્ત આદિવાસી યુવાનો તેમજ કોઠા કુઈ વિસ્તારના સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિજાતિના ભાઈઓ/બહેનો ઉપસ્થિત રહ્યા હતા એમ એકલવ્ય જન સેવાના પ્રમુખ સુનિલ રાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...