અંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે અંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કેશ કમિટીના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ મેન્સ ડે અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કુલપતિ પ્રો. ડો. જે.જે. વોરા, કુલસચિવ ડો, રોહિત દેસાઈ, કારોબારી સભ્ય શૈલેષ પટેલ, મુખ્ય હિસાબી અધિકારી અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે.કે. પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કુલપતિ ડો.વોરાએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉન્નત ભારત યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ કે લોક ફરિયાદો હોય તો તે યુનિવર્સિટીના વિવિધ વિભાગોનાં વડા કે અધિકારીઓને જણાવવા નિર્દેશ કરી અધિકારીઓ કે અધ્યાપકો ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈને ફરિયાદ કે સમસ્યા સરકાર સુધી પહોંચાડશે અને જરૂરી પગલાં લેશે અને એ રીતે ગ્રામીણ સમસ્યાઓ દૂર કરી સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરવા યુનિવર્સિટી શિક્ષણની સાથે સમાજ પ્રત્યેની જવાબદારીનું વહન કરશે. એમ તેમણે ઉમેર્યું હતું.

રજીસ્ટાર ડો. દેસાઈએ આજના સમયમાં સમાનતા અનિવાર્ય હોવાનું જણાવી સ્મોલ ફેમિલી અને બ્યુટીફૂલ ફેમિલી વિશે પ્રકાશ પાડી બંને જાતિ દ્વારા એકબીજાના સપોર્ટ થી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અને આ રીતે જાતીય સમાનતા તથા પુરુષ દિવસની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત સમાજ નિર્માણ માટે સૌ સાથે મળી આગળ વધવા નિર્દેશ કર્યો હતો. ડો. કે.કે.પટેલે મહિલાઓના અધિકારોની સાથે પુરુષોના અધિકારોનું પણ રક્ષણ થાય તે માટે હિમાયત કરી હતી.

તેમણે ઘરેલુ હિંસાની વાત કરતા જણાવ્યું હતું કે ડોમેસ્ટિક વાયોલેન્સની તૈયારી પૂરુષ કરે છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. તેમણે કહ્યું કે વિકસિત રાષ્ટ્રની નિશાની જેન્ડર ઇક્વાલિટી જ છે. તેમણે મહિલાઓની સલામતી અને રક્ષણની બાબતને પણ મહત્વનું ગણાવી કાયદાનો દુરુપયોગ એ આજની એક ચેલેન્જ હોવાનું જણાવ્યું હતું .

પુરુષો માટે સમાજ એવું માને છે કે પુરુષ સ્ટ્રોંગ છે અને સ્ત્રી નબળી છે પરંતુ કેટલીયે વાર પુરુષની વિરુદ્ધ કાયદાનો દુરુપયોગ થાય છે એમ તેમણે જણાવ્યું હતું. બંધારણના અનુચ્છેદ 14, 15 (1) તથા દહેજ પ્રતિબંધક ધારો 1961 તથા ડોમેસ્ટિક વાયોલન્સ કાયદાના ઉદાહરણો આપીને તેમણે પ્રસંગને અનુરૂપ સુંદર શૈલીમાં તેમનું ઉદબોધન રજૂ કર્યું હતુ.

યુનિવર્સિટીના ઈસી મેમ્બર શૈલેષ પટેલએ પુરુષોના અધિકારો વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં ગત વર્ષે જેન્ડર ચેમ્પિયન બનેલ બે વિદ્યાર્થીઓ ધારા આચાર્ય અને જય ઠક્કરને મહાનુભાવના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ દ્વારા તેઓએ કેવી રીતે ચેમ્પિયનશિપ મેળવી તથા શું કરવું જોઈએ તેની રજૂઆત કરી હતી. આ ઉપરાંત અલય ઓઝા અને ધારા આચાર્ય દ્વારા જેન્ડર ઇક્વાલિટી વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

કાર્યક્રમના બીજા સેશનમાં ડો. રિદ્ધિ અગ્રવાલ દ્વારા સ્ત્રીઓના અધિકારો સામે પુરુષોની પરિસ્થિતિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.,જેમાં લો વિભાગના વિશ્વનાથ ચુડાસમા પ્રથમ નંબર અને એમએસસી આઈટી વિભાગના ઝરા મોતીવાલા દ્વિતીય અને લો વિભાગના આયુષી પટેલ તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. એડવોકેટ સંધ્યાબેન પ્રધાન દ્વારા નિર્ણાયક તરીકે તેઓને વિજેતા જાહેર કરી શિલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓ માટે ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ભૂતકાળમાં આ અંગે સજેશન કરનાર પૂર્વ રજીસ્ટાર સ્વર્ગસ્થ ડી. એમ. પટેલને સમર્પિત કરીને તેમના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં આર્કિટેક નિપા ચૌહાણ તથા ડો. અંજુમન કાદરીએ જહેમત ઉઠાવી હતી. ડો. સ્મિતા વ્યાસે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગના ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...