વેચાણ કેન્દ્ર:પાટણના ગ્રામ હાટ ખાતે દિવ્યાંગો દ્વારા તૈયાર કરાયેલી ચિજ વસ્તુઓનુ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગો આત્મ નિર્ભર બને તેવાં શુભ સંકલ્પ સાથે આ વેચાણ કેન્દ્ર શરૂ કરાયુ

પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શહેરના આનંદ સરોવરની સામે ફાળવવામાં આવેલા ગ્રામ હાટ ખાતે સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા - મુંગા શાળાના દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રના વિધાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કેન્દ્ર ગુરુવારના રોજ નવરાત્રીનાં પ્રારંભ પ્રસંગે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.દિવ્યાંગ વિધાર્થીઓ આર્થિક રીતે પગભર થાય અને તેઓને રોજગારી મળે તે હેતુથી આ કેન્દ્રનો પ્રારંભ કરાવવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. પાટણ શહેરના કનસડા દરવાજા સ્થિત બહેરા મુંગા શાળા ખાતે વર્ષ 2018માં દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્રમાં દિવ્યાંગ વિધાર્થીઓને વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં પેપરડીશ, પડીયા, થાળી - વાટકા, હાથવણાટના પાકીટો સહિતની વિવિધ ચીજવસ્તુઓની તાલીમથી તેઓને સજજ કરવામાં આવ્યા હતા. ત્યારે 17 દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્પાદીત કરાયેલી ચીજવસ્તુઓના વેચાણ માટે નવરાત્રીનાં પ્રારંભ પ્રસંગે શહેરના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફાળવવામાં આવેલા ગ્રામહાટ ખાતે તેના વેચાણ કેન્દ્રનો શુભારંભ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ વેચાણ કેન્દ્રમાં આગામી નવરાત્રિ અને દિવાળી પર્વને લઇ દિવ્યાંગ વિધાર્થીઓએ ઉત્પાદીત કરેલી ચીજવસ્તુઓના વેચાણથી તેઓને રોજગારી મળી રહેશે. જેને લઇ આ વિધાર્થીઓ આવનાર સમયમાં આર્થિક રીતે પગભર થશે તેવો આશાવાદ રોટેરિયન બાબુભાઇ પ્રજાપતિએ વ્યકત કર્યો હતો.

નોંધનીય છે કે, દિવ્યાંગો દ્વારા ઉત્પાદિત કરેલ ચીજ વસ્તુઓનું યોગ્ય બજાર મળતું ન હોઇ જેને ધ્યાનમાં રાખીને દિવ્યાંગો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓનું વેચાણ થાય તેવા આશયથી આ નવતર પ્રયોગ હાથ ધરી દિવ્યાંગોને રોજગારી મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરતભાઈ જોષી, બહેરા મુંગા શાળા નાં ઘેમરભાઇ દેસાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...