ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વઢિયાર પ્રદેશમાં રેકોર્ડ બ્રેક 49150 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જેમાં મોટાભાગે ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને દવાઓ વગર ઓર્ગેનિક ચણાનું વાવેતર કર્યું છે.ઠંડીનો ચમકારો શરૂ થતા મબલખ ઉત્પાદન થવાની ખેડૂતો ને આશા છે. સરેરાશ અંદાજે 27 લાખ મણ રૂ. 300 કરોડના ચણાનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને હારિજ પંથકમાં ચણાની ખેતી ખેડૂતો માટે ફળદાઇ નિવડી છે. જેના કારણ વાવેતર વધી રહ્યું છે આ વખતે 49150 હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતમાં અમરેલી, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને અમદાવાદ બાદ છઠ્ઠા ક્રમે વઢિયાર વિસ્તારનું વાવેતર છે. હાલમાં અનુકૂળ હવામાનના કારણે મબલખ ઉત્પાદન થવાની ખેડૂતોને આશા છે. ચણાનું પ્રતિ હેક્ટરે અંદાજે 55 મણ અને એક વીઘા જમીનમાં 13 મણ ઉત્પાદન થશે એટલે કુલ 27 લાખ મણ ચણાનું ઉત્પાદન મળવાનો અંદાજ છે.
પ્રતિ મણે રૂ.1100ના ભાવ પ્રમાણે ખેડૂતોને અંદાજે કુલ રૂ.300 કરોડના ચણાનું ઉત્પાદન મળશે. આ વિસ્તારમાં વર્ષ 2012થી ચણાનું વાવેતર વધ્યું છે પહેલા દેશી કપાસનું વાવેતર વધારે થતું હતું પરંતુ હવે ખેડૂતોએ દેશી કપાસ અને ઘઉંનું વાવેતર ઓછું કરી ચણાનું વાવેતર વધારે કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચોમાસામાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખરીફ પાકનું વાવેતર પૂરતા પ્રમાણમાં થઈ શક્યું ન હોવાથી જમીન ખાલી રહેતા ખેડૂતોએ આ વખતે વઢીયારમાં ચણાનું રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું છે. અનુકૂળ હવામાનના કારણે પાક પરિસ્થિતિ સારી છે. ફેબ્રુઆરી માસથી ચણાનું ઉત્પાદન શરૂ થશે.
જમીનમાં 3 માસ સુધી ભેજ રહેતાં ચણા માટે અનુકૂળ
કૃષિ તજજ્ઞ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે વઢિયારમાં લો લેન્ડ એરિયા છે એટલે કે નિચાણ વાળો વિસ્તાર અને ખારાશવાળી તેમજ કાળેતર જમીન છે. ભાલ વિસ્તાર જેવી જમીન છે એટલે આ જમીનમાં વરસાદનું પાણી ભરાઈ રહે છે ઝડપથી ભૂગર્ભમાં ઉતરી જતું નથી જેના કારણે જમીનમાં બે થી ત્રણ માસ સુધી ભેજનું પ્રમાણ રહે છે. એટલે ચણાના વાવેતર માટે અનુકૂળ જમીન છે. સાથે આ વિસ્તારમાં મોટાભાગે 90 ટકા વાવેતરમાં ખેડૂતો ચણાની ખેતીમાં ખાતર કે દવાનો ઉપયોગ નથી કરતા એટલે ઓર્ગેનિક ચણા ની ખેતી થાય છે 10 ટકા વાવેતરમાં ખાતર અને દવાનો છંટકાવ થાય છે.
85 ટકા વિસ્તારમાં ઓર્ગેનિક વાવેતર
શંખેશ્વરના કુવારદ ગામના ખેડૂત અગ્રણી શંકરભાઈ કટારીયા એ જણાવ્યું કે આ વખતે દર વર્ષ કરતાં વાવેતર વધારે છે આ વિસ્તારમાં ખેડૂતો મોટાભાગે બિનપિયત ચણાનું વાવેતર કરે છે જેમાં 85 ટકા વિસ્તારમાં ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક ચણાનું વાવેતર થાય છે.15 ટકા વિસ્તારમાં પિયત અને ખાતર કે દવાનો ઉપયોગ થતો હશે. ચણાના પાકમાં ઈયળ ન આવે એટલે ખેડૂતો દવાના બદલે ગૌમુત્ર ગાયનું દૂધ,દેશી ગોળનું દ્રાવણ કરીને પંપથી પાકમાં છંટકાવ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.