રજુઆત:પાટણ શહેરની ફરતે 30 મીટરનો રિંગરોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અને મકાન વિભાગે ભારે વાહનોના ઘસારાથી બનતાં અકસ્માતો અને ટ્રાફિક હળવો કરવા દરખાસ્ત

બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાંથી અમદાવાદ, મહેસાણા, ચાણસ્મા, ઊંઝા, સિદ્ધપુર, હારિજ જવા માટે વાયા પાટણ થઈને ડીસા, ચાણસ્મા સ્ટેટ હાઈવે કે પાટણ, સિદ્ધપુર કે પાટણ, ઊંઝા હાઇવે પરથી વાહનો પસાર થતા હોવાથી વાહનોનો ઘસારો રહેતો હોઈ અકસ્માતની ઘટનાઓ પણ બને છે ત્યારે વાહનો બારોબાર જઇ શકે તે માટે પાટણ શહેરની ફરતે 30 મીટરનો રીંગ રોડ બનાવવા માટે માર્ગ મકાન વિભાગે સરકારમાં દરખાસ્ત કરી છે.તેનો રૂટ પણ નક્કી કર્યો છે. રીંગરોડ ચાર ફેઝમાં બનાવવા આયોજન કરવામાં આવ્યુ છે.

પાટણ શહેરના મુખ્ય રોડ રસ્તા અત્યંત સાંકડા છે. તેની સામે વધતા જઈ રહેલા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. બનાસ નદીના કારણે અને પાટણ-શિહોરી રોડ ઉપર 15થી20 જેટલા રેતી સપ્લાય માટેના એકમો આવેલા છે જ્યાંથી દૈનિક અંદાજે 500 જેટલા ટર્બા દ્વારા અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, સિદ્ધપુર હારિજ અને છેક સુરેન્દ્રનગર સુધી રેતી સપ્લાય કરાય છે. તે તમામ ભારે વાહનો પાટણ શહેરમાંથી પસાર થાય છે. બનાસકાંઠાના પાલનપુર સિવાયના મોટા ભાગના તમામ સેન્ટરો પર આવશ્યક માલસામાનનું ટ્રાન્સપોર્ટેશન વાયા પાટણથી થાય છે.

હોસ્પિટલો, યુનિવર્સિટી, મેડિકલ કોલેજ જિલ્લાની વડી કચેરીઓના કારણે પણ વાહનો સતત ઘસારો રહેતો હોવાથી અકસ્માતની ઘટનાઓ પણ બને છે. ત્યારે પાટણ નગરપાલિકાએ પાટણથી મહેસાણા, અમદાવાદ, ચાણસ્મા, ઊંઝા, સિદ્ધપુર અને આવવા જવા માટે બાયપાસ રોડ માટે માગણી કરી છે.

ત્યારે પાટણ માર્ગ અને મકાન વિભાગે ચાર ફેઝમાં રિંગરોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી છે.આ રીંગરોડ બનવાથી શહેરમાં ભારે વાહનોનો ટ્રાફિક હળવો થઈ શકશે. માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ મદદનીશ કાર્યપાલક ઇજનેર હિરેન પંચાલે જણાવ્યું કે ચાર ફેઝમાં રિંગરોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...