સહાય:પાટણના 38 ગામોમાં રૂ.5 કરોડના ખર્ચે નવા બે માળના પંચાયત ઘર બનશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચો,તલાટીઓ અને ટીડીઓને ઝડપથી કામો શરૂ કરવા નિયામકની સૂચના

પાટણ જિલ્લાના 38 ગામોમાં મનરેગા અંતર્ગત રૂ.પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે પંચાયત ઘર બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. તેના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશીના અધ્યક્ષ સ્થાને ગામના સરપંચ, તલાટી, ટી.ડી.ઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં ઝડપથી પંચાયત ઘરના કામો પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

પાટણ જિલ્લાના જે ગામોમાં પંચાયત ઘર જર્જરિત થઈ ગયા છે. તે ગામોમાં નવા પંચાયત ઘર બનાવવા માટેની જિલ્લા પંચાયત દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે. તે પૈકી38 ગામોમાં મનરેગા અંતર્ગત પંચાયત ઘર બનાવવા મંજુરી આપવામાં આવી છે. આ 38 પૈકીના દરેક ગામમાં રૂ.13.35 લાખના ખર્ચે બે માળનું પંચાયત ઘર બનાવવામાં આવશે. 38 ગામોમાં કુલ રૂ.5 કરોડથી વધુના ખર્ચે પંચાયત ઘર બનશે. તેના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશીના અધ્યક્ષ સ્થાને પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, હારીજ, ચાણસ્મા,સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકાના આ ગામોના સરપંચ, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને મનરેગાના એન્જિનિયર સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પંચાયત ઘરના જર્જરિત મકાનો ઉતારી લેવા અને નવા મકાનોની કામગીરી ઝડપથી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી આ મિટિંગમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પટેલ અને મનરેગા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સંકેત જોષી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ચાણસ્મા: ફીચાલ, ગોખરવા, ખારીઘારીયાલ, શેઢાલ, રેલવેપુરા, ધાણોદરડા હારિજ: કુરેજા, સરેલ પાટણ: માડોત્રી, કમલીવાડા, હનુમાનપુરા રાધનપુર: મોટીપીપળી, સુલતાનપુરા, કામલપુર, શેરગંજ, દેવ સમી: ઝીલવાણા, ખરચરીયા, મહમદપુરા સાંતલપુર: આતરનેશ, જાખોત્રા, દાત્રાણા સરસ્વતી: જંગરાલ, ઓઢવા,વાયડ, વાસણી, ભુતિયાવાસણા, જાખા, અબલુવા, મુના, રખાવ શંખેશ્વર: ટુવડ, તારાનગર, ખીજડિયારી, રણોદ સિદ્ધપુર: મેત્રાણા પુનાસણ લવારા