• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Mere Remembrance Of Jaleshwar Mahadev On The Bank Of Saraswati River In Patan Gives Salvation From All Kinds Of Sins, Devotees Flock In Droves During The Month Of Shravan.

30 દિવસ, 30 શિવ મંદિર:પાટણની સરસ્વતી નદી તટે આવેલા જાળેશ્વર મહાદેવના માત્ર સ્મરણથી તમામ પ્રકારના પાપોથી મળે છે મુક્તી, શ્રાવણ માસમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

પાટણ14 દિવસ પહેલા
  • તીર્થમાં શિવરાત્રિનું જાગરણ જે માનવ કરે છે તે સ્વર્ગલોકનું અતિક્રમણ કરીને શિવલોકને પ્રાપ્ત કરે છે

ગુજરાતની ગરવી ધરતી ઉપર ભોળાનાથ દેવાધિદેવ મહાદેવના અનેક પવિત્ર સ્થાનો છે. તેમાં પણ પાટણ સહસ્ત્રલિંગ તળાવથી શિવઉપાસના માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પાટણ શહેરથી પાંચેક કિલોમીટરના અંતરે પવિત્ર સરસ્વતી નદી તટે વસેલા પાલડી ગામે પ્રસિદ્ધ શ્રી જાળેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે. આ દિવ્યસ્થળ પૂરાણકાળમાં પીલુપર્ણતીર્થ નામે પ્રસિદ્ધ હતું. હાલમાં આસપાસના પંથકમાંથી તેમજ દૂર-દૂરથી અસંખ્ય ભકતો શ્રી જાળેશ્વર મહાદેવના દર્શને આવે છે.

અતિદુર્લભ આ તીર્થ જાળેશ્વર નામથી પ્રસિદ્ધ
આ પીલુપર્ણતીર્થનું મહાત્મય સરસ્વતી પુરાણમાં અને માર્કન્ડેય પુરાણમાં સરસ્વતી મહાત્મયના સોળમાં અધ્યાયમાં વિષદ વર્ણન છે. માર્કન્ડેયમુનિ શિષ્યોને કહે છે, ઋષિમુનિ ગંધર્વોથી સેવાયેલું અતિદુર્લભ આ તીર્થ જાળેશ્વર નામથી પ્રસિદ્ધ છે, જે પાપને દૂર કરાવનાર, સકામ માનવીના મનોરથને અને અભિલાષાઓને પૂર્ણ કરનાર છે, જેના સ્મરણ માત્રથી તમામ પ્રકારના પાપોથી મુકત થવાય છે. આ તીર્થમાં શિવરાત્રિનું જાગરણ જે માનવ કરે છે તે સ્વર્ગલોકનું અતિક્રમણ કરીને શિવલોકને પ્રાપ્ત કરે છે. આ સ્થાન યુગોથી પીલુપર્ણ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.

ઋષિઓ દ્વારા તપની ઇચ્છાથી સેવાયેલું સરસ્વતીના રમણીય તટ ઉપર આવેલું બ્રહ્મકુંડ અને રામકુંડ વચ્ચેથી પ્રવાહિત થતાં પ્રાચી સરસ્વતીના પાવન તીરે પીલુના અડાબીડ વૃક્ષો, સુંદર પુષ્પોદ્યાનમાં વિવિધ પંખીઓના કલરવથી દિવ્ય તપસ્વીઓના મનને પરમ શાંતિદાયક આ તીર્થ છે, જયાં બિન પુરૂષાર્થ સહજ સમાધી, શાંતિ, અહિંસાની અનુભૂતિ થાય છે. પાપનો નાશ કરનારી આ શ્રી જાળેશ્વરતીર્થની કથા નિશ્ચિત મનથી શ્રવણ કરવાથી તમામ પાપથી માનવ મુકત બને છે.

પીલુપર્ણ ઋષિના નામ પરથી આ તીર્થનું નામ પડ્યું
પરમ ધાર્મિક તત્વજ્ઞ, પારદ્રષ્ટા, તપસ્વી મહાનઋષિએ સરસ્વતીના પાવન તીર ઉપર દીર્ઘકાળ જળ, વાયુ, અને જીર્ણપણ અને ક્વચિત પીલુવૃક્ષના પાકા પીલુ ભક્ષણ કરીને તપશ્ચર્યા કરતા પીલુપર્ણ ઋષિ તરીકે વિખ્યાત થયાં. જેમના નામ ઉપરથી આ તીર્થ પણ પીલુપર્ણ નામથી પ્રસિદ્ધ થયું. પીલુપર્ણ ઋષિને માનવ દેહને સાર્થક કરવા પ્રત્યક્ષ પ્રભુના દર્શનનો મનોરથ થયો. સરસ્વતીના નિર્મળ જળમાં ઉભા રહીને અનંતવર્ષો તપશ્ચર્યા કરી ભગવાન શ્રી જાળેશ્વરની સ્તુતિ કરી હતી.

સ્વયં મહાદેવ તેમના મનોરથ પૂર્ણ કરવા પ્રગટ થયા હતા. ભગવાન શ્રી જાળેશ્વર, ચતુર્વંગ સચરાચર વ્યાપક છે. જે સતયુગમાં જાગેશ્વર, ત્રેતાયુગમાં જગનેશ્વર, દ્વાપરયુગમાં જપેશ્વર, અને કળીયુગમાં શ્રી જાળેશ્વર નામથી વિખ્યાત છે. જે પુણ્ય, જપ, ભોગ, શ્રધ્ધાપૂર્વક દાન વગેરે કર્મથી શ્રી જાળેશ્વર દાદા પ્રસન્ન થાય છે.
એક હજાર યુગ સુધી આ શિવલિંગ જાળાના મધ્યમાં રહ્યું
એક હજાર યુગ સુધી આ શિવલિંગ જાળાના મધ્યમાં રહ્યું અને તે કાળે સિધો અને ગંધવોની તપશ્ચર્યાથી આ શિવલિંગ સેવાયેલું છે. કળીયુગમાં જાળામાંથી પ્રગટ થયા છે માટે શ્રી જાળેશ્વર નામથી પ્રસિદ્ધ છે.

જાળેશ્વર તિર્થનો ઈતિહાસ
પુરાણકાળની દિવ્ય ભાવમય ઘટના પ્રમાણે આ દિવ્યભૂમિમાં જાંગલ નામના તપસ્વી તપ કરી ભૂમિને પ્રવિત્ર કરી રહ્યા હતા. આ સમય ગાળામાં ગહ નવનમાં જાળા ઉપર ગોધનમાંથી કોઇ એક નંદીની ગાય પુષ્કળ દૂધની ધારા વડે નિત્ય શિવલિંગનું સિંચન કરતી હતી. જેથી આ નંદીની ગાય માલિકને દૂધ આપતી ન હતી. જોકે, માલિક ગોવાળને ગાયને દોહી લેવાનો મિથ્યા આરોપ લગાવ્યો હતો. જેથી ગોવાળે તપાસ કરતાં સાંયનકાળે ગોધન વળતું હતું ત્યારે નિત્ય નિયમ પ્રમાણે આ નંદીની ગાય દૂધની ધારા જાળા ઉપર સ્વયં સિંચન કરતી હતી. ગોવાળને કૌતુક લાગતા ક્રોધાવેશમાં ગાયને લાકડી મારી હતી. જેથી વાછરડાં સહીત ગૌમાતા દેવાગંનાનુ રૂપ ધારણ કરી વિમાનારુઢ થઇ સ્વર્ગને વિશે ચાલી ગઇ (તેથી આ તીર્થનું બીજુનામ ગૌવત્સતીર્થ કહેવાય છે.) પરંતુ ગોવાળની લાકડીના પ્રહારથી ગાયને બચાવી નીજ ભક્તોને ભાવુક લીલાના દર્શન કરાવી ભાવમય બનાવવા ઘા પોતે સહી લીધો. (જે ગોવાળની લાકડીનો ઘા અદ્યપિ બાણમાં પ્રત્યક્ષ દર્શન થાય છે) ગોવાળે જાળુ ખોદીને દ્રષ્ટિ કરતા ભગવાન શંકરનું શિવલિંગ દર્શનમાં આવ્યું હતું. તે એ જ શિવલિંગ યુગાન્તરે પીલુપર્ણ તીર્થમાં અહર્નિશ નિવાસ કરે છે તે શ્રી જાળેશ્વર દાદા.

આજે પણ શિવલિંગ ઉપર કામધેનુ ગાયની ખરીના દર્શન
માર્કેન્ડેય મુનિ કહે છે કે, શિવજીને કૈલાસ કરતા અધિક પ્રીતિ આ તીર્થ ઉપર છે. જેથી અહીં ભગવાન રૂદ્ર ઉમિયા સહિત અહર્નીશ ક્રીડારત રહે છે. યુગ પરિવર્તને અદ્દશ્ય દશામાં પણ આ શિવલિંગ અપૂજ નથી રહેતું, કામધેનું ગાય અભિષેક કરી જાય છે. જેના પુરાવા સ્વરૂપ આજે પણ શિવલિંગ ઉપર કામધેનુ ગાયની ખરીના દર્શન થાય છે. કામધેનુની દૂધની ધારાઓથી ક્ષાલીત થયેલા શિવલિંગના દર્શન માત્રથી માનવ નિર્મળ બને છે.
દૂધ આપતી ગાયનું દાન કરે તે વાંચ્છિત ફળ પ્રાપ્ત કરે
સરસ્વતી તટે સ્નાન કરીને બ્રહમકુંડ, રામકુંડના જળને વંદન કરવાથી ભય અને પાપી જીવન મુકત બને છે. આ તીર્થમાં તપદાન, જપ, ઓમ, સ્વાઘ્યાય, દિવાર્ચન વગેરે શ્રધ્ધાપૂર્વક કરે તે નર નરકના દર્શન કરતા નથી. આ તીર્થમાં સ્નાન કરીને વાછરડા સહિત દૂધ આપતી ગાયનું દાન કરે તે વાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.

જાળેશ્વર દાદાનું મહાત્મય જે સાંભળે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે
સોમવતી અમાસના યોગે અથવા વ્યતિપાત, દ્વાદશી કે ચતુર્દશીના રોજ શિવપૂજન તથા રાત્રી જાગરણ કરવાથી પોતાના પૂર્ણકુળનો ઉધ્ધાર કરાવીને શિવલોકમાં નિવાસ પામે છે. આ પૂણ્યકારક, પવિત્ર અને દુઃસ્વપ્નનો નાશ કરનારું શ્રી જાળેશ્વર દાદાનું મહાત્મય જે સાંભળે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. વાછરડા સહિત કામધેનુથી પૂજાયેલા અને તેની ખરીના ચિન્હને અખંડ ધારણ કરનાર શ્રી જાળેશ્વર મહાદેવના પાવન ક્ષેત્રને "ગોવત્સતીર્થ'' નામથી પણ ઋષિઓ ઓળખે છે. આ સ્વયંભૂ શંભૂના સમીપ રહી મહાત્મા મહર્ષિએ 24 લાજપ તપયુક્ત ગાયત્રીનું પુરશ્ચરણ કરેલ છે. ગાયત્રી પ્રત્યક્ષરાત્મક 24 દેરીઓમાં શિવલિંગ સ્થાપન કર્યા છે. ત્રિકાળ સંધ્યારૂપે ત્રણ ઘેનુઓ આદ્ય, મધ્ય અને અત્ય ભાગે સ્થિત છે. તે કર્તા પુરૂષની પણ દેરી અલાયદી પૃથક છે.

રામકુંડનો મહિમા પણ ગૌરવવંતો
શિવાલયના સમીપે વિદ્યમાન રામકુંડનો મહિમા પણ ગૌરવવંતો છે. માનવ શરીરે ઉત્પન્ન કોઈપણ ચર્મ રોગ આ રામકુંડની કૃતિકાનો લેપ કરવાથી મટી જાય છે. તેનું દિવ્ય ઉદાહરણ સયાજીરાવ ગાયકવાડના માતૃશ્રી છે. તે પણ ચર્મરોગના ભોગ બનેલ અને આ રામકુંડની મૃતિકાના લેપથી તે ચર્મરોગનું નિર્મૂલન થયેલ. જેથી મહાદેવની પરિસરની 1600 વિદ્યા ભૂમિ શ્રી જાળેશ્વર દાદાની સેવામાં સાદર અર્પણ કરેલ. જેમાં ખેતી અને અન્ય ગામોનો વસવાટ થયેલ છે.
અતિ પાપી શિકારી પણ પાપમાંથી મુક્ત થયો
આ દિવ્ય પીલુપર્ણ તીર્થ ભૂમિમાં રાત્રીના જાગરણનું મહાત્મય બતાવતા માર્કડેયમુનિ કહે છે કે, આ દિવ્ય અને પાવન સ્થળે અતિ પાપી શિકારીએ પણ સોમવાર યુક્ત ચતુર્દશીએ સરસ્વતી માં સ્નાન કરી, રાત્રી જાગરણ કરી પાપમાંથી મુકત થઇ કીંગ દેશનો રાજા બનેલો (હાલનું આસામ) અને અંતે શિવપદને પ્રાપ્ત કરેલ.

અખંડ જાગરણ કરે તેની મનોકામના પૂર્ણ થાય છે
​​​​​​​
સાંપ્રતકાળમાં પણ શ્રી જાનેશ્વરદાદા સર્વ ભકતોના મનોરથને સિદ્ધ કરે છે. આ તીર્થના મહાત્મય પ્રમાણે આજ પણ જે માનવ ચતુર્દશીની રાત્રિ અખંડ જાગરણ કરે તેની સર્વમનોકામના પરીપૂર્ણ બને છે. આ અખંડ જાગરણના મહાત્મયને સાર્થક કરવાના પાવન હેતુસર દિવ્ય ભવાઈ ઉત્સવની વર્ષો પૂર્વે ગોઠવણી થયેલ હોય તેમ જણાય છે.
ભવાઇ ઉત્સવ ઉજવી જાળેશ્વર દાદાને પ્રસન્ન કરે છે
આ સ્થળે પરાપૂર્વથી આશરે 250 વર્ષથી પાટણ તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત સાધન સંપન્ન અને વિચક્ષણ આશરે 45 કુટુંબો સ્વખર્ચે જાજરમાન દિપોત્સવી સમાન ભવાઇ ઉત્સવ ઉજવી પૂજય જાળેશ્વર દાદાને પ્રસન્ન કરે છે. શ્રી જાળેશ્વર તીર્થનો અનંતચતુર્દશીનો ભવાઇ ઉત્સવ, પુનમની જલઝીલણાની ભવ્યયાત્રા અને મેળાનો આનંદ માણવો એ જીવનનો લ્હાવો છે.
દાદાજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નિકળે છે
આ દિવસે ભવાઈ રમનાર પાટણ તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોના અંગેઅંગોમાં સવારથી જ નૂતનવર્ષ જેવો આનંદ વિલસતો હોય છે. બપોરે 12 કલાકે પાટણ ગામ મધ્યે બળદગાડું જોડાય છે. તેમા શ્રી જાળેશ્વરદાદાના શૃંગારના દાગીના, ધ્વજાજી અને સર્વે સભ્યોના ભવાઇ સ્વાંગની પેટીઓ વગેરે ગોઠવાય છે. પૂજન અર્ચન થાય છે. સૌથી આગળ અશ્વારૂઢ છડીદાર શ્રી જાળેશ્વરદાદાનો પ્રશસ્તી જયજયકાર પોકારે છે. આ રીતે શ્રી દાદાજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નિકળે છે. પાલડી ગામમાં પ્રવેશતા જ ગ્રામજનો દ્વારા વરઘોડાના વધામણા થાય છે. ભવાઈ મંડળના સભ્યો સ્નાન ઇત્યાદીથી પરવારી શ્રી બહુચરમાતાની સુંદર આંગી અને શ્રી જાળેશ્વર દાદાની ખૂબજ ભાવપૂર્વક શોડષોપચાર મહાપૂજા કરે છે. ત્યારબાદ સર્વે પિતામ્બર ધારણ કરીને હરહર મહાદેવના નાદ સાથે દાદાનો મહાપ્રસાદ આમંત્રિત મહેમાનો સાથે ગ્રહણ કરે છે. અત્રે 9 કલાકે શ્રી બહુચર માતાજીનો મંગળ દિવો કરી માતાજીને વિનવણીમાં ભાવપૂર્વક ગરબી ગવાય છે ત્યારે વાતાવરણમાં ભકિતરસ વહેવા માંડે છે. આ રીતે માતાજીની પ્રસન્નતા મેળવી ભવાઇ ઉત્સવનો પ્રારંભ થાય છે.

​​​​​​​ભવાઇના જુદા-જુદા વેશો ભાવપૂર્વક ભજવાય છે
​​​​​​​
અસાઈત ઠાકરના ભવાઈ સાહિત્યને વાંચા આપવામાં આવે છે. જેમાં કાઠી, ગણપતી, મીચાં-બીબી, ગોરખ-જોગણી, કાળકા, જંદા-ઝૂલણ, કજોડો, દેગમરાજા, ભોઇ-ભોયણ, રામ-લક્ષ્મણ-સીતા, સરાણીયાનો વેશ, હનુમાન-રાવણ જેવા અખંડરાત્રી ભવાઇના જુદા-જુદા વેશો ભાવપૂર્વક ભજવાય છે. ભવાઇ ભજવનાર સભ્ય પોતાની જ્ઞાતિ, પદવી કે સંપત્તિની ગરીમાનું લેશમાત્ર અભિમાન રાખ્યા વગર શ્રી દાદાના ચોકમાં દીનભાવે આનંદથી પાત્રો ભજવે છે અને શ્રી માતાજીની અને પૂજય શ્રી જાળેશ્વરદાદાની પૂર્ણકૃપા પ્રાપ્ત કરે છે.
​​​​​​​બીજા દિવસે પૂર્ણીમાએ બપોરે 12 કલાકે રામ રાવણ યુદ્ધ વેશ રજુ કરી ભવાઈ ઉત્સવની પૂર્ણાહૂતિ થાય છે. ત્યારબાદ શ્રી જાળેશ્વર દાદાની જળઝીલણાની ભવ્ય યાત્રા નીકળે છે. પાલખીમાં શ્રીજીનું ઉત્સવ સ્વરૂપ બીરાજે છે. અશ્વારૂઢ છડીદારની આગેવાનીમાં ઢોલ-નગારા, ભૂંગળના નાદ સાથે ગામમાં પરીભ્રમણ કરતી યાત્રા ગામના તળાવે જળઝીલવા નીકળે છે. તે અવસર ગ્રામજનો અને ભાવીક ભક્તો ભાવવીભોર બને છે, જલ ઝીલણા કરી યાત્રા નીજ મંદિરે પરત આવે છે.

​​​​​​​અખંડરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે
પાટણ શહેર અને પાટણવાડા પંથક તથા દેશ દેશાવરના હજારો શ્રધ્ધાળુઓ આ ઉત્સવના દર્શન કરવા આવે છે. આવા દુર્લભ તીર્થમાં ઉત્સવના દર્શન કરવા અનંત માનવ મહેરામણ ઉમટે છે અને મોટો અખંડરાત્રીનો મેળો ભરાય છે. બીજા દીવસે સૌ અંતરમાં આનંદ, શ્રધ્ધા અને ભક્તિ રંગના સાથીયા પૂરી ઘરે પાછા આવે છે. આ અખંડરાત્રી જાગરણ અને માતાજીની જાતર ભવાઇ ઉત્સવના દર્શન કરવા એ માતાજીના દર્શન માટે હજારો કિ.મી. પગપાળા યાત્રા સમાન પૂણ્ય છે. શ્રી જાળેશ્વર તીર્થમાં અનંત ચતુર્દશીના દિવસે અખંડ રાત્રીએ જાગરણ કરી ભવાઈ ઉત્સવના જે ભાવીક દર્શન કરે છે. તેના જન્મોજનમની દરીદ્રતા દૂર થઇ મનવાંચ્છીત ફળની પ્રાપ્તી થાય છે. દુખીયાના દુઃખ દુર, ભચવાળા ભયથી મુક્ત, સંકટવાળાના સંકટદૂર, નિર્ધનને ધન અને નિઃસંતાનને સંતાન પ્રાપ્ત જેવા અનેક સુખની અનુભૂતિ આજના સાંપ્રતકાળમાં પણ ભાવીક ભક્તોને થાય છે જેના અનંત ઉદાહરણો છે. દરેક ભાવીક શ્રી જાળેશ્વરદાદાના ભવાઈ ઉત્સવ અને અખંડ રાત્રી મેળાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...