નિર્ણય:જયવીરનગર પાસે જર્જરિત ફ્લેટ ઉતારી લેવા દેવદિવાળી પછી બેઠક બોલાવાશે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર બાદ પાટણ નગરપાલિકા વેપારીઓ સાથેની બેઠક યોજશે

પાટણના જયવીર નગર વિસ્તારમાં આવેલ મારુતિપાર્ક સોસાયટી પાસે જર્જરિત થઈ ગયેલ સિદ્ધેશ્વરી ફ્લેટ જોખમકારક થઈ ગયો હોવાથી ઉતારી લેવા માટે પાટણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરાતાં નગરપાલિકા દ્વારા દેવ દિવાળી પછી દુકાનદારોની બેઠક બોલાવવામાં આવનાર હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

શહેરના જયવીરનગર વિસ્તારમાં મારુતિ પાર્ક સોસાયટી પાસે આવેલ સિદ્ધેશ્વરી ફ્લેટ જર્જરિત હોવાથી ઉતારી લેવા પ્રશ્ન તાલુકા સ્વાગતમાં રજૂ કરાયો હતો. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો ચાલી રહી છે અને ઉપરના મકાનો જર્જરિત છે તેમાં ગંભીરતાથી કામગીરી કરવા પાલિકા ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી. આ મામલે અગાઉ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ આખરી નોટિસ આપી ઇમારત ઉતારી લેવાની કાર્યવાહી કરવા સુચના આપી હતી.જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વેપારીઓ અને મકાન માલિકોને એક સંયુક્ત બેઠક બોલાવી ચર્ચા કર્યા પછી આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

નગરપાલિકા સૂત્રોએ જણાવ્યા મુજબ ફ્લેટ જર્જરિત થઈ ગયો હોવાથી તેમાં હવે માત્ર બે-ત્રણ પરિવારો જ રહે છે, બાકીના ખાલી થઈ ગયા છે પરંતુ દુકાનદારો દુકાન ખાલી ન કરે ત્યાં સુધી ઉતારી શકાય નહીં. આ માટે બેઠક બોલાવવાની હતી પરંતુ દિવાળીના તહેવાર હોવાથી અને તમામના વેપાર-ધંધાના રોજગારીના માલસામાન ભરેલા હોવાથી આ બેઠક તરત ન કરતા દેવ દિવાળી પછી પરિસ્થિતિ થાળે પડી જાય ત્યારબાદ બેઠક બોલાવી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...