આગામી અષાઢ માસની પવિત્ર બીજનાં પવિત્ર દિવસે પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નિકળનાર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની 140મી રથયાત્રાને સાંગોપાંગ સફળ બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ રથયાત્રાનાં કાયૅકરોની અગત્યની બેઠક જગન્નાથ મંદિર પરિસર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅનાં અધ્યક્ષ સ્થાને મળી હતી.
છેલ્લા બે વર્ષથી પાટણ શહેરમાં કોરોનાની મહામારીનાં કારણે જગન્નાથ ભગવાનની અષાઢીબીજ નિમિત્તે નિકળતી ભવ્યાતિભવ્ય રથયાત્રા ટ્રસ્ટી મંડળ દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી હતી. ત્યારે ચાલુ સાલે કોરોનાની મહામારી દુર થઇ હોય આગામી અષાઢીબીજ નિમિત્તે જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નિકળનારી 140મી રથયાત્રાનાં આયોજનને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ રથયાત્રાનાં કાયૅકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જગન્નાથ ભગવાનની રથયાત્રાને ભક્તિ સભર માહોલમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં માટે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા રથયાત્રાનાં આયોજન ની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રાનાં સેવાભાવી કાયૅકરો દ્વારા પોતાના વિચારો રજૂ કરી ભગવાન જગન્નાથ ની 140મી રથયાત્રા ને યાદગાર બનાવવા કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.