રખડતા ઢોરની સમસ્યામાંથી છુટકારો અપાવવાનો પ્રયાસ:પાટણ નગર પાલિકાને ઢોરનો રખરખાવ કરવા સરકાર દ્વારા રૂ.10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા અને પાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરોને ડબ્બે કરી તેના રખરખાવ માટેની વ્યવસ્થા કરવા પાટણ નગરપાલિકા દ્વારા સરકારમાં ગ્રાન્ટ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્તને સરકાર દ્વારા મંજૂર કરી રૂપિયા દસ લાખની ગ્રાન્ટ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બનવાની સાથે સાથે પાંચ જેટલા નિર્દોષ લોકોના મોત પણ નીપજ્યા છે.ત્યારે રખડતા ઢોરોમાંથી શહેરીજનોને છુટકારો અપાવવા પાલિકા તંત્ર એ કમર કસી છે અને રખડતા ઢોરોને ડબ્બે કરવા માટેના અભિયાનને પુનઃ શરૂ કરવા તૂટેલા ઢોર ડબ્બાના રીપેરીંગ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરાયા બાદ પકડાયેલા ઢોરોના રખરખાવ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા પાલિકા તંત્ર દ્વારા સરકાર માંથી વિશેષ ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

જે દરખાતને સરકારે ધ્યાનમાં લઇ પાટણ નગરપાલિકાને રખડતા ઢોરોના રખરખાવ માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય જે ગ્રાન્ટ બાબતે આગામી સામાન્ય સભામાં પ્રસ્તાવ રજૂ કરી તેના માટે જગ્યા નક્કી કરી તારની ફેન્સીંગ અને રખડતા ઢોરો માટે પીવાના પાણીનો હવાડો અને ઘાસના સંગ્રહ માટે ઓરડી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતુ.