પરશુરામ જયંતિ:પાટણમાં ભગવાન પરશુરામજીની ચાંદી જડીત રથમાં આરતી સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન જગન્નાથ અને ભગવાન પરશુરામનાં ગગનભેદી જયઘોષ સાથે ખલાસીઓએ રથનું પ્રસ્થાન કરાવ્યુ

પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા જગન્નાથ ભગવાનના સાનિધ્યમાંથી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ પવૅની સૌપ્રથમવાર ચાંદી જડીત રથમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મંગળવારના પવિત્ર દિવસે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભગવાનની આરતી ઉતારી ખલાસીઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવી હતી.

1
1

ભગવાન પરશુરામજી ના જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પૂર્વ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત સૌ રાજકીય, સામાજિક આગેવાનો નું ફુલહારથી સ્વાગત કરી આવકાર્યા હતા.

તો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી ઉર્ફે નેહા મહેતાનુ પણ ટ્રસ્ટી મંડળે સ્વાગત કરી ભગવાન પરશુરામજીની શોભાયાત્રાની આરતીની ઉછામણી કરવામાં આવતાં તેનૉ લાભ રાવલ એન્ટરપ્રાઈઝનાં માલિક અને એક્ટિવ ગૃપના પૂવૅ પ્રમુખ હિતેશભાઈ નવીનભાઈ રાવલ પરિવારે મેળવી ભગવાન પરશુરામજીની આરતી ઉતારી જય જય કાર વચ્ચે રથને ખલાસીઓ દ્વારા ભક્તિ સંગીતનાં સુરો વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજીના રથમાં ભગવાન પરશુરામજી બિરાજમાન બની નગરચર્યાએ સવારે 9.30 કલાકના શુભ મુહુર્તે નીકળી શહેરના હિગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, કૃષ્ણ સિનેમા, હિંગળાચાચર થઈ મેઈન બજાર, ધીવટા નાકેથી પુનઃ જગન્નાથ મંદિર પરિસર ખાતેનાં પરશુરામ ભગવાન મંદિર પરિસર ખાતે 12.39 ના વિજય મુહૂર્તમાં સંપન્ન બની હતી.

પાટણ શહેરના જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન કરાયેલા ભગવાન પરશુરામજીની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે મંદિર પરિસર ખાતેથી પ્રથમ વખત અને શહેરમાં 51મી વખત નીકળેલી ભવ્યાતિભવ્ય પરશુરામજી ભગવાનની આ શોભાયાત્રામાં ભગવાનના રથ સહિત ધોડેસવાર પરશુરામજી, પાંચ ઉંટ, ત્રણ ધોડેસવારો સાથે વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ ના 25 જેટલા ટેબ્લો, કળશધારી કુંવારિકાઓ, મ્યુઝિક બેન્ડ નાસીક ઢોલ, ડીજે સાથે મનોરંજન પિરસતા રાક્ષસ,બંદર સહિત વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજ અને પાટણના ધમૅપ્રેમી નગરજનો, રાજકીય, સામાજિક આગેવાનો જોડાયાં હતાં.

રથયાત્રાનાં માર્ગો પર રોકડીયા ગેટ યુવક મંડળ, પાટણનાં ધારાસભ્ય સહિત જિલ્લા,શહેર કોંગ્રેસ સમિતિ, એક્ટિવ ગૃપ, જુનાગંજ અનાજ બજાર, એસોસિએશન, પાટીદાર યુવા કિશાન સેના, અમૃતલાલ જોષી પરિવાર સહિત નાં સેવાભાવી સંગઠનો અને સંસ્થા દ્વારા વિવિધ સેવા કેમ્પો ઉભા કરી રથયાત્રા માં જોડાયેલા સૌ ભક્તોને સેવા પુરી પાડી હતી.

જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત ભગવાન પરશુરામજી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું પાટણની ધમૅપ્રેમી જનતા સાથે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ,પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ,બેબાભાઈ શેઠ સહિત રાજકીય સામાજિક આગેવાનો, પાટણના પ્રબુદ્ધ નગરજનો, પત્રકાર મિત્રો દ્વારા પુજા અર્ચના અને આરતી સાથે સ્વાગત કર્યું હતું.

ભગવાન જગન્નાથજીનાં મંદિર પરિસર ખાતેથી સૌ પ્રથમવાર આયોજિત ભગવાન પરશુરામજીની જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે નિકળેલી ભવ્યાતિભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ, પ્રવિણભાઇ બારોટ, હષૅદભાઈ રાવલ, વિનોદભાઈ પટેલ, કાંતીભાઈ પટેલ, અશોકભાઈ ત્રિવેદી સહિતના ટ્રસ્ટી ગણ સહિત બ્રહ્મ સમાજ નાં સેવાભાવી યુવાનો, આગેવાનો, બહેનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો તો ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને રથયાત્રા નાં માર્ગો પર પાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરી શોભાયાત્રામાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...