• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Grand Procession Of Kalabhairav Dada Took Place In Patan, Bhulkas Dressed In Different Costumes Became The Center Of Attraction.

કાળભૈરવ દાદાની જન્મજયંતિ:પાટણમાં કાળભૈરવ દાદાની ભવ્ય શોભાયાત્રા નિકળી, અલગ-અલગ વેશભૂષામાં સજજ ભુલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

પાટણ3 મહિનો પહેલા

પાટણ શહેરના કોઠાકૂઈ દરવાજા બહાર આવેલા પ્રાચીન કાળભૈરવદાદાનું સ્થાનક હજારો શ્રધ્ધાળુઓ માટે પૂજનીય બની રહ્યું છે. આજે કાળભૈરવ દાદાની જન્મજયંતિ મહોત્સવને લઈ મંદિર પરીસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ભૈરવદાદાના સ્થાનકને વિશિષ્ટ ફુલોની આંગીથી સુશોભીત કરવામાં આવ્યું હતું. તો દાદા સન્મુખ 56 ભોગ અન્નકુટના મનોરથ દર્શન ગોઠવવામાં આવ્યાં હતા. જયાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું
કાળભૈરવદાદાની જન્મજયંતિની પાટણ શહેરમાં આનંદ, ઉલ્લાસ અને ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે નિજ મંદિર ખાતેથી વિશાળ ભક્તોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાને વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં પ્રથમ નિશાન ડંકો, શણગારેલ ઉંટલારીઓમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ અલગ-અલગ વેશભૂષામાં સજજ નાના ભુલકાઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. તો આ શોભાયાત્રામાં કાળભૈરવદાદાના શ્રધ્ધાળુ સેવક ભકતોએ હાથમાં ધજા લઈ દાદાના જયધોષ સાથે સમગ્ર વાતાવરણને ગુંજવી મુક્યું હતું.

રાસગરબાની ભારે રંગત જમાવી પારેવા સર્કલ નજીક સંગીતના સાંજીદાઓએ સંગીતની સુરાવલી વચ્ચે ભૈરવદાદાનો ત્રણ તાલીથી જયજયકાર કરતા શ્રધ્ધાળુ ભકતોએ એકસૂરે જય..જયકાર બોલતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાઈ ગયું હતું. શોભાયાત્રામાં જોડાયેલી મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ મંદિરના સેવકગણોએ રાસગરબાની ભારે રંગત જમાવી હતી. આ શોભાયાત્રા શહેરના હિંગળાચાચર ચોક, ત્રણ દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી નીજમંદિર ખાતે સમાપન થઈ હતી. પાટણની પાવનધરા ઉપર બીરાજમાન કાળભૈરવ દાદાના જન્મજયંતિ મહોત્સવની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...