ન.પાના પ્રમુખ સામે ફરિયાદ:રાધનપુર નગરપાલિકાના પ્રમુખની ફેક્ટરીના મજૂરે પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદા તાલુકાના શેરગંજ ખાતે અદા ઓઇલ નામની ફેક્ટરી ધરાવે છે.તેમની ફેક્ટરીમાં રાજસ્થાનના ડુંગરપુરના લોહારિયા વિકાસનગરના 14 વર્ષીય કપિલ અને 16 વર્ષીય અનિલને બાળમજુર તરીકે મજૂરી કરાવી કંપની બહાર ના જવા દઈને ફેક્ટરીની અંદર બંધક બનાવી સમયસર ભોજન ના આપી તેમજ માનસિક તણાવમાં રાખવા બદલ પિતાએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના માલિક,સુપરવાઈઝર અને મજૂરો લાવનાર વચોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

રમેશચંદ્ર નાનૈયા પારગીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અદા રીફાઈનરી ઓઇલ ફેક્ટરીમાં તા.21-03-22ના રોજ તેમનો 16 વર્ષનો દીકરો અનિલ પારગી તેના નાના ભાઈ કપિલ પારગીને લેવા ફેક્ટરીમાં ગયો હતો.નાનો ભાઈ ફેક્ટરીમાં કામ કરી રહ્યો હોઈ ફેક્ટરીના માલિક મહેશભાઈ અદાએ અનિલ પારગીને કહ્યું હતું કે કામ જલ્દી ખતમ થાય તો તારા નાના ભાઈ કપિલને રજા મળશે.તું પણ કામે લાગી જા તો પાંચસો રૂપિયા પગાર મળશે.જેથી મજબૂરીમાં અનિલને કામ કરવું પડ્યું.નાના પુત્ર કપિલને ડુંગરપુર રાજસ્થાનનો શારદા ભાણા કટારા કામ માટે લઇ આવ્યો હતો.જયારે ફેક્ટરીનો સુપરવાઈઝર પપ્પુ ચૌધરી પણ બાળમજૂરી કરાવતા હતાં.બંને ભાઈઓને 12-12 કલાક મજૂરી કરાવતા હતાં.ઓવરટાઈમ પણ કરાવતા અને કામ ના કરે તો ડરાવતા-ધમકાવતા હતાં.ફેક્ટરીની બહાર પણ નીકળવા દેતા નહોતા અને ફેક્ટરીમાં બંધક બનાવીને રાખ્યા હતાં.સમયસર જમવાનું પણ આપતા નહોતા.

તા.31-03-2022 ના રોજ ફેક્ટરીના સુપરવાઇઝર પપ્પુ ચૌધરીએ અનિલને મોટા મશીન ઉપર કામ કરવા દબાણ કરીને ધમકાવ્યો હતો.મશીનનો પટ્ટો ઉતરેલો હોઈ ચડાવતો હતો એ સમય દરમ્યાન મશીન ચાલુ કરી દેતા અનિલનો ડાબો હાથ મશીનમાં આવીને કપાઈ ગયો હતો.જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.પછી તેને વળતર આપવાની હૈયાધરણ આપીને વતનમાં મોકલી દેવામાં આવ્યો હતો.પરંતુ આજદિન સુધીમાં કોઈ સહાય કે વળતર ચૂકવવામાં આવ્યું નહોતું.તા.13-05-22ના રોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજુઆત કરવા છતાંય ફરિયાદ દાખલ નહોતી થઇ.

રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી
રમેશચંદ્ર નાનૈયા પારગીએ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ચૌરાસી પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના માલિક મહેશભાઈ અદા,સુપરવાઈઝર પપ્પુ ચૌધરી અને વચોટિયાશારદા ભાણા કટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...