"આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023" તેમજ "રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન" ન્યુટ્રીસિરિયલ યોજના" અંતગર્ત જિલ્લા કક્ષાનો મહોત્સવ જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના અધ્યક્ષસ્થાને ખોડાભા વાડી, રૂપપુર, ચાણસ્મા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશેષ નિષ્ણાતો ડૉ.આર.એ.ગામી અને પ્રાધ્યાપક આઇ.એન.પટેલ દ્વારા ખેડૂતોને ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને કેટલાક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. ખેતીવાડી વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં કૃષિ મેળા અંતર્ગત વિવિધ 10 જેટલા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સની જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી તથા મહેમાનોએ મુલાકાત લીધી હતી.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ માર્ચ 2021 માં તેનાં 75 માં સત્રમાં વર્ષ 2023 ને મીલેટનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરેલ છે. આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 પ્રતિકૂળ અને બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં તૃણ ધાન્ય પાકોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્ય સંબધિત લાભો તેમજ તેનું વાવેતર વધે તે હેતુસર જાગૃતિ લાવવા માટેની એક સુવર્ણ તક છે. આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ પાકોના ટકાઉ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપશે, જયારે ઉત્પાદકો અને ઉપભોક્તા માટે નવી ટકાઉ બજારની તકો પ્રદાન કરવાની તેમની સંભવિતતાને પ્રકાશીત કરશે. સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ છે. અસંખ્ય સ્વાસ્થ્ય વર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઇનપુટની જરૂરિયાત સાથે પર્યાવરણ માટે પણ લાભકારક છે.
આ કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે, આજે વિશ્વ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને કારણે જ શક્ય બન્યું છે. મિલેટ વર્ષને ઉજવવાથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવશે અને લોકો પરંપરાગત ધાન્ય તરફ પાછા વળશે. આજે સરકાર દ્વારા મિલેટ ધાન્ય પાક માટે જાગૃતિ લાવવા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમોથી લોકો મિલેટ ધાન્યને અપનાવશે અને લોકોના સ્વાસ્થયમાં સુધારો થશે. આવો આપણે સૌ રોજિંદા આહારમાં મિલેટ ધાન્યને સ્થાન આપીએ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.
જિલ્લા કક્ષાના મહોત્સવને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ જણાવ્યું કે ભારત સરકારની પહેલ દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણે મિલેટ વર્ષની જાહેરાત કરવામાં આવી છે. ભારત દેશમાં હરિત ક્રાંતિ , શ્વેત ક્રાંતિ દ્વારા ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યુ છે.
આ તમામ ક્રાંતિના કારણે ઉત્પાદન તો ખુબ વધ્યું પરંતુ તેના કારણે કેટલીક આડઅસર પણ જોવા મળી. તેથી ભારત સરકારે મિલેટ પરંપરાગત ધાન્ય અપનાવવા જનતાને અપીલ કરી છે. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ ખેડૂતભાઇઓ 10 વિઘા જમીનમાંથી એક કે બે વીઘામાં મિલેટનું વાવેતર કરી સમાજસેવામાં યોગદાન આપવા માટે અપીલ પણ કરી હતી.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલકી, ICDS અધિકારી ગૌરીબેન સોલંકી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, પ્રાધ્યાપક અને અન્ય કર્મચારીઓ, સંગઠન પ્રમુખ ઉપેન્દ્ર પટેલ, મહેશભાઈ ચૌધરી, કિરણભાઈ, દીપમાલા બેન, તથા ખેડુતભાઈઓ અને બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.