સૂચના:પાટણ શહેર, ડેરાસણા, ચાબખા ગામના ત્રણ કેસમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાશે

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટી બેઠકમાં 26 અરજીઓમાંથી13 દફતરે કરાઈ:10 પેન્ડિંગ
  • જિલ્લા કમિટી દ્વારા ત્રણ અરજદારોને પ્રતિવાદીઓ સામે એફઆઇઆર કરવા સૂચના

પાટણ ખાતે ગુરૂવારે મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં તંત્રને મળેલી 26 અરજીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 13 અરજીઓ દફતરે કરવામાં આવી હતી જ્યારે પાટણ શહેર, ડેરાસણા અને ચાબખા ગામના ત્રણ કેસમાં પ્રતિવાદીઓ સામે એફઆઇઆર કરવા માટે અરજદારને જણાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે 10 અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી તેનો નિર્ણય આગામી કમિટીમાં લેવામાં આવશે.

કિસ્સો 1 :- પાટણમાં શખ્સે જમીન પચાવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું
પાટણ શહેર ખાતે આવેલી 2416 ચો.મી. મિલકતમાં પાટણના મોહમ્મદ સોદાગર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ના નિયમ 5(7) હેઠળનો કૃત્ય કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા અરજદાર પાટણના અબ્દુલઅજીજ અબ્દુલ રહેમાન સોદાગરે પ્રતિવાદી ઉંમર મોહમ્મદ સોદાગર સામે સંબંધિત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા અને પોલીસ ઇન્સ્પેક્ટરે આ અંગેનો અહેવાલ મોકલી આપવા ઠરાવ્યું હતું.

કિસ્સો 2 :- લોઢપુરની જમીનનું ખોટું સોગુદનામુ રજૂ કરી 10 શખ્સોનો કબજો
પાટણ તાલુકાના લોઢપુર ગામે આવેલી 26988 ચો.મી.જમીનમાં ભગવાનભાઈ ઇશ્વરભાઇ રબારી સહિત 10 લોકોનો હક હિત સમાયેલો ન હોવા છતાં બનાવટી પેઢીનામાં આધારે અને ખોટું સોગંદનામુ બનાવી રેકર્ડ ઊભું કરી વારસાઈ નોંધ જે તે સમયે રેકર્ડમાં ખોટી રીતે દાખલ કરાવેલી હોવાથી અરજદાર ડેરાસણા ગામના ગાડાભાઇ વેરશીભાઈ રબારીએ જિલ્લા સમિતિનો હુકમ મળ્યાના સાત દિવસમાં પ્રતિવાદીઓ સામે પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા અને પોલીસ ઇન્સ્પેક્ટર બાલીસણાએ એફઆઈઆર સહિતનો અહેવાલ મોકલવા ઠરાવ્યું હતું.

કિસ્સો 3 :- ચાબખામાં હારિજના અરજદારની જમીન પર 8 શખ્સો કબજો
હારિજ તાલુકાના ચાબખા ગામે આવેલી 22237 ચો.મી.જમીનમાં અરજદાર હારિજના નટવરલાલ વૈકુંઠરામ ઠાકરનો માલિકી હક પ્રસ્થાપિત થાય છે આ જમીનમાં નટુજી વિસાજી ઠાકોર સહિત આઠ લોકોનો ગેરકાયદેસર કબજો ભોગવટો હોવાથી અરજદારે જિલ્લા સમિતિના નિર્ણયનો હુકમ મળ્યાના સાત દિવસમાં પ્રતિવાદીઓ સામે પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની રહેશે અને સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરે એફઆઇઆર સહિતનો અહેવાલ મોકલવા સવૉનુમતે ઠરાવ્યું હતું.

અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ 15 કેસમાં 31 સામે ગુના નોંધાયા
લેન્ડ ગ્રેબિંગનો કાયદો વર્ષ 2020માં અમલમાં આવ્યો ત્યારથી પાટણ જિલ્લામાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવા અને દબાણ કરવાના 15 કેસ તંત્રના ધ્યાને આવ્યા છે.જેમાં 17 હેક્ટરથી વધુ જમીનમા દબાણ થયેલું છે. આ તમામ 15 કેસમાં એફઆઇઆર કરવા આદેશ કરાતા 11 કેસમાં 31 આરોપી સામે ગુના દાખલ થયા છે. જે પૈકી 17 આરોપીને પકડી લેવાયા છે જ્યારે બાકીના 14 આરોપીની ધરપકડ હાઇકોર્ટના મનાઈ હુકમના કારણે કરી શકાય નથી.નોંધાયેલા ગુના પૈકી 9 કેસમાં પોલીસ દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ છે તેમ પોલીસ અને મહેસુલી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...