• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Citizen Suffering From An Underground Sewer Problem Knocked His Head On The President's Table, Brought A Bottle Of Petrol And Tried Unsuccessfully To Commit Suicide.

પાટણ ન.પા.ની સામાન્ય સભામાં હોબાળો:ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત શહેરીજને પ્રમુખના ટેબલ પર માથા પછાડ્યા, માથામાં પેપર વેઈટ ફટકારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પાટણએક મહિનો પહેલા
  • શહેરીજન આત્મવિલોપન કરવા માટે પેટ્રોલની બોટલ સાથે આવ્યો હતો
  • આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી પોલીસે શહેરીજનની અટકાયત કરી

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં સામાન્ય રીતે શહેરોના પ્રશ્નોને વિપક્ષો હોબાળો મચાવતા હોય છે. પરંતુ, આજે ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત એક સોસાયટીના નાગરિકે સામાન્ય સભામાં આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. શહેરીજન દ્વારા પ્રમુખના ટેબલ પર માથા પછાડી અને માથામાં પેપર વેઈટ ફટકારી અને પેટ્રોલ લાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય સભામાં હોબાળાના પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

વોર્ડ નંબર 4ના રહીશોએ હોબાળો મચાવ્યો
પાટણ શહેરના વોર્ડ નંબર 4માં આવેલી શિવકૃપા સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને પાણીની સમસ્યા છે. અહીંના લોકો છેલ્લા આઠ મહિનાથી આ બંને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનો ઉકેલ ના આવતા આ વિસ્તારના રહીશોએ આજે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ હોબાળો મચાવ્યો હતો.

એક નાગરિક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો
વોર્ડ નંબર 4ના રહીશો સાથે આવેલા એક વ્યકિતએ નગરપાલિકાના પ્રમુખના ટેબલ પર જઈ માથા પછાડ્યા હતા. ત્યારબાદ ટેબલ પરથી પેપર વેઈટ લઈ માથામાં ફટકારવાની શરૂઆત કરી હતી. જો કે, આ સમયે અન્ય લોકોએ આવી તેની પાસેથી પેપર વેઈટ ઝૂટવી લીધું હતું. ત્યારબાદ પેટ્રોલની બોટલ સાથે આત્મવિલોપન કરે તે પહેલા જ અન્ય લોકોએ તેને અટકાવ્યો હતો. સામાન્ય સભામાં હોબાળો મચતા શાસકોએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે વિરોધ પ્રદર્શિત કરી રહેલા શખ્સની અટકાયત કરી હતી.

હોબાળા બાદ પ્રશ્નના ઉકેલની હૈયાધારણા અપાઈ
વોર્ડ નંબર 4ની સમસ્યાઓને લઈ સામાન્ય સભામાં આજે ભારે હંગામો મચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યકિતને તો પોલીસ લઈ ગઈ હતી. પરંતુ, અન્ય લોકોને સત્તાધીશો દ્વારા પ્રશ્નોના ઉકેલની હૈયાધારણા અપાતા અંતે મામલો થાળે પડ્યો હતો.

કોઈ નક્કર ઉપાય ન થતાં લોકો બિમાર થઈ રહ્યા છે : રજૂઆતકર્તા
પાલિકાની સાધારણ સભામાં ધસી આવેલા પ્રિતેશ દવે અને તેમની સાથેના ત્રિવેદીભાઈએ જણાવ્યું હતું કે આટલા મહિનાઓથી રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ નક્કર ઉપાય નગરપાલિકા કરતી નથી. અમારે ગટરના ગંદા પાણી વચ્ચે રહેવું પડે છે અને લોકો બીમાર પડી રહ્યા છે. અમારે રિઝલ્ટ જોઈએ છે કે કેટલા સમયમાં આ પ્રશ્ન હલ થશે.

ઓવરબ્રિજની કામગીરીથી સમસ્યા વધી : ચીફ ઓફિસર
ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ગટર લાઈન વર્ષ 1979 લાઈન નાખવામાં આવેલી છે જેમાં અત્યાર સુધી બરોબર હતું પરંતુ ઓવરબ્રિજની કામગીરી શરૂ થતા તેના લીધે લાઇન બંધ થતા આ સમસ્યા સર્જાઈ છે. તેના હલ માટે કરવામાં આવી રહેલા ઉપાયો પણ જણાવ્યા હતા જોકે સોસાયટીના રહીશો અને તે વિસ્તારના કોર્પોરેટર શૈલેષ પટેલ ઉપરાંત મુકેશ પટેલ, મનોજ પટેલ સહિત અન્ય સભ્યોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઓ મુદ્દે પાલિકાની મળેલી સાધારણ સભામાં ચર્ચાઓ થતાં પાલિકાના ચીફ ઓફિસરે જવાબ આપ્યો હતો.

પ્રમુખની બહાલી વાળા ખર્ચનું કામ સામાન્ય સભાએ નામંજૂર કર્યુ
શહેરના બહુચર માતા મંદિર પાસે આવેલા ભૂગર્ભ ગટર પંપીંગ સ્ટેશન ઉપર એલટી કનેક્શનને એચટી કનેક્શનમાં રૂપાંતર કરવાની કામગીરી વિજ કંપની દ્વારા સત્વરે કરવાની હોવાથી રૂપિયા 194700નો માલ સામાન ખરીદીનું કામ પાલિકા સામાન્ય સભામાં બહાલીની શરતે પ્રમુખ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં જાહેર ખબર પ્રસિદ્ધ કર્યા વગર નિયમ અનુસાર કામ કરાયું ન હોવાથી ઉગ્ર ચર્ચાઓના અંતે તેને નામંજુર કરવામાં આવ્યું હતું.

મહિલા કોર્પોરેટરના પતિઓ સીઓને સામે થયા
સામાન્ય સભામાં અસ્વચ્છતા અને દબાણ અંગેની ચર્ચા ચાલી રહી હતી ત્યારે જોગી વાળા વિસ્તારમાં દબાણ દૂર કરાયું ન હોવાના મામલે ગેલેરીમાં બેઠેલા મહિલા કોર્પોરેટરો પતિઓ અને એક કોર્પોરેટ ચીફ ઓફિસરના ટેબલ સુધી પહોંચી સવાલોનો મારો કર્યો હતો.

તમે ભાજપની છાપ બગાડી, ઓફિસમાં બેસતા નથી
દબાણોની ચર્ચા દરમિયાન ભાજપના સભ્યે મનોજ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે રાજમહેલ રોડ ઉપર મુસલમાનના બાંધકામને શીલ માર્યો પરંતુ તેની બાજુમાં કોઇ કાર્યવાહી થઇ નથી અને તમે હશો ત્યાં સુધી આ દબાણ નહીં હટાવો તેમ કહી તમે નગરપાલિકામાં ભાજપની છબી બગાડી હોવા ચીફ ઓફિસર ઉપર આક્ષેપ કર્યો હતો. સભ્ય શૈલેષ પટેલે જણાવ્યું હતું કે તમે ઓફિસમાં બેસતા નથી અને લોકોના પ્રશ્નોનો અંત આવતો નથી. આ ચર્ચામાં ડો. નરેશ દવે, બીપીન પરમાર, મુકેશ પટેલ તેમજ અન્ય સભ્યોએ ચીફ ઓફિસરની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...