સુવિધા:પાટણમાં સિદ્ધપુર ચાર રસ્તા પર બ્રિજની બંને બાજુ સીસી રોડ બનશે

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર ચાર રસ્તાથી શ્રમજીવી સુધી રસ્તો બંધ કરી રોડ ક્લિયરિંગની કામગીરી શરૂ કરાઈ,બે માસમાં કામગીરી પૂર્ણ થશે

પાટણ શહેરમાં તાજેતરમાં નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ હવે બ્રિજની નીચે બન્ને બાજુએ 7 મીટર પહોળો સીસી રોડ બનાવવા કામગીરી હાથ ધરાઈ છે. અહીં બ્રિજના ગંજબજારના એક છેડેથી શ્રમજીવી તરફના બીજા છેડા સુધી 1500 મીટર લાંબો સીસી રોડ બનાવિશે. તેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.તાજેતરમાં જ પાટણ શહેરમાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજની નીચેના ભાગે બંને બાજુ ઉબડખાબડ રોડના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદી પાણી તેમજ ગટરનું પાણી ભરાવવાના કારણે ઉપરાંત વાહનોના સતત ઘસારા ના કારણે રોડ પર ખાડા પડી ગયા હોવાથી રોડ પરથી પસાર થતા વાહનો પટકાતા હતા ત્યારે બ્રિજની બંને બાજુ નવીન સી.સી રોડ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં હાલમાં હયાત રોડને તોડવામાં આવી રહ્યો છે.

આ કામગીરી માટે જેસીબી ટ્રેક્ટર સહિતના વાહનો કામે લગાડવામાં આવ્યા છે.આ ડામર રોડ દૂર કર્યા બાદ નવીન સીસી રોડ બનાવવામાં આવશે.આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇજનેર હિરેનભાઈ પંચાલે જણાવ્યું હતું કે બ્રિજની બંને બાજુ સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં હાલ રોડ ક્લિયરિંગ ની કામગીરી ચાલી રહી છે નવજીવન ચાર રસ્તા થી શ્રમજીવી સુધી એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. બંને બાજુ નવીન રોડ બનતા બે માસ જેટલો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...