આયોજન:પાટણના માખણીયામાં 100 પશુઓ રાખી શકાય તેવી ક્ષમતાનો ઢોરવાડો બનાવાશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા આખલાને આશ્રય ન અપતાં પાલિકા દ્વારા આયોજન
  • પાલિકાએ 30 પશુઓ પકડાયા પણ આખલાઓને ગૌશાળા,પાંજરાપોળ રાખતી હોઈ સમસ્યા,11 ગાયોને માલિકો છોડાવી જતાં પાલિકાને 32 હજારની આવક

પાટણ શહેરમાં નગરપાલિકા સ્વચ્છતા શાખા દ્વારા રાજ્યના સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 પશુઓ પકડવામાં આવ્યા હતા. જોકે પકડવામાં આવતા આખલાઓને ક્યાં રાખવા તે પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. કેમકે, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા આખલાને આશ્રય અપતા નથી. ત્યારે પાલિકા દ્વારા શહેરના માખણીયા ખાતે 100 પશુઓ રાખી શકાય તેવી ક્ષમતાનો ઢોર વાડો બનાવવામાં આવી રહ્યો છે

રખડતા ઢોરનો પ્રશ્ન સમગ્ર પાટણ જિલ્લામાં સર્જાઈ રહ્યો છે. તાજેતરમાં રાધનપુર ખાતે દસ દિવસમાં બે વ્યક્તિના મોત થયા હતા. સિદ્ધપુરની મહિલાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પાટણ શહેરમાં પણ અગાઉ મૃત્યુની ઘટના બની ચૂકેલી છે ત્યારે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી 30 ગાયો અને આખલા પકડી શહેરના મોતીસા દરવાજા ખાતેના ઢોરડબ્બામાં પુરવામાં આવ્યા હતા. આ પૈકી 11 ગાયો તેમના માલિકો છોડાવી ગયા છે જેમાં દંડ પેટેની રકમ ચૂકવતા નગર પાલિકાને રૂ.35,200 આવક થઇ હતી.

માખણીયા ખાતે ઢોરવાડો બનાવવા આયોજન
પાલિકા સ્વચ્છતા શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ ખલીપુર પાંજરાપોળ તેમજ હરિઓમ ગૌશાળા દ્વારા આખલા સ્વીકારવામાં આવતા નથી એટલે તેમને રાખવાનો પ્રશ્ન થાય છે. શહેરના માખણીયા ખાતે 100 પશુઓ રાખી શકાય તેવી ક્ષમતાનો ઢોર વાડો બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેમાં હજુ સુવિધાઓ કરવાની બાકી છે. પશુઓ અને ઘાસચારા માટે શેડ,વિજળી જોડાણ, ફ્લોરિંગ,પાણી જેવી સુવિધાઓ માટે આયોજન કરાયું છે. આ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે જોકે ત્યાં સુવિધા થાય ત્યાં સુધી આખલાઓને રાખવાનો પ્રશ્ન છે. દક્ષિણ ગુજરાતમાં અગાઉના વર્ષોમાં 250 જેટલા આખલાઓ ખેતી માટે સહકારી સંસ્થાઓને અપાયા હતા પણ હાલમાં માગ આવી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...