પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે સાંજના સાત વાગ્યાના અરસામાં અલ્ટો કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માતમ થતાં અલ્ટો ગાડીમાં સવાર બેના મોત નિપજ્યા છે જ્યારે ત્રણને ઇજા પહોંચી છે. મૃતકોમાં એક પુરુષ અને એક યુવતી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીના 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. આ પરિવાર એક લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. બે સભ્યોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શંખેશ્વરના ટુવડ ગામનો પરિવાર રાધનપુરથી સમી તરફ અલ્ટો ગાડીમાં જઈ રહ્યો હતો. ત્યારે વરાણા ખોડિયાર માતાજી મંદિર તરફ જવાના જુના રસ્તા પાસે રાધનપુર તરફ જઇ રહેલી લક્ઝરી સાથે ટક્કર વાગતા અલ્ટો ગાડીનો આગળના ભાગ બેસી ગયો હતો. અકસ્માતની જાણ થતા વરાણા ગામ ના યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અલ્ટોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.
ગાડીમાં સવાર કુલ પાંચમાંથી નિકુલભાઈ અને હેતલબેનના મોત નિપજ્યા હતા. જ્યારે ખુશી સોલંકી, વર્ષાબેન નિકુલભાઈ સોલંકી અને કાશીબેન સોલંકીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં સમી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.