વારાહીમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનના વેપારીએ બાકીમાં આપેલા એસીના પૈસાની ઉઘરાણી કરતા એક શખ્શે પિસ્તોલ કાઢી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે પોલીસે એક અરજી આધારિત તપાસ કરી દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવી બે શખ્સો સામે વારાહી પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વારાહીમાં આવેલી બ્રહ્માણી ઇલેક્ટ્રોનિક્સના વેપારી પાસેથી ગામના રસીદખાન હાજીખાન મલેક 27 મે 2021ના રોજ થોડા થોડા કરીને પૈસા આપી દેવાનો વાયદો કરી એસી લઈ ગયા હતા.સમય જતા વેપારીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા આપતો ન હતો.એક દિવસ વારાહીના આશિફ ઉર્ફે માયા રસુલખાન મલેકે વેપારીને ફોન કરી કહ્યું કે રસીદખાન હાજીખાનને એસીના રૂપિયા હું આપી દઈશ.
તારે તેની પાસે ઉઘરાણી કરવી નહીં જેથી વેપારીએ થોડા સમય ઉઘરાણી કરી ન હતી. બાદમાં વેપારી આશીફ ઉર્ફે માયા રસુલખાન મલેકને વારંવાર મોબાઈલ પર ફોન કરતાં ફોન ઉપાડ્યા ન હતા.જેથી વેપારીએ રસીદખાન મલેકને ફોન કરી આસિફે પૈસા આપ્યા ન હોવાની જાણકારી હતી ત્યારે રસીદે વેપારીને કહેલ કે તે પૈસા આસિફ આપવાનો છે તેવી વાત થઈ છે ત્યારબાદ 9 જુલાઈ 2022 ના રોજ વેપારી તેની દુકાને હાજર હતો.
આસિફ રસુલખાન મલેક અને તેની સાથે જારૂસાનો બાબા નામનો શખ્સ દુકાને આવી વેપારીને કહ્યું કે અમારી પાસે પૈસા માગવા ની ના પાડી હતી તેમ છતાં કેમ પૈસા માગે છે. તેમ કહી ઉશ્કેરાઈ હવે પૈસા માગીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કમરની ફેટમાંથી નાની બંદૂક જેવું કંઈક કાઢી વેપારીને કમરમાં ભરાવ્યું હતું.
આ બાબતે વેપારીએ ફરિયાદ કરી ન હતી પરંતુ પાટણ ખાતે રહેતા હર્ષદકુમાર ચીમનલાલ ઠક્કરે આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરતાં તેની તપાસમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી જોતા આ સમગ્ર ઘટના દેખાઈ હતી બાદમાં આ અંગે વારાહી પોલીસ મથકે આસિફખાન રસુલખાન રહે.વારાહી અને બાબા રહે.જારુસા સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો જેની તપાસ એસઓજી પીઆઇ ચિરાગ ગોસાઈએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.