પાટણમાં નોટા માટે બીજુ બેલેટ યુનિટ મુકવું પડશે:એક બેલેટ યુનિટમાં 16 ઉમેદવારોનાં નામોનું બેલેટ સમાઇ શકે, માત્ર 'નોટા' માટે અલગ ઇવીએમ મુકવું પડશે

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ વિધાનસભાની ચુંટણીમાં આ વખતે 16 ઉમેદવારો વચ્ચે ચુંટણીજંગ ખેલાવાનો છે. પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં કુલે 43 ઉમેદવારો મેદાનમાં છે અને સૌથી વધારે ઉમેદવારો પાટણ વિધાનસભા બેઠક ઉપર 16 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે ત્યારે અત્યારે પાટણ જિલ્લા ચુંટણીતંત્રની અતિ વ્યસ્ત કામગીરીમાં પાટણ બેઠકે વધારો કર્યો છે અને તાત્કાલિક તેના આયોજન માટે ફરીથી એકડો ઘુંટીને મતદાન મથકો ઉપરનાં સ્ટાફથી લઈને ઈ.વી.એમ. મશીનોની ગોઠવણ સુધીની વ્યવસ્થા કરવાની કામગીરીમાં વધારો થયો છે.

આ અંગે મળતી માહિતી પમુજબ એક ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનમાં 16 ઉમેદવાર બેલેટપત્ર સમાઇ શકે છે અને પાટણ વિધાનસભા બેઠક ઉપર બરાબર એટલા જ ઉમેદવારો નોંધાયા છે. પરંતુ ઇ.વી.એમ.માં ઉમેદવારોનાં 16 નામો સાથેનાં બેલેટપત્રો અને તેની સામેનાં 16 બટનોની સાથે એક ‘નોટા'નામનો ‘ઉમેદવાર’ પણ રાખવામાં આવેલો છે. આથી પાટણ બેઠક માટે 16 ઉમેદવારોનું એક ઇવીએમ તો હશે જ. પરંતુ આ વખતે ખાસ ‘નોટા’નાં 17માં બટન માટે વધારાનું ઇવીએમ પણ મતકુટિરમાં રાખવું પડે તેવી સ્થિતિ પેદા થતાં પાટણનાં ચુંટણીતંત્રનાં શીરે ડબલ (બમણાં) ઇવીએમ એટલે બેલેટ યુનિટ (બી.યુ.)ની ગોઠવણ કરવાની કામગીરી આવી પડી છે.

પાટણ વિધાનસભા બેઠકમાં કુલે 314 જેટલા મતદાન મથકો છે. જો 15 ઉમેદવારો હોત તો નોટા સાથે 16 ઉમેદવારો એક બેલેટ યુનિટમાં સમાઇ શકતા હતા. પરંતુ પાટણ બેઠક ઉપર 16 ઉમેદવારો હોવાથી ‘નોટા’ નામનાં ઉમેદવારનું બટન અલગ પડી ગયું છે ને તે માટે ખાસ વધારાનું એક બેલેટ યુનિટ (બી.યુ.) પણ રાખવું પડશે. જો કે, વી.વી.પેટ અને કન્ટ્રોલ યુનિટ એક જ રહેશે.

જાણવા મળતી માહિતી પ્રમાણે પાટણ બેઠક ઉપર 16 ઉમેદવારો હોવાથી મ એક બુથ (મતકેન્દ્ર)ની મતકુટિરમાં બે બેલેટ યુનિટ મુકવા માટે મતકુટિર મોટી બનાવવી પડશે તથા તેનું ટેબલ પણ મોટું રાખવું પડશે. 314 બેલેટ યુનિટ ઉપરાંત કેટલાક રિઝર્વ યુનિટ સામાન્ય સંજોગોમાં ગોઠવવાનાં થતા હતા.પરંતુ સ્પેશ્યલ નોટા માટે વધુ એટલા જ એટલે કે, 314+314=628બેલેટ યુનિટ અને અન્ય રિઝર્વ યુનિટની વ્યવસ્થા ચુંટણીએ કરવાની થશે. જેનાં ચેકીંગ, બેલેટપત્ર, સિલીંગ સહિતની તેની સ્ટેશનરીની માત્રામાં પણ વધારો કરવો પડશે. તો સ્ટાફમાં પણ વધારો કરવાની કવાયત કરવાની આવી છે.અત્રે નોંધનીય છે કે, પાટણ વિધાનસભા બેઠક માટે કુલ 3,06,170 મતદારો છે. જેમાં 1,57,523 પુરુષ અને 1,48,628 સ્ત્રી તથા 19 ટ્રાન્સઝેન્ડર મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...