પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રમાં 1 જુને છ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકોને ધોરણ 1 માં પ્રવેશ મળવા પાત્ર રહેશે તેવા શિક્ષણ વિભાગના આદેશને લઈ ગત વર્ષે પાટણ જિલ્લામાં 5 વર્ષના 19 હજારથી વધુ બાળકોએ પ્રવેશ મેળવી લીધો હોઈ આ વર્ષે પ્રવેશ મેળવનાર છ વર્ષના બાળકોની સંખ્યા જ ન હોઈ જિલ્લાની 800 જેટલી શાળાઓમાં 80 ટકાથી વધુ સંખ્યા ખાલી રહેવાની શક્યતાને લઈ શાળાના સંચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ઉપરાંત સરકારી શાળાઓમાં સંખ્યા ઘટને લઈ શિક્ષક ફાજલ પડવાની સંભાવનાને લઈ અનેક શિક્ષકો ચિંતિત બન્યા છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણનીતિ અંતર્ગત સરકારી કે ખાનગી તમામ શાળાઓમાં ધોરણ એક માં નવીન શૈક્ષણિક વર્ષ 2023-24 માં એક જૂને છ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકને જ ધોરણ એકમાં પ્રવેશ આપવાનો પરિપત્ર કરી સ્પષ્ટ પણે પાલન કરવા માટે આદેશ કર્યો છે. પરિપત્રને લઈ જિલ્લામાં આ વર્ષે શાળાના સંચાલકો અને શિક્ષકોને ધોરણ એક માં સંખ્યા ન મળવાની સંભાવનાને લઈ ચિંતિત બન્યા છે. સૌથી મોટી અસર ગામડાઓમાં 5 વર્ષના બાળકોને ફરજિયાત પ્રવેશ અપાવી દેવામાં આવતો હોય આ સરકારી શાળાઓમાં સૌથી વધુ સંખ્યા ઘટ રહેશે.
સરકારી શાળાઓમાં સૌથી વધુ સંખ્યા ઘટ રહેશે
જેથી તેમાં ફરજ બજાવતા 500 જેટલા શિક્ષકો સંખ્યા ઘટને લઈ ફાજલ પડશે જેમન અન્ય શાળામાં મોકલવા કે એક વર્ષ માટે ફાજલ બેસી રહેવું પડે સ્થિતિ સર્જાશે.હાલમાં સરકાર આ સમસ્યાના હલ મામલે વિચારણા અને આયોજન કરી રહી છે. તેવું પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
8 વર્ષ અગાઉ આવી સ્થિતિ સર્જાઈ હતી
શિક્ષણવિદ કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે 8 વર્ષ અગાઉ સરકારે ફરજિયાત 5 વર્ષના બાળકોને શિક્ષણમાં પ્રવેશ આપવો તેવો નિયમ લાવતા એ સમયે શાળાઓમાં ધોરણ-1 માં સંખ્યા ભરાઈ જ ન હતી. જેની ઘટ આજે ધોરણ 9માં દેખાય છે. ફરી નવીન શૈક્ષણિક વર્ષમાં છ વર્ષના બાળકને જ પ્રવેશ આપવાના નિયમને લઈ જિલ્લાની 800 જેટલી શાળાઓમાં 80% થી વધુ સંખ્યા ખાલી રહેશે. જેની અસર આગામી ધોરણ 12 સુધી જોવા મળશે.
શાળાઓમાં સંખ્યા ઘટને લઈ શિક્ષકો ફાજલ પડશે
શિક્ષણવિદ ડૉ.જે.એચ.પંચોલી (NGES ડાયરેક્ટર) જણાવ્યું હતું કે આ વર્ષે છ વર્ષના બાળક ધોરણ એક માં મળવા મુશ્કેલ હોય શાળામાં સંખ્યા ખૂબ ઓછી હશે. સાથે ઓછી સંખ્યાના કારણે શિક્ષકો ફાજલ પડશે.એક વર્ષની શૈક્ષણિક ગેપ દૂર કરવા સરકારે બાલવાટિકા શરૂ કરી તેમાં આ બાળકો મુકવા જોઈએ જેથી છ વર્ષના થાય એટલે ધોરણ એકમાં પ્રવેશ મેળવી શકે અને શિક્ષણથી વંચિત રહે નહીં.ફાજલ શિક્ષકોને અન્ય વધુ સંખ્યા વાળી સ્કૂલમાં કે સ્કૂલમાં જ વ્યવસ્થા કરવી પડશે.એક વર્ષ માટે સંખ્યાની ઘટની સ્થિતિ સર્જાશે પરતુ આગામી વર્ષોથી નોર્મલ થઈ જશે.
જિ.પં.હસ્તકની 792 શાળામાં ગત વર્ષે ધો-1માં 19572નો પ્રવેશ | ||
તાલુકો | શાળા | પ્રવેશ |
ચાણસ્મા | 78 | 1387 |
હારીજ | 70 | 1587 |
પાટણ | 102 | 2399 |
સમી | 81 | 1900 |
સિધ્ધપુર | 75 | 2388 |
રાધનપુર | 100 | 2755 |
સાંતલપુર | 93 | 2851 |
શંખેશ્વર | 44 | 948 |
સરસ્વતી | 149 | 3357 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.