પાટણમાં ઉત્તરાયણના પતંગોત્સવની સાથે સાથે લોકો ગરમાગરમ ઊંધીયા-જલેબીનો ચટાકો પણ મારશે. ઘરેલું ઊંધીયુ બનાવવા ગૃહિણીઓએ લીલા શાકભાજીની શુક્રવારે ખરીદી કરી લીધી હતી. પાટણના બજારમાં 100થી વધુ નાસ્તા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક મહોલ્લા-પોળમાં સંયુક્ત રીતે ઊંધીયુ અને જલેબી બનાવવા સામગ્રીના ખડકલા સાથે તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે શનિવારે ધાબા પર પતંગના પેચ સાથે ઊંધીયાનો પણ ટેસ્ટ જામશે. જોકે આ વખતે ઊંધીયું, જલેબીની મેજબાની મોંઘી પડશે. ઊંધીયું, જલેબીના ભાવમાં ગત વર્ષ કરતા 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ઉત્તરાયણમાં સ્વાદની પણ મજા માણશે લોકો
પાટણ જિલ્લા સહિત શહેરમાં અંદાજે 10થી 12 હજાર કિલો ઊંધીયુ અને 5,000 કિલો જલેબીની અને 8,000 કિલો ફાફડાની ખરીદી થશે તેવો અંદાજ ફરસાણના વેપારી દિલીપ સુખડીયા અને પ્રણવ રામી, ભલા જોષીએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે તલના તેલનું ઊંધીયુ 180થી 380 એમ અલગ અલગ ભાવ રહેશે. ફાફડા-જલેબીના વેપાર કરતા ભલા જોષીએ આ વખતે 8 હજાર કિલો ફાફડાનું વેચાણ થશે તેમ જણાવ્યું છે, તો જલેબી બનાવનાર મનુ ઠાકોરે જણાવ્યું હતું કે ઘીની જલેબી 500થી 600, તેલની જલેબી 200થી 250 રહેશે. જો કે, ચાલુ વર્ષે ઊંધીયુ અને જલેબીના ભાવમાં 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
100થી વધુ નાસ્તાના સ્ટોલ લાગશે
પાટણ જિલ્લા સહિત શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે શનિવારે ઊંધીયુ અને જલેબીના 100થી વધુ નાસ્તા સ્ટોલ ખરીદીથી ધમધમતા રહેશે. જેમાં તલના તેલનું બનાવેલ ઊંધીંયુ, સાદા તેલનું ઊંધીયું, તેલની અને શુદ્ધ ઘીની કેસરીયા જલેબીનું ચલણ રહેશે.
ઊંધીયા અને જલેબી 20 ટકા મોંઘી
ઊંધીયા અને જલેબીના ભાવમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 20 ટકાનો જેટલો ભાવ વધારો જોવા મળે છે. જોકે બજારમાં ભાવ અલગ અલગ રહેશે. આ ઉપરાંત ફાફડા 400 થી 450 રૂપિયાના ભાવે કિલો મળશે. તેલ અને શાકભાજીના ભાવ વધતા ઊંધિયાની મેજબાની મોંઘી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.