જિલ્લાની શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ:919 શાળામાં પ્રથમ દિવસે બાળકોની 46 % હાજરી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંમતિપત્ર સાથે વાલીઓ બાળકોને શાળાએ મુકવા આવ્યા, નાનાં બાળકોનો કલરવ સંભળાયો
  • શરૂઆતમાં ઓછી હાજરી પરંતુ વાલીઓનો ઉત્સાહ જોતા સોમવાર સુધીમાં તમામ શાળાઓમાં 100 ટકા બાળકોથી ધમધમતી થવાનો અંદાજ

પાટણ જિલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતા સોમવારથી જિલ્લાની સરકારી તેમજ ખાનગી માધ્યમિક શાળાઓ મળી કુલ 919 શાળાઓમાં ધોરણ 1 થી 8 ના બાળકોની શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ ભૂલકાઓ શાળાએ આવતા શાળામાં બાળકોના કલરવથી શિક્ષકોમાં શિક્ષણ કાર્ય કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જિલ્લામાં કુલ 1.63 લાખ બાળકો પૈકી 46% બાળકોની હાજરી જોવા મળી હતી. ત્યારે પ્રથમ દિવસે જ શાળાઓમાં બાળકોનો ઉત્સાહ જોઈ વાલીઓની સંમતિપત્ર આપવાની સંખ્યા જોતા આગામી સોમવાર સુધીમાં જિલ્લામાં 100% બાળકોની હાજરી સાથે ફરી શાળાઓ રાબેતા મુજબ ધમધમતી થઈ જવાનો શાળાના આચાર્યો દ્વારા કરવામાં આવ્યો હતો.

પાટણ શહેરમાં સોમવારે તમામ સરકારી ખાનગી શાળાઓ શરૂ થવા પામી હતી. જેમાં વહેલી સવારથી વાલીઓ પોતાના બાળકોને ભારે ઉત્સાહ સાથે શાળાએ મોકલવા માટે સંમતિપત્ર સાથે લઈને આવતા જોવા મળ્યા હતા. કેટલીક શાળાઓમાં પ્રથમ દિવસે બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. આ બાબત શિક્ષણાધિકારી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રથમ દિવસે 46% બાળકોની હાજરી રહી છે. થોડાક દિવસોમાં સો ટકા હાજરી થઈ જશે તેમજ શાળાના બાળકોની સુરક્ષા માટે ચુસ્તપણે ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ સૂચના અપાઇ છે

ધો. 1 થી 5માં બીજા સત્રમાં માત્ર સ્વાધ્યાય પોથી- નોટની ખરીદી થતી હોઇ 25 ટકા ઘરાકી
પ્રથમ શૈક્ષણિક સત્રમાં ધોરણ 1 થી 8 માં તમામ પુસ્તકો, નોટબુક, ગાઇડ સહિતની ખરીદી કરવામાં આવતી હોઇ 100 ટકા ખરીદી રહે છે. જોકે, બીજા સત્રમાં માત્ર સ્વાધ્યાય પોથીઓ અને નોટબુક જ ખરીદવામાં આવે છે. બીજા સત્રમાં 25 ટકા જ ઘરાકી રહે છે. રાજુભાઇ (વેપારી)

બાળકોના ભવિષ્ય માટે શાળાએ મોકલવા વાલીઓ સંમત
પાટણના વાલી ભરત પ્રજાપતીએ જણાવ્યું હતું કે બાળકો ઓનલાઇન શિક્ષણમાં યોગ્ય રીતે ભણી શકતા નથી. મોબાઈલ લઈને બેસે ત્યારે ભણવાને બદલે વીડિયો જોવા કે ગેમ રમવામાં સમય પસાર કરી રહ્યા હોઈ મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. જેથી બાળકોનું ભવિષ્ય અંધકાર મય ન બને તે માટે શાળા જ ઉત્તમ માધ્યમ હોય શાળાએ મોકલવા અમે રાજી છીએ. ધિણોજના વાલી દશરથભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમારા બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા હતા પરંતુ કોરોના કારણે ધીરે ધીરે ઓછો થઈ ગયો છે ત્યારે બાળકોનો અભ્યાસ રાબેતા મુજબ થાય બાળકોનું શિક્ષણમાં રસ વધે માટે શાળાઓએ મોકલ્યો છે.

મહેસાણામા પ્રથમ દિવસે ધો.1થી 5માં માત્ર 15% હાજરી
મહેસાણા જિલ્લામાં 10 તાલુકાની 986 સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં કુલ 1,17,449 વિદ્યાર્થીઓ પૈકી સોમવારે પ્રથમ દિવસે બાળકને શાળાએ મોકલવા માટે 21,613 વાલીના સંમતીપત્ર આવ્યા હતા, જેમાંથી 17,527 બાળકોની સંખ્યા શાળામાં નોંધાઇ હતી. પ્રથમ દિવસે ધોરણ 1 થી 5માં માંડ 15 ટકા બાળકોની હાજરી નોંધાઇ હતી.

બ.કાં.માં ધો.1 થી 5 માં 67 ટકા બાળકો હાજર
બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ખુલેલી પ્રાથમિક શાળાઓમાં સોમવારે ધો.1 થી 5 માં 62 ટકા બાળકોની હાજર રહી હતી.જિલ્લાની 2712 પ્રાથમિક શાળામાં 4,00,000 બાળકો પૈકી 2,70,000 બાળકો હાજર રહ્યા હતા. જ્યારે 1,70,000 ગેરહાજર રહ્યા હતા.લગ્નગાળો ઉપરાંત નવા પુસ્તકો અને ગણવેશ સહિતની ખરીદી માટે વાલીઓ બાળકો સાથે બજારમાં જોવા મળ્યા હતા.

અરવલ્લીમાં 57%-સા.કાં.માં 40% છાત્રો હાજર
સાબરકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઇ ચૌધરીએ જણાવ્યું કે સરકારી શાળાના ધો-1 થી 5 ના 1,12,214, ગ્રાન્ટેડ શાળાના 9314 અને ખાનગી શાળાના 8643 વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી અને ગાઇડલાઇનના અમલ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 26 હજારથી વધુ એટલે કે 40 ટકા વિદ્યાર્થીઓએ ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કર્યો છે. અરવલ્લીમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરાતાં પ્રત્યક્ષ શિક્ષણનો શુભારંભ કરાયો હતો. જિલ્લાની સ્કૂલોમાં ધોરણ 1 થી 5માં 57 ટકા અને ધોરણ 6 થી 8 માં 76 % સંખ્યા હાજર રહી હતી.

લાંબા સમય બાદ મિત્રો સાથે ગોષ્ઠી જામી
ખારાધરવા પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષભાઈ પટેલ અને ગલોલીવાસણા શિક્ષક પ્રવીણભાઈ પરમારે જણાવ્યું હતું કે દિવાળી પછી વેકેશન પૂરું થતાં પ્રથમ દિવસે ધોરણ 1 થી 5 ના બાળકોને વાલીઓને સંમતિ સાથે સ્વેચ્છાએ શાળામાં અભ્યાસ અર્થે આવતાં અમને પણ આનંદ થયો અને હવે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્તર વધુ સુધારે તે માટે શિક્ષણકાર્ય કરાવશું. શાળાનાં બાળકો ઘણા લાંબા સમય બાદ ગોષ્ઠી કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...