તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:પાટણમાં ગ્રામ્યના 870.75 લાખ અને શહેરી વિસ્તારના 127.69 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રભારી મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
  • મંજૂર થયેલા વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ

સરસ્વતી તાલુકા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આયોજીત કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોના 870.75 લાખ અને શહેરી વિસ્તારના 127.69 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

શહેરી વિસ્તારો માટે 17 કામોને મંજૂરી આપવામાં આવી
વર્ષ 2021-22 માટે ગ્રામ્ય રસ્તા, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, ગ્રામ્ય વિજળીકરણ, ગંદા વસવાટ તેમજ વાતાવરણલક્ષી સુધારણા, ભૂમિ સંરક્ષણ તથા સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવા માટે આ બેઠકમાં એજન્ડા પ્રમાણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂા.870.75 લાખના 558 કામો તથા શહેરી વિસ્તારો માટે રૂ.127.69 લાખના 17 કામોને મંજૂરી આપવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા સુચના આપી
મંજૂર થયેલા વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરતાં જિલ્લા પ્રભારી મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, તાલુકા કક્ષાએથી માર્ગદર્શિકા પ્રમાણે વિકાસ કાર્યોની સત્વરે દરખાસ્ત કરવામાં આવે તથા પ્રોત્સાહક યોજનાઓમાં પૂરતા પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે. ચોમાસાની ઋતુમાં નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા માટે સફાઈ અભિયાન હાથ ધરવા સુચના આપી હતી.

સરકાર દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે રસી
વધુમાં મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનું પ્રમાણ વધારે હતું. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સુચારૂ ઢબે આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. અત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે.

બેઠકમાં ચીફ ઓફિસરઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ, ચંદનજી ઠાકોર અને રઘુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, સંયુક્ત નિયામક એચ.કે.શુક્લ, જિલ્લા આયોજન અધિકારી વી.આઈ.પ્રજાપતિ, જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રમુખઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા ચીફ ઓફિસરઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...