તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઓઇલ ચોરીમાં 2 એસટી ડ્રાઈવર સહિત 8 ઝડપાયા

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
બામરોલી ઓઈલ ચોરીમાં પોલીસે આરોપીઓને પકડી લીધા હતા. - Divya Bhaskar
બામરોલી ઓઈલ ચોરીમાં પોલીસે આરોપીઓને પકડી લીધા હતા.
 • બહુચરાજી અને રાધનપુર ડેપોના ડ્રાઈવર મહેસાણા ભેગા થતાં બામરોલી નજીક ઓઈલ ચોરીનો પ્લાન ઘડ્યો હતો
 • ઓઇલ ચોરી તપાસનો રેલો સુરેન્દ્રનગર અને અમદાવાદ પહોંચ્યો, કુલ 14 શખ્સોની સંડોવણી બહાર આવી, કાર સહિત મુદ્દામાલ જપ્ત

સાંતલપુરના બામરોલી નજીક જમીનમાં સુરંગ ખોદી એચએમપીએલની મુન્દ્રા ભટીંડા પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરી કરવાના મામલાની તપાસમાં કુલ 14 શખ્સોની સંડોવણી ખુલી છે, તે પૈકી આઠ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી 40 હજાર લીટર ક્રૂડ ઓઇલનો જથ્થો, ચોરી કરેલા ઓઇલના વેચાણ કરી મેળવેલા રૂ. 1.70 લાખ, કાર અને બે ટેન્કર જપ્ત કર્યા છે. પોલીસે ઓઈલ ચોરી કૌભાંડનાં રાધનપુર અને બહુચરાજી ડેપોની સંડોવણી હોવાનું બહાર આવતાં બંને મળી અત્યાર સુધીમાં કુલ 8 શખ્સોની અટકાયત કરી છે.

બામરોલી ઓઇલચોરી પ્રકરણમાં બે ટેન્કર કબજે લેવાયા.
બામરોલી ઓઇલચોરી પ્રકરણમાં બે ટેન્કર કબજે લેવાયા.

આ ચોરીનું ઓઈલ સુરેન્દ્રનગરના વઢવાણ અને ભાવનગર લઈ જવાતું હોવાનું બહાર આવતાં કાર અને ટેન્કર કબજે લેવાયાં છે.ઓઇલ ચોરી કૌભાંડની જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.

બામરોલી ઓઇલચોરી પ્રકરણમાં એક કાર કબજે લેવાઈ.
બામરોલી ઓઇલચોરી પ્રકરણમાં એક કાર કબજે લેવાઈ.

જેમાં ચોકાવનારી હકીકતો બહાર આવી છે કે બહુચરાજી એસટી ડેપોના ડ્રાઇવર ટાકોદીના અકબર અહેમદભાઈ સોલંકી અને રાધનપુર એસટી ડેપોના ડ્રાઈવર બામરોલીના આમદ મહંમદખાન મલેક બંને મહેસાણા ખાતે વારંવાર ભેગા થતાં હોવાથી મિત્ર હતા. આઠેક મહિના અગાઉ અકબરે તેના મિત્ર આમદને વાત કરી હતી કે તમારી આજુબાજુ કોઈ ઓઈલની પાઇપ લાઇન પસાર થતી હોય અને કોઈ ઓળખીતાની જમીન હોય તો સંપર્ક કરાવજો.

જે વાતચીત આધારે એકાદ મહિના બાદ આમદ મલેકે તેના કાકા બામરોલીના રહેમતખાન સાહેબખાનના ખેતરમાંથી ઓઈલની બે પાઇપલાઇન પસાર થતી હોવાનું જણાવતાં અકબર અને તેના મિત્ર ટાકોદીના જાઉંલખાન અકબરભાઈ, જોટાણાનો અમરત શકરાભાઈ પટેલ ત્રણેય કાર લઈને બામરોલી બસ સ્ટેન્ડે ગયા હતા અને વાત કરતાં ઓઇલ ચોરી કરવા માટે રહેમતખાન તેમની સાથે સહમત થયો હતો. અને બામરોલી સીમમાં જમીન બતાવતા ત્રણેને પસંદ આવતા જમીન ભાડે રાખવાનું નક્કી કર્યું હતું. અને ઓઈલ ચોરી શરૂ કરી હતી.

ઝડપાયેલા આરોપી

 • રહેમતખાન સાહેબખાન મલેક ( બામરોલી)
 • અમરત શકરાભાઈ પટેલ (જોટાણા)
 • અકબર અહેમદભાઈ સોલંકી (ટાકોદી)
 • આમદ મહંમદખાન મલેક (બામરોલી)
 • જાઉંલખાન અકબરભાઈ સોલંકી (ટાકોદી)
 • મૈસીનખાન સલીમભાઈ સોલંકી (ટાકોદી)
 • અસરફખાન ઇશફખાન મલેક (વારાહી)
 • માનસંગ નારૂભા ગોહિલ (વઢવાણ)

ફરાર આરોપી

 • લતીફ શાહબુદ્દીન સોલંકી (મૂળ ટાકોદી હાલ-જુહાપુરા અમદાવાદ)
 • વસીમ મહેબૂબભાઈ મોદી (રાધનપુર)
 • રાજુ વિરલભાઇ ડાંગર (રાજકોટ)
 • અહમદખાન જીવણખાન સોલંકી (રહે. ટાકોદી)
 • લાલો નાયક
 • ઇમરાન રસુલભાઈ સોલંકી (ટાકોદી)

મહેસાણામાં ભેટો થતાં ઓઈલ ચોરીનો પ્લાન ઘડ્યો
બહુચરાજી એસટી ડેપોના ડ્રાઇવર ટાકોદીના અકબર અહેમદભાઈ સોલંકી અને રાધનપુર એસટી ડેપોના ડ્રાઈવર બામરોલીના આમદ મહંમદખાન મલેક બંને મહેસાણા ખાતે વારંવાર ભેગા થતાં હોવાથી મિત્ર હતા. અને ઓઈલ ચોરીનો પ્લાન ઘડ્યો હતો.

લણવા દુનાવાડા ચોરીમાં પણ આ શખ્શો હતા
બામરોલી ઓઈલ ચોરીમાં સંડોવાયેલા જાઉંલ, અકબર, લતીફ અને અમૃત પટેલ અગાઉ લણવા દુનાવાડા ઓઈલ ચોરીઓ મા સંડોવાયેલા છે. જાઉલ ભરૂચ ઓઈલ ચોરીમાં વોન્ટેડ હતો તેવુ એલ.સી.બી પોલીસે જણાવ્યું હતું.

ઓઈલ વઢવાણ અને ભાવનગરમાં પહોચ્યું
વસીમ મોદીએ રાજકોટના રાજુ વિરલભાઇ ડાંગર સાથે મળી તેના ટેન્કરમાં ચોરીનું ઓઈલ ભરી લઈ જઈ સુરેન્દ્રનગરના વઢવાણના માનસંગ નારૂભા ગોહિલને વેચાણથી આપ્યું હતું અને માનસંગ ગોહિલે ચોરીનું ઓઈલ સુરેન્દ્રનગરના પ્રફુલ ચીમનલાલ સેજપાલ મારફતે અમદાવાદના મોહમ્મદ વાહીદ મોહમ્મદ શાહિદ શેખ અને ભાવનગરના આઝાદઅલી બંદેઅલી ભોજાણીને વેચાણથી આપતો હતો. આ ચોકાવનારી હકીકતનો પોલીસની તપાસમાં પર્દાફાશ થયો છે તેવું એલસીબી પોલીસે જણાવ્યું હતું.

રોજનું એક લાખ જમીન ભાડું નક્કી થયું
થોડા દિવસ બાદ આમદ અને રહેમત ખાન ટાકોદી ગામે અકબર સોલંકીના ઘરે ગયા હતા ત્યારે અકબર અને તેના પિતા અહેમદ જીવણખાન વચ્ચે ચર્ચા થતાં જમીન ભાડા પેટે દરરોજના રૂ. એક લાખ રહેમતખાનને આપવા નક્કી કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પછી મહેસાણા ખાતે અમરત પટેલ સાથે મિટિંગ કરી તેના નામથી જમીનનો ભાડા કરાર કરાયો હતો. આ ઓઈલ ચોરી કરવા માટે તમામ રૂપિયા અકબરે પુરા પાડવાની જવાબદારી લીધી હતી.

જ્યારે પાઇપ લાઇન ઉપર પંચર કરી ઓઇલ વેચવાની જવાબદારી જાઉંલખાન સોલંકીએ લીધી હતી. ત્યારબાદ જમીનમાં હોટલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હોટલની દિવાલનું કામ પૂર્ણ થતાં જાઉંલખાન તેના મિત્ર ટાકોદીના મૌસિનખાન સલીમભાઈ, લતીફ સાહેબખાન, ઇમરાન રસુલભાઇને કામ કરવા માટે હોટલ ઉપર લાવ્યા હતા.

ત્યારબાદ તેમણે હોટલથી પેટ્રોલિયમ પાઈપલાઈન સુધી 47 મીટર લંબાઈની અને જમીનમાં 10 ફૂટ ઊંડાઈએ આશરે દોઢ મીટરના ઘેરાવાવાળી સુરંગ બનાવ્યા બાદ ટાકોદીના લતીફ સાહેબ ખાને વાલ્વ બેસાડી સેક્સન તૈયાર કરી આપ્યું હતું. રાધનપુરનો વસીમ મહેબૂબ મોદી ટેન્કર લઈને આવ્યો હતો.

15 ઓગસ્ટે ઓઈલ ચોરી શરૂઆત કરી હતી
15 ઓગસ્ટની રાત્રીના સમયે ટેન્કર ભરવા માટે લગાડ્યું હતું. પરંતુ પ્રેસર ઓછું મળતા અડધું ટેન્કર ભરી શકાયું હતું. પણ વોર્નિંગ એલાર્મના લીધે પેટ્રોલિયમ કંપનીને જાણ થતા તેમણે ચેકિંગ શરૂ કર્યું હતું. જેને પગલે આ શખ્સોએ બે દિવસ કામ બંધ રાખ્યું હતું અને ફરીથી 17 અને 18 ઓગસ્ટની રાત્રિના સમયે બે ટેન્કર ભર્યા હતા. તે ટેન્કરને જાઉંલ અને મૈસિન પાયલોટિંગ કરી બગોદરા સુધી મુકવા જતા હતા. જ્યાં ઓ ઓઈલ ચોરી કૌભાંડમાં વધારે ઓઈલ ચોરાય તે પહેલાં જ ઘટનાનો પદડો હટતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...