• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 72 Chunwal Kadwa Patidar Pragati Mandal Created A Mobile Application Called '72 Vivah ', An Attempt To Save The Social Marriage System From Collapsing.

આંગળીના ટેરવે પાત્ર શોધી શકાશે:72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળે '72 વિવાહ' નામની મોબાઇલ એપ્લિકેશન બનાવી, સામાજિક લગ્ન વ્યવસ્થાને તૂટતી બચાવવા કરાયો પ્રયાસ

પાટણ5 મહિનો પહેલા
  • સમાજના 1005 યુવક અને યુવતીઓના બાયોડેટા સાથે યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો
  • ગઈકાલે રવિવારે વરાણા ખાતે યુવા પરિચય ગ્રંથ પ્રતિનિધિ સન્માન સમારોહ યોજાયો
  • સમાજના કોઈપણ વાલી તેમના સંતાન માટે આંગળીના ટેરવે યોગ્ય પાત્ર શોધી શકશે - પ્રમુખ

પાટણ જિલ્લાના યાત્રાધામ વરાણા ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજીના સાંનિધ્યમાં ગઈકાલે રવિવારે સાંજે 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા સમાજના અધ્યક્ષ ઉદ્યોગપતિ બળદેવભાઇ પટેલ દેવગઢના પ્રમુખ સ્થાને યુવા પરિચય ગ્રંથ પ્રતિનિધિ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના પ્રમુખ રાજુભાઈ એલ પટેલે 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ, અમદાવાદ દ્વારા બનાવવામાં આવેલી 72 વિવાહ નામની મોબાઈલ એપ્લિકેશન વિશે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ વધવાની સાથે આજે દરેક સમાજમાં સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટી રહી છે. ક્યાંક સમાજમાં ઉચ્ચ શિક્ષિત પાત્ર હોવા છતાં તેની જાણકારીના અભાવે તે સંબંધ શક્ય બનતો નથી. આવા સંજોગોમાં યુવક અને યુવતીને યોગ્ય પાત્ર મળી રહે અને આપણી સદીઓ જૂની સામાજિક લગ્ન વ્યવસ્થા સચવાઈ રહે તેવા ઉદ્દેશથી રાજ્યમાં પ્રથમવાર 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા 72 વિવાહ નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના 89 ગામોના 14 હજાર 400 સભ્યો નોંધાયેલા છે. જે મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, કચ્છ વગેરે જગ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા છે. ઘણીવાર એવું બને છે કે પૂરતી જાણકારીના અભાવે ઉચ્ચ શિક્ષિત યુવક કે યુવતીને સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતાં અન્યત્ર લગ્ન કરે છે. આવું ન બને તે માટે અમે 1005 યુવક અને યુવતીઓનો બાયોડેટા સાથે યુવા પરિચય ગ્રંથ તૈયાર કર્યો છે અને 72 વિવાહ નામની મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી છે. જેમાં સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓના બાયોડેટા સહિતની તમામ માહિતી સતત અપડેટ કરીએ છીએ. જેનાથી ફાયદો એ થશે કે કોઈપણ વાલી તેમના સંતાન માટે આંગળીના ટેરવે યોગ્ય પાત્ર શોધી શકશે. બીજાને પૂછવાની જરૂર નહીં રહે. અમારો મુખ્ય ઉદ્દેશ સામાજિક લગ્ન વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે.

આ પ્રસંગે ઉદ્યોગપતિ શંકરલાલ પટેલ, સામાજિક અગ્રણી અમૃતભાઈ પટેલ બાન્ટાઇ, વિષ્ણુભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનમાં સામાજિક સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી. કિરીટભાઈ પટેલ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પટેલ, સંકલન પ્રવીણ પટેલ અને આભારવિધિ દિનેશભાઇ પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...