વર્ષગાંઠની ઉજવણી:પાટણમાં પ્રાચીન પંચાસર જિનાલયની 67મી વર્ષગાંઠની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • 51 ભાગ્યશાળી યજમાનો દ્વારા જિનાલયના 51 શિખરો ઉપર ધ્વજા રોહણ કરાયું

પાટણ શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલા પ્રાચીન પંચાસર પાર્શ્વનાથ પ્રભુજીના જીનાલયની 67મી વર્ષગાંઠની ભકિતભાવ અને આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ સહિત અન્ય શહેરોમાં વસતા મર્યાદિત જૈન શ્રેષ્ઠીઓની સંખ્યામાં મુની ભગવંતોની ઉપસ્થિતિમાં વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.

જૈનોની તપોભૂમિ ગણાતા પાટણની પાવનધરા જૈન - જૈનેતરો માટે બીજુ કાશી કહેવાય છે. શહેરમાં અનેકવિધ જૈનોના પ્રાચીન જિનાલયો અને દેરાસરો જૈન સમુદાયના લોકો માટે પૂજનીય બની રહ્યા છે, ત્યારે પાટણનું પ્રસિદ્ધ પ્રાચીન પંચાસર દેરાસર જૈનો માટે એક મીની યાત્રાધામ ગણાય છે. આજથી 66 વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત 2011 જેઠ સુદ પાંચમના દિવસે મુંબઇ નિવાસી બાબુભાઇ પુનમચંદ ઝવેરી દ્વારા પંચાસર દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે જૈન ભગવંતમુની આચાર્ય વલ્લભસુરીના પટભાવક આચાર્ય વિજ્ય સમુદ્રસુરી મહારાજની નિશ્રામાં ભગવાન પાર્શ્વનાથની દૈદિપ્યમાન મૂર્તિને સ્થાપીત કરવામાં આવી હતી.

આજે જેઠ સુદ પાંચમના દિવસે પંચાસર જીનાલયની 67મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આચાર્ય મુનીભગવંતોની નિશ્રામાં 51 શિખરોની ધજા આરોહણ વિધીપૂર્વે 18 અભિષેક પૂજાવિધી અને 17 ભેદી પૂજા સંગીતની સુરાવલી સાથે યોજાઇ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ધજા આરોહણના ભાગ્યશાળી યજમાન પરીવાર દ્વારા ચંદ્રદર્શન અને સૂર્યદર્શનની મુનિ ભગવંતોના મંત્રોચ્ચાર વચ્ચે વિધી સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ પંચાસર જિનાલયના મુખ્ય શિખર સહિત 51 શિખરો પર 51 યજમાન પરીવારો દ્વારા જૈન શાસનના જ્યજ્યકાર સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ જૈન-જૈનેતરોએ પ્રસંગને દિપાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...