રહીશોના આકરા પ્રહાર:સરકારી જમીનમાં બનાવેલ પંપિંગ સ્ટેશન દબાણમાં ગણાતાં 600 પરિવારો ભૂગર્ભ ગટર સેવાથી વંચિત

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના વોર્ડ 2 ની રાત્રી સભામા રહીશોના આકરા પ્રહાર : દારૂની હાટડીઓ બંધ કરાવો
  • પંપીંગ સ્ટેશન અને ગટર લાઈન તૈયાર છે તો શા માટે લાભ મળતો નથી ,રહીશોએ સભામાં સવાલ ઉઠાવ્યા

પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં દોઢ વર્ષથી પમ્પીંગ સ્ટેશન બનાવી દેવાયું હોવા છતાં કલેકટર દ્વારા તેને દબાણની જમીનમાં ગણી લેતા 1000 જેટલા પરિવારો ભૂગર્ભ ગટર સેવાથી વંચિત રહ્યા છે ત્યારે શુક્રવારે રાત્રે યોજાયેલી વોર્ડ નંબર 2 ની રાત્રિ સભામાં સ્થાનિક રહીશો દ્વારા ભારે નારાજગી દર્શાવવી તાત્કાલિક ધોરણે સેવા ચાલુ કરવા માંગ કરી હતી આ ઉપરાંત ખોખરવાળા ચોકમાં ચાલી રહેલી દારૂની હાટડીઓ બંધ કરાવવા પણ લોકોએ અવાજ ઉઠાવ્યો હતો.

શહેરના વોર્ડ નંબર 2 ની રાત્રી સભા શુક્રવારે રાત્રે ખોખરવાડા ઉદયકુમાર બાલમંદિરમાં શહેરના મામલતદાર ડીડી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી જેમાં ખોખરવડા વિસ્તારમાં દારૂના બે અડ્ડા ચાલી રહ્યા છે તે બંધ કરાવવા, સવારે સફાઈ કરવા માટે આવતી સફાઈ કામદારો કોઈને ગાઠતા નથી અને દાદાગીરી કરે છે, ગાયો તંત્ર દૂર કરી શકતું નથી અને અમારે ગોબર વચ્ચેથી અવરજવર કરવી પડે છે તેમજ નૂતન વિનય વિદ્યામંદિર સામેનું જર્જરીત બિલ્ડીંગ ઉતારી લેવા રહીશોએ આક્રમક રજૂઆતો કરી હતી.

સૂર્યનગર વિસ્તારના રહીશો દ્વારા અમને ભૂગર્ભ ગટર સેવાનો લાભ કેમ મળતો નથી તે સવાલ ઉઠાવ્યો હતો દોઢ વર્ષથી પંપિંગ સ્ટેશન બની ગયું છે અને લાઈન પણ નાંખી દેવામાં આવી છે તો પછી શું તકલીફ છે તેવા સવાલ ઉઠાવી તાત્કાલિક ધોરણે પંપીંગ સ્ટેશન અને ભૂગર્ભ ગટર સેવા ચાલુ કરવા માંગ ઉઠાવી હતી. સભામાં કોર્પોરેટરો દીક્ષિત પટેલ ,બીપીન પરમાર ,મનોજ પટેલ ,નીતાબેન પટેલ ઉપરાંત નગરપાલિકાના અધિકારી સહીત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કારણ સામે આવ્યું
સૌથી મહત્વના ભૂગર્ભ ગટરના પ્રશ્ન અંગે પાલિકા અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2019 માં સરકારી પ્રધાનમંત્રી આવાસો બની રહ્યા હતા ત્યારે પંપિંગ સ્ટેશન બનાવવા દરખાસ્ત કરાઈ હતી અને તેને પગલે જીયુડીસી દ્વારા પંપીંગ સ્ટેશન બનાવ્યું હતું અને લાઈન પણ નાખવામાં આવી હતી પરંતુ આવાસનો એક ભાગ બહારની જમીનનો હોવાથી તેને દબાણમાં ગણવામાં આવતા તૈયાર પંપિંગ સ્ટેશન અટવાયેલું પડ્યું છે. મામલતદાર ડી.ડી. પરમારે આ સંબંધે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિરાકરણ આવે તેવી ખાતરી આપી હતી .સફાઈ અને સ્વચ્છતાના તેમજ જર્જરીતે મકાનના પ્રશ્ને ચીફ ઓફિસર સંદીપ પટેલે સંબંધિત તંત્રને પગલા લેવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...