ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તરસ છીપાવવા માટે લોકો પીવાના ઠંડા પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. ગરમીથી ત્રાહીમામ થયેલા લોકો પીવાનું ઠંડુ પાણી મળતાની સાથે જ મોટી રાહત અનુભવે છે. પરંતુ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા માટે મુકવામાં આવેલા 6 જેટલા વોટર કુલરો ધોમધખતા ઉનાળામાં જ બંધ થઇ જવાથી કચેરીના કર્મચારીઓ સહિત અહીંયા આવતા અરજદારોને પીવાનું ઠંડુ પાણી ન મળતા નિરાસો નાખી રહ્યા છે.
જિલ્લા મથક પાટણ ખાતે આવેલી જિલ્લા કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોરથી લઇ ત્રીજા માળ સુધી વિવિધ વિભાગની કચેરીઓ કાર્યરત છે. જેમાં ચૂંટણી શાખા, મનોરંજન શાખા, ચીટનીશ ટુ કલેકટર, પુરવઠાશાખા, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, મધ્યાહન ભોજન શાખા સહિત અનેકવિધ વિભાગોમાં 500થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.
દરેક માળ પર કલેકટર કચેરીના વહીવટીતંત્ર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી મળી રહે તે માટે 6 જેટલા વોટર કુલરો મુકવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પીવાના ઠંડા પાણીના 6 વોટર કુલરો બંધ થઇ જવાના કારણે કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો સહિત કર્મચારીઓ અને અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધોમધખતી ગરમીમાં શોભાના ગાંઠીયા સમાન આ 6 કુલરો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
કલેક્ટર કચેરીમાં કામ માટે આવેલ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની ગરમી છે, ત્યારે બધાને ઠંડુ પાણી પીવા મળે તે માટે કુલર મુક્યા છે. પણ મોટા ભાગના બધા બંધ છે તો સત્વરે ચાલુ કરવામાં આવે. તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.