ભરતી માટે પ્રક્રિયા શરૂ:જિલ્લા ફાયર સ્ટેશનની 15 જગ્યા માટે 547 અરજી મળી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર કેટેગરીની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરાઈ
  • ડિસેમ્બરની શારીરિક કસોટી માટે કોલલેટર છોડાશે

રાજ્ય સરકાર દ્વારા પાટણ ખાતે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે તેને અનુલક્ષીને પ્રથમ તબક્કાની ભરતી બાદ બુધવારે બીજા તબક્કાની ભરતી માટે ઉમેદવારોની 547 અરજીઓ નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે ભરતી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેની ચકાસણી બાદ આગામી સમયમાં યોગ્યતાના ધોરણે ઉભેદવારોને કોલલેટર છોડવામાં આવશે.

પાટણ જિલ્લાકક્ષાના ફાયર સ્ટેશન માટે ફાયરમેન કમ ડ્રાઇવર,પંપ ઓપરેટર કમ ડ્રાઇવર, ફાયર ઓફિસર, વિભાગીય ફાયર ઓફિસર વર્ગ 2ની ભરતી માટે અરજીઓ માંગવામાં આવી હતી. જેમાં 5 નવેમ્બર 2021 છેલ્લી તારીખ હતી જેમાં કુલ 547 જેટલી અરજીઓ 15 જગ્યાઓ માટે મળી હતી. બુધવારે નગરપાલિકા ખાતે ભરતી સમિતિની બેઠક મળી હતી જેમાં સમિતિના અધ્યક્ષ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, સભ્ય સચિવ ચીફ ઓફિસર પાંચાભાઇ માળી, સભ્ય પાલિકાના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રતિનિધિ નીતિનભાઈ બોડાત હાજર રહ્યા હતા.

સમિતિમાં અરજીઓ રજુ કરવામાં આવી હતી. જેની ચકાસણી કરાયા પછી માન્ય ઉમેદવારોને આગામી ડિસેમ્બર માસમાં થનાર શારીરિક કસોટી માટે કોલ લેટર છોડવામાં આવશે તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં છ જગ્યાઓની ભરતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...