દુર્ગાપુજા મહોત્સવ:પાટણમાં બંગાળી મિત્ર મંડળ દ્વારા 5 દિવસીય સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરનાં સુભાષચોક વિસ્તારમાં આવેલી નીલકંઠ મહાદેવની વાડી ખાતે સોનીવાડા બંગાળી મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસીય આ દુર્ગા મહોત્સવમાં માઁ દુર્ગા સહિત વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓનું શુભ મુર્હુતમાં સ્થાપન કરવામાં આવ્યુ હતું. ત્યારે આજે બંગાળી પરિવારના લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બીલીના વૃક્ષની પૂજા કરી પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. ભારત દેશનાં વિવિધ પ્રાંતોમાં આદ્યશક્તિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.

અલગ-અલગ રાજ્યોમાં અનોખી રીતે ઉજવણી
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા સાથે ઉજવાતા શક્તિના પર્વની અલગ-અલગ રાજ્યોમાં અનોખી રીતે ઉજવણી થાય છે. જેમાં ખાસ કરીને કલકત્તા તેમજ બંગાળના પ્રાંતમાં શક્તિની દુર્ગા તરીકે પૂજા કરવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે
પાટણ શહેરના ઝવેરી બજારમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા બંગાળી સુવર્ણ કારીગરો દ્વારા વિશ્વકર્મા જયંતી અને માઁ દુર્ગાની પૂજા મહોત્સવનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે નિલકંઠ મહાદેવની વાડી ખાતે પાંચ દિવસીય દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી મહોત્સવનો પ્રારંભ કર્યો
આ મહોત્સવની વિશેષતા એ છે કે, બંગાળી સુવર્ણ કારીગરો દ્વારા મંડપમાં માઁ દુર્ગા, લક્ષ્મીજી, સરસ્વતી, કાલીકા માતા અને કાર્તીકેય ભગવાનની આબેહુબ મૂર્તિઓની પૂજા અર્ચના કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ બંગાળી પરીવારનાં યજમાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દુર્ગા મૈયા સમક્ષ તમામ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી આ મહોત્સવનો પ્રારંભ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...