કાર્યવાહી:રાધનપુરની 4 પ્રાથમિક શાળાને ફાયર સેફ્ટીના અભાવને લઈ સીલ કરાઈ

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલને બંધ કરાતા 1500થી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો સ્કૂલ સંચાલકોની નિષ્ક્રિયતાને લઈને વાલીઓમાં નારાજગી

પાટણમાં જિલ્લા તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોને સધન બનાવવા અને દરેક સ્કૂલોમાં તેમજ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ફરજિયાત કરવાને લઈ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી નહીં કરનારી 4 પ્રાથમિક શાળાને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારી દેતાં સનસનાટી મચી હતી.

પાલિકા તંત્ર દ્વારા રાધનપુરમાં એકથી વધુ માળ ધરાવતી આ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી નગરપાલિકાએ દરવાજો સીલ કરી દેતાં દોડધામ મચી ગઇ છે. આ 4 શાળા બંધ થતાં સરેરાશ 1500 થી વધુ બાળકોનું શિક્ષણ ખારભે ચડ્યું છે. સરકારી નિયમ અને સુરક્ષાની ખાત્રી મામલે 2 કચેરીનો તાલમેલ ખોરવાઇ જતાં આ ઘટનાક્રમ સામે આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સરકારી પ્રાથમિક શિક્ષણ મેળવવા બાબતે બાળકોને વગર ગુને મોટો અવરોધ ઉભો થયો છે. સરકારી સહિતની તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ફરજિયાત હોવા બાબતે રાધનપુર પાલિકાએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. એકથી વધુ માળ ધરાવતી પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીની તપાસ કરતાં ક્ષતિ માલૂમ પડતા પાલિકાએ રાધનપુર શહેરની દૂધસાગર પ્રાથમિક શાળા, આંબેડકર પ્રાથમિક શાળા, જૈનસંઘ પ્રાથમિક શાળા અને બા.લ પરીખ પ્રાથમિક શાળાને સીલ કરી દીધી છે.

આ ચારેય પ્રાથમિક શાળાને ફાયર સેફ્ટીના અભાવવાળી નોંધ લઈ બંધ કરી દીધી છે. જેનાથી સરેરાશ 1500થી વધુ બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ 4 સરકારી પ્રાથમિક શાળા ત્રણ માળનું બિલ્ડિંગ ધરાવે છે. જેમાં રાધનપુર પાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર વિક્રમ ભોજકે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશથી 9 મીટરથી વધુ ઉંચાઇ હોય ત્યાં ફાયર સેફ્ટી ફરજિયાત છે. આથી આ 4 શાળાને અગાઉ નોટિસ પાઠવી જાણ કરી હતી. આ સાથે પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આમ છતાં ફાયર સેફ્ટીની કામગીરી નહિ કરવામાં આવતાં આ કાર્યવાહી કરવી પડી છે.પાલિકાની કાર્યવાહીને પગલે 4 શાળાના કુલ મળીને સરેરાશ 1500થી વધુ બાળકોના ભણતર શાળા સંચાલકોની નિષ્ક્રિયતાને લઈને અટકી પડ્યા હોવાથી વાલીઓમાં પણ નારાજગી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...