લમ્પીનો હાહાકાર:લમ્પીથી વધુ 4 ગાયના મોત 30 ગામમાં નવા 58 કેસ

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ જિલ્લામાં લમ્પી વાયરસ વકર્યો, 3 દિવસમાં 14 ગૌવંશના મોત,12 દિવસમાં 74 ગામમાં 237 કેસ

પાટણ જિલ્લામાં ગુરુવારે લમ્પી વાયરસથી વધુ 4 ગાયોના મોત થતા માત્ર ત્રણ દિવસમાં 14 ગૌવંશનો રોગચાળાએ ભોગ લીધો છે. વધુ 58 ગૌવંશ ચેપગ્રસ્ત થતાં માત્ર 12 દિવસમાં 74 ગામોમાં 237 પશુઓ ચેપગ્રસ્ત થયા છે. જ્યારે રોગચાળાએ ભરડો લીધો છે છતાં હજુ સુધી જિલ્લાના પ્રભારી મંત્રી, કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી અસરગ્રસ્ત વિસ્તાર બાજુ ફરક્યા પણ નથી.

પાટણ જિલ્લામાં માત્ર ચાણસ્મા અને પાટણને બાદ કરતાં 7 તાલુકાના ગામો સુધી રોગચાળો પ્રસર્યો છે. ગુરુવારે 30 ગામોમાંથી 58 ચેપગ્રસ્ત ગૌવંશ મળતાં 74 ગામોમાં કુલ 237 કેસ થયા છે. 3 દિવસમાં સાંતલપુર તાલુકામાં 14 ગૌવંશના મોત થયા છે. જેમાં ગુરુવારે ધોકાવાડામાં 3 અને દાત્રાણામાં 1 ગાયનું મોત થયું હતું.

12 દિવસમાં લંમ્પી વાયરસ પ્રસરી ગયા બાદ પાટણ જિલ્લામાં સરકારના પશુપાલન વિભાગ દ્વારા વેક્સિનના 40,000 ડોઝ નો જથ્થો આપ્યો છે. પશુપાલન તંત્ર દ્વારા પ્રભારી સચિવ મમતા વર્મા સમક્ષ પાટણ જિલ્લાને વેક્સિનનો પૂરતો જથ્થો આપવા માટે માગણી કરી હતી.

આ અગાઉ તબક્કાવાર પશુપાલન તંત્ર દ્વારા 15000 ડોઝ અને બનાસ તેમજ દૂધસાગર ડેરી દ્વારા 24600 ડોઝ મળ્યા હતા. 1396 પશુઓને પશુપાલકોએ વેક્સિન ખરીદીને રસીકરણ કર્યું છે. હવે પૂરતો જથ્થો મળતા પશુપાલન તંત્ર દ્વારા દરેક તાલુકાઓમાં વેક્સિન ડ્રાઈવ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ 32842 પશુઓનું રસીકરણ કરાયું છે.આગામી ચારેક દિવસમાં બાકીના તમામ ગૌવંશને રસીકરણ પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...