લમ્પીનો હાહાકાર:લમ્પીથી 4 ગાયોનાં મોત,20 ગામોમાં વધુ 44 કેસ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રભારી સચિવ મમતા વર્માએ બેઠક કરી અસરગ્રસ્ત ગામથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોમાં ઝડપથી રસીકરણ કરવા સૂચના આપી
  • દાત્રાણા ગામમાં 3 અને સાંતલપુરમાં 1 ગાયનું મોત, દાત્રાણામાં લમ્પી વાયરસથી અઠવાડિયામાં 20 જેટલી ગાયોના મોત નીપજ્યા : ગામના અગ્રણી

સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે લમ્પી વાઈરસથી ત્રણ અને સાંતલપુરમાં એક મળી કુલ ચાર ગાયોના મોત થતાં અરેરાટી પ્રસરી ગઈ છે. જિલ્લામાં 20 ગામોમાં વધુ 44 ગાયો સંક્રમિત થતા કુલ 33 ગામોમાં 150 કેસ થયા છે. જેને કારણે પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે. દાત્રાણા ગામમાં સંક્રમિત ત્રણથી વધુ ગાયોના મોત થયા હોવાનું અને મૃત ગાયોને ગામની બહાર વાડામાં ફેંકવામાં આવતા રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે. તેવું ગામના અગ્રણી દ્વારા જાણવા મળ્યું હતું.

ગૌવંશના રસીકરણ માટે રાજ્ય સરકાર બનાસ ડેરી અને દૂધ સાગર ડેરી દ્વારા 29000થી વધુ ડોઝ પાટણ જિલ્લાને આપ્યા છે.જેમાં 15623 પશુઓને રસીકરણ કરાયું છે સરકારી પશુપાલન વિભાગ અને બંને ડેરીઓના સંયુક્ત ઉપક્રમે 400થી વધુ સ્ટાફ દ્વારા રસીકરણની કામગીરી ગામેગામ ચાલી રહી છે.

લમ્પી વાયરસનો રોગચાળો ધીમે ધીમે જિલ્લામાં વક્રી રહ્યો છે. કેસ વધીને 150 સુધી પહોંચી ગયા છે અને ગાયોના મોત પણ શરૂ થઈ ગયા છે. નવા બે તાલુકામાં વાયરસે એન્ટ્રી કરી છે શંખેશ્વરના લોટેશ્વર અને હારિજના બોરતવાડામાંથી બે કેસ મળ્યા છે. જેને પગલે મંગળવારે પ્રભારી સચિવ મમતા વર્માએ કલેકટર, એસપી, ડી.ડી.ઓ, પશુપાલન નાયબ નિયામક સહિત કમિટીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

જેમાં પ્રભારી સચિવ એ અસરગ્રસ્ત ગામથી 5 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા ગામોમાં અને ત્યારબાદ 10 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા ગામોમાં ઝડપથી રસીકરણ કરવા તંત્રને સુચના આપી હતી. જિલ્લાની સરહદો પર ચેકપોસ્ટો બનાવી પશુઓનું સ્થળાંતર અટકાવવા માટે પણ પોલીસને સુચના અપાઈ હતી.

શહેરોમાં મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ અને સ્વચ્છતા રાખવા માટે ચીફ ઓફિસરને જ્યારે ગામડાઓમાં આ વ્યવસ્થા કરવા આરોગ્ય તંત્રને સુચના અપાઈ હતી. સાથે રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે પણ સૂચના અપાઈ હતી. જોકે વેક્સિનનો વધારે જથ્થો મળે તે માટે પ્રભારી સચિવનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમણે સરકારમાં ભલામણ કરવાની તૈયારી બતાવી હતી.

દાત્રાણા ગામના અગ્રણી ભચાભાઈ આહીરે જણાવ્યું હતું કેે દાત્રાણામાં લંમ્પી રોગચાળાથી છેલ્લા અઠવાડિયામાં 20 જેટલી ગાયોના મોત થયા છે વાયરસથી મોત થયેલ ગાયોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી ગાયોને ગામની બહાર વાડામાં નાખવામાં આવી છે જેને કારણે રોગચાળો ફેલાશે.આજે પણ ગામની બહાર મૃત્યુ પામેલ ગાયોના મૃતદેહ પડેલા છે.

આ 20 ગામોમાંથી 44 કેસ મળ્યા
દાત્રાણા, ધોકાવાડા, વારાહી, દહીગામડા, ફાગલી, જામવાડા, પરસુંદ, સાણસરા, ઝેકડા, ઝઝામ, બાબરા, બાવરડા, લાલપુર, દાદકા, રવદ, જલાલાબાદ, સાતુન, પેદાશપુરા, બોરતવાડા, લોટેશ્વર.

અન્ય સમાચારો પણ છે...