સરસ્વતી તાલુકાના કાતરા ગામે નવ વર્ષ અગાઉ દૂધ ભરાવવા જતા ગામના પશુપાલક ઉપર છરી,લાકડી સહિત હથિયાર વડે હુમલાની ઘટના બની હતી. આ ઘટનાનો કેસ સરસ્વતી તાલુકા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં 4 આરોપીઓને 3 વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી. કેસની ટૂંકમાં હકીકત એવી છે કે સરસ્વતી તાલુકાના કાતરા ગામે 18-03-2013ના રોજ 6 :15 વાગે રમેશભાઈ માવાભાઈ પટેલ પોતાના ઘરેથી ગામની ડેરીએ દૂધ ભરાવવા જતા હતા ત્યારે પટેલ મંગુબેન ઉજાભાઈ અને શાતાબેન અમુભાઈ પટેલે રમેશભાઈનું દૂધનું વાસણ પડાવી દઈ ગડદાપાટુનો માર મારીને ઘરે જતા રહ્યા હતા.
આ પછી રમેશભાઈ પણ પોતાના ઘરે જતો હતો ત્યારે હરીભાઈ નાગરભાઈ, અરવિંદભાઈ ઉજાભાઈ, મનીષભાઈ હરીભાઈ અને અરવિંદભાઈ અમુભાઈ ધસી આવ્યા હતા. જેમાં હરીભાઈએ તેની પાસેની છરી રમેશભાઈને માથામાં ડાબી બાજુ મારેલ હતી જ્યારે તથા બીજા શખ્સોએ લાકડી વડે માર મારી ઈજાઓ કરી ગાળો ગાળી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે વાગડોદ પોલીસ સ્ટેશનમાં તમામ છ જણ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
આ કેસ સરસ્વતી તાલુકા કોર્ટના પ્રિન્સીપાલ સીવીલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.ચેતનાબેન કાપડીયા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ડી.એમ.ઠક્કરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પટેલ હરીભાઈ નાગરભાઈ, પટેલ અરવિંદભાઈ ઉજાભાઈ, પટેલ મનીષભાઈ હરીભાઈ અને પટેલ અરવિંદભાઈ અમુભાઈને ઈ.પી.કો.કલમ-325 તેમજ 114 મુજબના ગુનામાં પ્રત્યેકને 3 વર્ષની સાદી કેદ અને રૂ. 1000 દંડ ભરવામાં હુકમ કર્યો હતો. દંડ ન ભરે વધુ 30 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે વકીલ જી.કે.પંચાલની રજૂઆત આધારે બંને મહિલા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.