પાટણમાં હારિજ રોડ ઉપર પાટણના શખ્શે આનંદ પ્લસ નામની રહેણાંક મકાનોની સ્કીમ ચલાવી શંખેશ્વરના લોલાડા ગામના ખેડૂત અને તેમના મિત્રને સારું વળતર મેળવી આપવાની લોભ લાલચ આપી રૂ 26,15000 નું રોકાણ કરાવ્યું હતું. પહેલા મકાન આપવાની બાદમાં તેમની પાસે લેવાના નીકળતા વ્યાજ સહિત રૂ 33.57 લાખ ના પ્લોટો આપવાનું જણાવી રૂપિયા કે પ્લોટો ન આપી છેતરપિંડી કરી હતી.
શંખેશ્વરના લોલાડા ગામના હરિભાઈ અજુભાઈ ખેરને દસેક વર્ષ અગાઉ તેમના મિત્ર ખીજડીયારી ના હિતેશ કાંતિલાલ ઠક્કરે વર્ષ 2012 માં પાટણ ખાતે તેમના મિત્ર ચેતનભાઇ ઇશ્વરભાઇ મહેતાની કુણઘેર થી પાટણ વચ્ચે આનંદ પ્લસ નામની રહેણાંક મકાનની સ્કીમમાં રોકાણ કરવાથી સારો આર્થિક ફાયદો થાય તેમ હોવાનું કહેતાં તેઓ તેમના મિત્ર લોલાડાના હિંમતભાઈ પ્રભુભાઈ સુથાર સાથે જગ્યા જોવા ગયા હતા. તે જમીન પર આનંદ પ્લસ નામે સ્કીમ મૂકવાની છે તેવું પાટણ ખાતે રહેતા ચેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું.
એક રોહાઉસ મકાનની કિંમત રૂ 13,50,000 જણાવી હતી. તેમને મૂડી રોકાણ કરવાનું હોવાથી તેમણે અને હિંમતભાઈ સુથારે ભાગીદારીમાં ચાર મકાનો રાખવાનું નક્કી કરી રૂ 26.15 લાખ ત્રણ હપ્તે ચેતન મહેતાને રોકડા આપી દીધા હતા . ચાર વર્ષ સુધી મકાનો ન બનતાં ચેતનભાઇનો સંપર્ક કરતા સ્કીમ બંધ રાખી છે અનેે મૂડી રોકાણ કરેલું છે તે રૂપિયા 26.15 લાખ સાથે તેનું વ્યાજ મળી કુલ રૂ 33.57 લાખના સ્કીમ ની જગ્યામાં પ્લોટો આપવાનું કહ્યું હતું. પણ તેમાં કંઈ મળ્યું નહોતું. ચેતન ઈશ્વરભાઈ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા છ વર્ષથી પ્રાયોજકનો સંપર્ક થયો નથી
હરીભાઈ ખેર એ ફરિયાદ માં જણાવ્યા મુજબ એક વર્ષ થવા છતાં પ્લોટો પાડ્યા ન હતા અને ચેતન મહેતા વાયદાઓ કરતા હતા .પહેલા તેઓ મળતા બંધ થઈ ગયા હતા, પછી ફોન રિસીવ કરતા નહોતા અને છેલ્લે તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. છેલ્લા છ વર્ષથી ચેતન મહેતા સાથે કોઈ સંપર્ક થયો નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.