ટિકિટની કતારમાં:જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પર બે પૂર્વ મંત્રી સહિત 31 ચહેરા ભાજપની ટિકિટની કતારમાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસતા વર્ષે પાટણમાં પ્રદેશ નેતાગીરી દ્વારા મધ્યરાત્રી સુધી ભાજપના ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી

પાટણ જિલ્લામાં વિધાનસભાની 4 બેઠકો માટેની બંને પક્ષોની ટિકિટો અંગે સસ્પેન્સ શરૂ થઈ ગયું છે. બેસતા વર્ષે પાટણ ખાતે ભાજપના ઉમેદવારો માટે સેન્સ લેવાયા હતા. જેમાં પ્રદેશ નેતાગીરી દ્વારા મધ્યરાત્રી સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી. જિલ્લા ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ચારે બેઠકો પૈકી એકમાત્ર ચાણસ્મા બેઠક ઉપર 15 ચહેરા મેદાનમાં આવ્યા છે. આ સહિત 31 ચહેરા ચૂંટણીની ટિકિટની લાઈનમાં છે જેમના બાયોડેટા પ્રદેશ નેતાઓ લઈ ગયા છે અને હવે તે મોદી શાહને પહોંચાડાશે. જ્યાં ટિકિટ કોને આપવી તેનો ગંજીપો ચીપવામાં આવશે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ એસ.ટી મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવા અને પ્રદેશ મંત્રી શીતલબેન સોની એમ ત્રણ સભ્યોનો ટીમ દ્વારા વારાફરતી 4 વિધાનસભાઓના ટિકિટ ઈચ્છોકોના સેન્સ લેવાયા હતા. જિલ્લા ભાજપના કાર્યાલયના જણાવ્યા મુજબ પાટણ બેઠક માટે 8, ચાણસ્મા બેઠક માટે 15 ,રાધનપુર માટે 5 અને સિદ્ધપુર માટે 3 દાવેદારોના માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી. આ વખતની ચૂંટણી માટે જિલ્લાના બે પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર અને જય નારાયણ વ્યાસ દ્વારા તેમનો દાવો ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક માટે કરાયો છે.

સ્થાનિક ઉમેદવારની માંગણી સાથે સૌથી વધુ દેખાવો થયા હતા તે રાધનપુર બેઠક માટે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, લવિંગજી સોલંકી અને નાગરજી ઠાકોર ટિકિટની લાઈનમાં છે. અલ્પેશ ઠાકોરનો બાયોડેટા તેમના પીએ દ્વારા રજૂ થયો હતો. સિદ્ધપુર બેઠક માટે બળવંતસિંહ રાજપુત અને જયનારાયણ વ્યાસના બાયોડેટા તેમના પ્રતિનિધિ દ્વારા રજૂ થયા હતા. આ સિવાય નંદાજી ઠાકોર પણ ટિકિટના દાવેદાર છે. આ સિવાય પણ અન્ય બે ત્રણ ચહેરા ટિકિટ માટે આવેલ હતા તેમ જાણવા મળ્યું હતું .

પાટણ બેઠક ઉપર ભાજપ સંગઠનના મહારથીઓ ટિકિટની લાઈનમાં છે જેમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અને ગાંધીનગર બેઠક ઇન્ચાર્જ મોહનભાઈ પટેલ, ભાજપના વેપારી અગ્રણી સુરેશભાઈ પટેલ, ઠાકોર સમાજના મંગાજી ઠાકોર મુખ્ય પ્રબળ દાવેદારો ગણાય છે. ચાણસ્મા બેઠક ઉપર દિલીપજી ઠાકોર ઉપરાંત જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા ઉપપ્રમુખ મુકેશભાઈ દાઢી પણ દાવેદાર છે.

સિદ્ધપુર-પાટણ બેઠક ઉપર બિન ઠાકોર ચહેરા જોવા મળશે તેવા પૂર્વાનુમાન
પાછલી ચૂંટણીમાં ઠાકોર બહુમતી વોટબેંક ધરાવતી રાધનપુર અને સિધ્ધપુર બેઠકો ઉપરાંત પાટીદાર અને ઠાકોર ફેકટર ના બળે પાટણની બેઠક કોંગ્રેસે જીતી હતી .ભાજપને એક માત્ર બેઠક ચાણસ્મા ની મળી હતી જ્યાં દિલીપ ઠાકોર વિજેતા થયા હતા. આ રાજકીય પંડિતોના ગણિત મુજબ ભાજપમાં રાધનપુર અને ચાણસ્મા હારીજ બેઠક ઉપર ઠાકોર ચહેરા લાવવાની નીતિ અપનાવાય તેમજ સિધ્ધપુર અને પાટણ બેઠક ઉપર બિન ઠાકોર ચહેરા જોવા મળશે તેવા પૂર્વાનુમાન સાંભળવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...