રજૂઆત:પાટણ જિલ્લામાં ઇસબગુલના પાકને 30 ટકા નુકસાન : તંત્ર - ઇસબગુલ,જીરૂ,દિવેલા,ઘઉંમાં 50થી 60% નુકસાન : ખેડૂતો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતી પાકોને નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા ધારાસભ્યની રજૂઆત

વરસાદ સાથે ફુકાએલા વંટોળ વરસાદથી પાટણ જિલ્લામાં ઇસબગુલ, જીરૂ, ઘઉ, દિવેલા, દેશી કપાસ અને મકાઈ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો ઝુટવાઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જોકે ખેતીવાડી તંત્ર માત્ર ઇસબગુલમાં જ નુકસાન થયું હોવાનું જણાવી રહ્યું છે.

વાવાઝોડાના કારણે પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં દિવેલા, ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે. ત્યારે નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા માટે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે.

પાટણ જિલ્લામાં સોમવારે સાંજે વરસાદ સાથે ફુકાએલા વંટોળથી ખાસ કરીને વઢીયારના સમી, શંખેશ્વર પંથકમાં કરા સાથે વરસાદ થતાં ઇસબગુલ નો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. જીરાના પાકને પણ 50 ટકા જેટલું નુકસાન થયું હોવાનો ખેડૂતોનો મત છે.

કપાસના પાકમાં 60 ટકા નુકસાન: ખેડૂત
અનવરપુરાના ખેડૂત આગેવાન રાજુભાઈ નાડોદાએ જણાવ્યું કે રાફુ, ઉપલીયાસરા અનવરપુરા ગામે કપાસના પાકમાં 60 ટકા જ્યારે જીરાના પાકમાં 50 ટકા નુકસાન છે. ઈસબગુલનો પાક સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યો છે.

ઇસબગુલ સિવાય કોઈ પાકમાં નુકસાન નથી : તંત્ર
જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે કમોસમી વરસાદ અને પવનના કારણે પાટણ જિલ્લામાં સમી શંખેશ્વર વિસ્તારમાં ઇસબગુલના પાક ને 30 ટકા જેટલું નુકસાન પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આ બાબતે સરકારમાં રિપોર્ટ કર્યો છે બાકી અન્ય કોઈ પાકોમાં નુકસાનની સંભાવના નથી. છતાં સરકારની સૂચના મળશે તો સર્વે કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...