તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતમાં બોગસ તબીબોની બોલબાલા:સિદ્ધપુર, બીલિયા અને નેદ્રાથી 3 ઊંટવૈદ્ય ઝડપાયા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાંથી ધોરણ-12 પાસ  હિતેન્દ્ર દશરથભાઈ ચૌહાણ, બીલિયામાંથી ધોરણ-10 પાસ ખુશાલ સોમાભાઈ પ્રજાપતિ અને નેદ્રાથી ધોરણ-12 પાસ વસંતકુમાર રામબાબુ ગુપ્તા ઝડપાયો. - Divya Bhaskar
સિદ્ધપુરમાંથી ધોરણ-12 પાસ હિતેન્દ્ર દશરથભાઈ ચૌહાણ, બીલિયામાંથી ધોરણ-10 પાસ ખુશાલ સોમાભાઈ પ્રજાપતિ અને નેદ્રાથી ધોરણ-12 પાસ વસંતકુમાર રામબાબુ ગુપ્તા ઝડપાયો.

સિદ્ધપુર શહેર અને તાલુકાના બિલિયા અને નેદ્રા ગામેથી સિદ્ધપુર પોલીસે ડિગ્રી વિનાના ત્રણ બોગસ તબીબોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાની બીજી લહેર બાદ પાટણ જિલ્લામાં પોલીસે બોગસ ડોકટરો સામે તવાઇ બોલાવી છે. રાધનપુરના ઓધવનગર, સરસ્વતીના ખલીપુર અને સમીના બાસ્પા ગામેથી એસ.ઓ.જી પોલીસે પાંચ દિવસમાં ત્રણ બોગસ ઊંટવૈદ્ય પકડ્યા બાદ સોમવારે સિદ્ધપુર પોલીસે સિદ્ધપુર શહેર, નેદ્રા અને બીલીયા ગામેથી વધુ ત્રણ બોગસ તબીબોને એલોપેથિક દવાઓ સાથે પકડી લીધા હતા. આ નકલી ડોક્ટરો માત્ર ધોરણ 10 અને 12 સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ દર્દીઓને એલોપેથિક દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. છતાં આરોગ્ય તંત્ર કેમ ચૂપ હતું તેવા સવાલો ઉભા થયા છે.

સિદ્ધપુર પંથકમાંથી સોમવારે પીઆઇ ચિરાગ ગોસાઈ અને તેમની ટીમે મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ ર્ડાક્ટરો પકડી લીધા હતા. જેમાં સિદ્ધપુર શહેરમાંથી હિતેન્દ્ર દશરથભાઈ ચૌહાણને પકડી લીધો હતો. તેણે ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં બીમાર લોકોને તપાસી અનુમાન આધારે એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપી બિમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. જ્યારે બીલીયા ગામેથી ખુશાલ સોમાભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. તે પણ ધોરણ 10 પાસ હોવા છતાં મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે નેદ્રા ગામેથી વસંતકુમાર રામબાબુ ગુપ્તાને પકડી લીધો હતો. તે પણ માત્ર ધો 12 પાસ હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો. આ ત્રણે બોગસ ડોક્ટર પાસેથી પોલીસે ઇન્જેક્શન, ગોળીઓ, બોટલો, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલના સાધનો અને એલોપેથિક દવાઓનો રૂ. 34348નો જથ્થો જપ્ત કર્યો હતો. તેમની સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેવુ સિદ્ધપુર પીઆઇ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું.

પોલીસે આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી
પાટણ જિલ્લાના ગામડાઓમાં વર્ષોથી બોગસ ડોક્ટરો બિમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી આરોગ્ય સાથે ચેડા કરીને પૈસા ખંખેરી લે છે. છતાં કોણ જાણે કેમ આરોગ્ય તંત્ર આંખ આડા કાન કરી બોગસ ડોક્ટરો ને છાવરી રહ્યું છે. પરંતુ પોલીસે અઠવાડિયામાં એલોપેથિક દવાઓ સાથે છ નકલી ડોક્ટર પકડી પાડી આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી છે. ત્યારે આ ડોક્ટરોને અત્યાર સુધી આરોગ્ય તંત્ર કેમ છાવરી રહ્યું હતું તેવા સવાલો થઈ રહ્યા છે.

કોરોના મહામારીમાં બોગસ ડોક્ટરો દર્દીના મોતનું કારણ બન્યા
કોરોના મહામારીમાં કેટલાક ગામોમાં બોગસ ડોક્ટરો લોકોના મોતનું કારણ બન્યા છે. ફરીથી આવું ન બને તે માટે પોલીસે બોગસ ડોક્ટરો સામે તવાઈ શરૂ કરી છે. ગામે ગામ કોરોનાના કેસ હતા તે વખતે ગામડાના લોકો શરદી, ખાંસી, તાવ જેવી બીમારી થાય તો સ્થાનિક ડોક્ટર પાસે જતા હતા કેટલાક ગામોમાં આ બોગસ ડોક્ટરો કોરોના ના દર્દીઓ ને વાયરલ ફીવર ની દવા કરાવી પૈસા ઉભા કરી દર્દીને ઘરે મોકલી દેતા હતા બાદમાં તબિયત વધારે બગડે ત્યારે દર્દીને પાટણ મહેસાણા અમદાવાદ સુધી લઈ જવા પડતા હતા અને ત્યાં સુધી ઘણું મોડું થઈ જતું હતું તેવા કિસ્સા પણ બનેલા છે. પાટણ જિલ્લામાંથી તાજેતરમાં જ એસઓજી સહિત સ્થાનિક પોલીસે બોગસ તબીબો ઝડપી લેતાં એક પછી એક નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોના કાળામાં વહેલી આ કામગીરી કરાઈ હોય તો લોકોના સ્વાથ્ય ન જોખમાત.

રાધનપુર-સાંતલપુર પંથકમાં ઊંટવૈદ્યો સામે તંત્ર વામણું
રાધનપુર તાલુકાના ગોતરકા, મસાલી, જાવંત્રી, અબિયાણા, કમાલપુર, બંધવડ, દેવ, સાંથલી, ભીલોટ, પેદાશપુરા, અગીચાણા તેમજ સાંતલપુર તાલુકાના બકુત્રા, વૌવા, ઝંડાલા, કિલાણા, ફાંગલી, સીધાડા, ઝઝામ, કોરડા સહીત અન્ય કેટલાક ગામોમાં પણ ડિગ્રી વગરના ડોક્ટરો પ્રેક્ટિસ કરતાં હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા જો બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતાં હોય અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય તો તાત્કાલિક ઝડપી લેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે. બી.એચ.ઓ. ર્ડા. કેતનભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર બી.એ.એમ.એસ. ડોક્ટરો હશે પણ બોગસ ડોક્ટરોની અમારી પાસે કોઈ જાણકારી નથી અને હજુ સુધી આપણા વિસ્તારમાં બોગસ ડોક્ટરોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ ચકાસણી કરાઈ
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર્યએ જણાવ્યું હતું કે સિધ્ધપુર વિસ્તારમાં બોગસ ડોક્ટરો સામે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મેડીકલ સર્ટીફીકેટ ચકાસણી સહિતની બાબતોમાં આરોગ્ય વિભાગ પણ તેમાં જોડાયું હતું. તેમણે જણાવ્યું કે આ કેસોમાં રેડ સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોગ્ય વિભાગે તેમાં સહકાર આપ્યો છે. હાલમાં જિલ્લામાં પોલીસ દ્વારા બોગસ તબીબો સામે કાર્યવાહી કરી ઉઘાડા પાડવામાં આવી રહ્યા છે.

વડગામના ઘોડિયાલ ગામેથી એક, ગઢ સાસમના ત્રણ બોગસ તબીબ ઝડપાયા
વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે ભીખાભાઈ રાવળ નામના તબીબે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા વડગામ પોલીસને જાણ થતા તબીબને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી કુલ રૂ.3891 મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. જ્યારે ગઢ વિસ્તારમાં સાસમ ગામે ત્રણ બોગસ તબીબોને ગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં અમરતભાઈ દલસુખભાઈ કાંકરેચા (રાવળ) જેમની પાસે રૂપિયા 300નું સ્ટેથોસ્કોપ, રૂ.1000 બીપીનું મશીન, દવાઓ, ઈન્જેકશનનો મળી કુલ રૂ.23474 મુદ્દામાલ કબજે લેવાયો હતો. જ્યારે સાસમ ગામે ગુણવંતભાઈ વિરમાભાઈ રાવળ નામના બોગસ તબીબ પાસે એલોપેથીક દવા,ઇન્જેકશન અને સાધનો મળી કુલ રૂ.8471 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જ્યારે ત્રીજા બોગસ તબીબ હરેશ જવાનસિંહ રાજપુત (પઢીયાર) પાસેથી રૂ.300નું સ્ટેથોસ્કોપ, રૂ.1000ની કાતર, રૂ.100 ની જુદી જૂદી કંપનીની દવાઓ , ઇન્જેકશન મળી કુલ રૂ.4195 નો મુદ્દા માલ કબ્જે કરી વડગામ અને ગઢ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...