હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં પરીક્ષા દરમ્યાન ત્રણ વિદ્યાર્થીઓ ઉત્તરવહી વર્ગખંડમાં જમા કરાવવાના બદલે ઘરે લઈને પહોંચી ગયા બાદ ફરી કોલેજમાં જમાં કરાવવા આવતા નિરીક્ષકે ત્રણેય વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધાયો હતો.જે મામલે મંગળવારે મળેલ પરીક્ષા શુદ્ધિ સમિતિમાં ત્રણેય કેસ મામલે કમિટીએ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષા આપવાં પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત પરીક્ષાના પરિણામ રદ કરવા માટેની દાખલારૂપ સજાનો નિર્ણય લીધો હતો.
તાજેતરમાં લેવાયેલ માર્ચ જુનની પરીક્ષામાં BSC સેમ 5માં 1 વિધાર્થી તેમજ B. Com સેમ 3 માં 2 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન જવાબો લખી ઉત્તરવહી વર્ગખંડમાં જમા કરાવવાના બદલે ઘરે લઈ ગયા હતા. થોડા સમય બાદ કોલેજમાં પરત આવીને જમા કરાવતાં નિરીક્ષકે ત્રણે વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધી પરીક્ષા વિભાગમાં મોકલી આપ્યા જે બંધ કવર પરીક્ષા વિભાગ દ્વારા મંગળવારે વહીવટી ભવન ખાતે મળેલ પરીક્ષા સુધી સમિતિમાં મૂક્યા હતાં.
અને ત્રણે વિદ્યાર્થીઓને બોલાવી જવાબો સાંભળ્યા બાદ પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા સંતોષકારક જવાબો ન હોય ગંભીર પ્રકારની બેદરકારી બદલ સજા કરવાનો નિર્ણય કર્યો હતો.સજા ફટકારેલ વિદ્યાર્થીઓ જેમાં પાલનપુર , વિસનગર અને પ્રાંતિજ ત્રણ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં અધ્યક્ષ ડૉ.સી.એમ.ઠક્કર , ડૉ. લલિત પટેલ , પરીક્ષા નિયામક મિતુલ દેલીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ બચાવમાં કહ્યું અમે ભૂલી ગયા હતા
કોપી કેસ નોંધાયેલ ત્રણે વિદ્યાર્થીઓને સમિતિએ પોતાના જવાબ રજૂ કરવા માટે રૂબરૂ બોલાવ્યા હતા. જેમાં સમિતિ સમક્ષ એક જ સૂરમાં જવાબ આપ્યા હતા. વિદ્યાર્થીઓ જણાવ્યું કે અમે પરીક્ષા દરમિયાન પેપર સાથે ઉત્તરવહી પણ ભૂલથી ઘરે લઈને જતા રહ્યા હતા. ઉત્તરવહી અમારી પાસે રહી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા અમે કોલેજમાં જમા કરાવી આવ્યા હતા. અમે તેમાં કોઈ સુધારા વધારા કર્યા નથી. ગેરરીતિ કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.