તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:હારિજના જશવંતપુરામાં 3 મળી જિલ્લામાં 8 કેસ, માર્ચમાં પ્રથમવાર આઠ કોરોના કેસ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચના 12 દિવસમાં 26 કેસ, રૂઘનાથપુરામાં એક, ચાણસ્મામાં એક અને પાટણમાં 3 કેસ
  • જાણતાં પણ અજાણતા થયા, કોરોનાનો ડર હોવા છતાં લોકોએ માસ્ક પહેરવાનું છોડી દીધું
  • જાહેર સ્થળો પર કોરોના ગાઈડ લાઈનના પાલન માટે સૂચના આપી છે: ડીડીઓ

પાટણ જિલ્લામાં શુક્રવારે આઠ કેસ નોંધાયા હતા. જેમાં હારિજના જશવંતપુરમાં એક જ પરિવારના 3 સભ્યો, રૂઘનાથપુરામાં એક, ચાણસ્મામાં એક અને પાટણમાં 3 કેસનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં કોરોના સંક્ર્મણ ઘટતાં મહિનામાં ફક્ત 21 કેસ નોંધાયા હતા. પરંતુ ફરી માર્ચ મહિનાના શરૂઆતથી કેસો વધી રહ્યા છે. અને 12 દિવસમાં જ કુલ 26 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ પાટણ શહેરમાં 8 સહીત અન્ય તાલુકાઓમાં 3 થી 5 વચ્ચે કેસો નોંધાયા છે. ત્યારે વધતા કેસોને લઇ જિલ્લામાં એક્ટિવ કેસો વધી રહ્યા છે. હાલમાં ધારપુર કોરોના હોસ્પિટલમાં 4 પોઝીટીવ દર્દીઓ દાખલ છે. સંક્રમણ અટકે માટે આરોગ્ય વિભાગે સર્વેલન્સ સાથે ટેસ્ટિંગ વધારવા માટે આદેશ કર્યા છે. વધતા કેસોને લઇ જિલ્લામાં ફરી કોરોનાની ભયજનક સ્થિતિ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

પાટણ શહેર અને જિલ્લામાં 2020 માર્ચ મહિનાથી શરૂ થયેલ 20 કેસોથી વધીને વર્ષના અંત સુધીમાં 4 હજાર આસપાસ કેસો થઇ ગયા હતા. પરંતુ 2021 ના આરંભમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં કેસો ઘટતા એક બેકી સંખ્યામાં અને દિવસમાં જીરો કેસો સામે આવતા કોરોના ગયો હોવાની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ ચૂંટણી બાદ ફરી રાજ્યભર સહીત પાટણ જિલ્લામાં કેસો વધી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં ફેબ્રુઆરીની સ્થિતિએ જોઈએ તો સમગ્ર માસમાં ફક્ત 21 કેસો જ આવ્યા હતા. પરંતુ માર્ચ મહિનામાં છેલ્લા 12 દિવસમાં જ 26 કેસો નોંધાઈ ચુક્યા છે. જેમાં પાટણ શહેરમાં સંક્રમણ વધતું જોવા મળ્યું હતું. અને કુલ કેસ પૈકી 8 કેસ પાટણ શહેરમાં જ નોંધાયા છે.

હારીજનાં જસવંતપુરા ગામમાં એક પરિવારના 3 સહિત જિલ્લામાં આઠ કેસ
શુક્રવારે પાટણ શહેરમાં 3, હારીજનાં જશવંતપુરા ગામમાં પરિવારના 3 સભ્ય સહીત 4 અને એક ચાણસ્મા શહેરમાં મળી જિલ્લામાં નવા આઠ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં મહાદેવ નગરમાં 34 વર્ષીય સ્ત્રી, સુરમ્ય બંગ્લોઝ ટેલિફોન એક્સચેન્જ રોડ પર 24 વર્ષીય પુરુષ, ઝીનીપોળમાં 55 વર્ષીય પુરુષ, હારીજના જશવંતપુરા ગામમાં 25 પુરુષ અને 20 અને 50 વર્ષીય બે સ્ત્રી મળી એક જ પરિવારના 3 સભ્ય તેમજ રૂગનાથપુરા ગામમાં 70 વર્ષીય વૃદ્ધા ,ચાણસ્મા શહેરમાં પ્રજાપતિવાસમાં 45 વર્ષીય એક પુરુષ મળી કુલ નવા આઠ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસ આંક 4224 થયો હતો. જે પૈકી 4125 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા છે. હાલમાં 26 કેસ એક્ટિવ છે.

ઉત્તર ગુજરાતમાં કોરોનાના 32 કેસ
મહેસાણાઃ જિલ્લામાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે 11 વર્ષની બાળકી પણ કોરોના સંક્રમિત બની છે. મહેસાણા જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 9 કેસ આવ્યા હતા. જેમાં મહેસાણામાં 5, કડીમાં 2 અને વિજાપુર, ખેરાલુમાં 1-1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.
અરવલ્લીઃ ધનસુરાના લાલપુરમાં ચોક ફળી અને મોડાસાના ટીંટોઇની ભાટિયાફળીમાં, તેમજ મોડાસા પાસેના ખલીપુર ગામ પંચાયત વિસ્તારમાં આવેલા નિત્ય દર્શન ફ્લેટમાં રહેતા અને ભિલોડા તાલુકાના પાદરામાં નિનામા ફળીમાં રહેતા ચાર દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
સાબરકાંઠાઃ જિલ્લામાં શુક્રવારે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા હિંમતનગરના હસનનગરમાં 45 વર્ષિય મહિલા, પુનાસણમાં 34 વર્ષિય પુરૂષ, પોશીનાના લહેરીપુરામાં 38 વર્ષિય મહિલા, ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં 36 વર્ષિય પુરૂષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

જાહેર સ્થળો પર ચેકિંગ કરાશે : ડીડીઓ
જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ સહિતની ટીમોને શાળા, કોલેજો, બસ સ્ટેશન સહીત જાહેર સ્થળો પર કોરોના ગાઈડ લાઈનનુ ચુસ્ત પાલન માટે સૂચનાઓ આપી છે. ટેસ્ટિંગ વધુ થાય તે માટેના પ્રયાસ છે. કલેકટર દ્વારા પણ માસ્કને લઇ કડક સૂચનાઓ અપાઈ છે. અધિકારીની બેઠક કરી આ બાબતે કાર્યવાહી કરી આયોજન કરવામાં આવનાર છે.

ભીડમાં બેદરકારી અને સીઝનના કારણે કોરોનાના કેસો વધે છે : સી.ડી.એમ.ઓ
સિવિલ સર્જન ડૉ. અરવિંદ પરમારે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર દેશમાં કેસો વધી રહ્યા છે. ગયા વર્ષે આ જ સીઝનમાં કેસો શરૂ થયા હતા. જેથી સીઝન હોઈ કેસો વધે છે. ઉપરાંત ગયા માસમાં ચૂંટણી અને જાહેર કાર્યક્રમોમાં બજારોમાં ક્યાંય લોકો માસ્ક પહેરતા નથી. ગાઈડ લાઇનનું પાલન કરતા નથી જે બેદરકારીના કારણે પણ કેસો વધ્યા હોઈ તેવું ગણી શકાય છે. પરંતુ લોકોએ બેદરકારી બંધ કરી સજાગ બની ફરજીયાત માસ્ક પહેરે અને સભાન બને તો જ કોરોના અટકશે નહીં તો ફરી સ્થિતિ ખરાબ થઇ શકે છે.

માર્ચના 12 દિવસમાં નોંધાયેલા કેસ
પાટણ શહેર-8, તાલુકામાં-3, સિદ્ધપુર-5, ચાણસ્મા-4, હારીજ-5, સાંતલપુર-1

બ.કાં.માં એક કેસ
બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે માત્ર એક જ કેસ નોંધાયો હતો. જેમાં પાલનપુર શહેરમાં એક કેસ નોંધાતા તંંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાલનપુરના લક્ષ્મીપુરા અર્બન હેલ્થમાં રસી ખૂટી
પાલનપુરમાં અગાઉ સાત સેન્ટરો ખાતે વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી. અને ત્યારબાદ શુક્રવારે પાલનપુરના લક્ષ્મીપુરા હેલ્થ અર્બન અને જૂના આરટીઓ કચેરી નજીક આવેલ વડીલ વિશ્રાંતિગૃહમાં વૃદ્ધાઓને રસી આપવામાં આવી હતી. જેમાં વડીલોને સવારમાં 11 ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રસી ખલાસ થઈ ગઈ હતી ત્યારે બીજી તરફ લક્ષ્મીપુરાના અર્બન હેલ્થ સેન્ટરમાં 40 ડોઝ આપ્યા બાદ રસી ખલાસ થઈ ગઈ હતી. ત્યારે વૃદ્ધોને બેસી રહેવાનો વારો આવ્યો હતો. દરમિયાન આ અંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં જાણ કરeતાં બંને સેન્ટરો પર રસીના 200 ડોઝ આપવામાં આવ્યા હતા. જેને લઈને ઘરડા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...