ખેડૂતોને ભારે મુશ્કેલી:4 વર્ષમાં જમીન રિ-સર્વે માટે 11102 પૈકી 2829 પેન્ડિંગ,ખેડૂતોને એક વર્ષથી પ્રતિક્ષા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લામાં સેટેલાઈટ સર્વેમાં જમીન માપણીમાં ફેરફાર આવતા રી સર્વે માટે અરજીઓનો ખડકલો
  • કચેરીમાં સ્ટાફના અભાવે તાલુકા દીઠ એક સર્વેયર હોય માપણીની કામગીરી ખોરંભે ચડતાં ખેડૂતોને ભારે મુશ્કેલી

પાટણ જિલ્લામાં ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવેલ જમીનનો સેટેલાઈટ સર્વેના રિપોર્ટમાં ખેતીની જમીનમાં ક્ષેત્રફળ સહિતની વિવિધ ભૂલો સામે આવતા ખેડૂતો દ્વારા રિસર્વે માટે કચેરીમાં કુલ 11102 અરજીઓ કરવામાં આવી છે. અરજીઓના ખડકલા સામે સર્વેયરોનો અભાવ હોય ખેડૂતોને રીસર્વે માટે એક એક વર્ષ જેટલી રાહ જોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ અરજી સાથે પૈસા પણ ભર્યા હોવા છતાં ઝડપથી જમીનનો રીસર્વે ના થતા ખેડૂતોની વિવિધ કામગીરીઓ અટકી પડતા મુશ્કેલીમાં મૂકાતા રોષ વ્યક્ત કરી રહ્યા છે.

જિલ્લામાં ખાનગી એજન્સી દ્વારા વર્ષ 2014થી 2018 દરમિયાન ખેડૂતોની જમીનનો સેટેલાઈટ દ્વારા સર્વે કરાવ્યો હતો. જેમાં ખેડૂતોની ફરિયાદો ઉઠ્યા અધવચ્ચે જ સરકારે અટકાવ્યો હતો જેથી જિલ્લાના 523 ગામો પૈકી માત્ર 311 ગામોની જ પ્રેમોલગેશન (સર્વે)ની કામગીરી પૂર્ણ કરી તેના રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. 311 ગામોના રેકોર્ડમાં પણ જમીનનો ક્ષેત્રફળ, કબજાની સહિતના વિવિધ બાબતોની ક્ષતિઓ સામે આવતા ખેડૂતો દ્વારા ખોટો સર્વે થયો હોવાની રાવ સાથે રી સર્વે કરવા માટે અરજીઓ કરવામાં આવી રહી છે.

જેમાં 2018માં કામગીરી પૂર્ણ થયા 2022ના અંત સુધીમાં જિલ્લામાંથી 11,102 ખેડૂતોએ રીસર્વે માટે અરજીઓ કરી છે. જેમાંથી અત્યારમાં 8212 અરજીઓની માપણી કરાઈ છે તેમાંથી માત્ર 6,234ની જ દરખાસ્ત મોકલાય છે. 2829 અરજીઓ એટલે 25 ટકા ખેડૂતોની અરજી હાલમાં પણ પેન્ડિંગ પડી છે. જેથી લાંબા સમયથી રીસર્વેની કામગીરી કરાવવા માટે કચેરીને ધક્કા ખાવા મજબુર બન્યા છે.

સ્ટાફના અભાવ સાથે અન્ય યોજનાઓના કામના ભારણથી અરજીઓ પેન્ડિંગ
સર્વે વિભાગે જણાવ્યું હતું કે સર્વેયરનું કુલ 28 નું મહેકમ જેમાં નિરીક્ષણ અને વર્ગીકરણ માટે 6 સિનિયર સર્વેયર , ફિલ્ડમાં કામગીરી કરતા 11 સર્વેયર અને 5 સર્વેયર વહીવટી કામગીરી મળી 22 નો સ્ટાફ છે.આમ એક તાલુકા દીઠ માત્ર એક સર્વેયર માપણીની કામગીરીમાં હોય સામે ઢગલો અરજીઓ આવે છે.વધુમા આજ સ્ટાફ દ્વારા ગામઠાણ આઈમોજણી , સ્વામિત્વ અને રોડ પ્રોજેક્ટ જેવી વિવિધ કામગીરીઓ પણ અમારે જ કરવાની હોય વધુ કામના ભરણોને કારણે સર્વેની અરજીઓ પેન્ડિંગ પડી રહે છે.જો સરકાર દ્વારા મહેકમ પ્રમાણે પૂરતો સ્ટાફ આપવામાં આવે અને નવી યોજનાઓમાં નવું મહેકમ આપે તો અરજીઓ પેન્ડિંગ રહેવાની સમસ્યાઓ રહેશે નહીં.

વર્ષ 2022ની જ 50 %થી વધુ અરજીઓ પેન્ડિંગ
વર્ષ 2022ની વાત કરીએ તો માત્ર એક વર્ષમાં જ 941 ખેડૂતોએ રીસર્વે માટે અરજી કરી છે જેમાંથી માત્ર 318 ખેડૂતોની અરજીઓની જ માપણી પૂર્ણ થઈ છે. ઉપરાંત સર્વેની કામગીરી પૂર્ણ થયેલ કુલ 373 દરખાસ્ત કરાઈ છે. જેમાં ગત વર્ષની પણ કેટલીક અરજીઓનો સમાવેશ થાય છે.

7 વર્ષથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી, મહેસાણાના અધિકારી ચાર્જમાં
પાટણમાં છેલ્લા 7 વર્ષથી સર્વે વિભાગના (DILR) જિલ્લા મુખ્ય નિરીક્ષકની જગ્યા ખાલી છે. મહેસાણાના DLR અધિકારી આર.બી.રાજપૂતને ચાર્જ આપેલ છે.જેમની પાસે ઉપરાંત મહેસાણા સીટી સર્વે વિભાગ, એકત્રીકરણ તો સાબરકાંઠામાં પણ SLRનો ચાર્જ છે.આમ એક અધિકારી પાસે 3 જિલ્લામાં વિવિધ સર્વેની કામગીરીનો ચાર્જ અપાતા અધિકારી વહીવટમાં ભારણને લઈ પાટણમાં પૂરતી હાજરી ના આપી શકતા કામગીરી અટવાયાની ચર્ચાઓ જાગી છે.

14 માસથી કચેરીમાં ધક્કા ખાવ છું : ખેડૂત
સાંતલપુરના વૌવા ગામના ખેડૂત નોઘાભાઈ આહિરે જણાવ્યું કે 2021માં ઓગસ્ટમાં ખેતરની જમીનના સર્વે માટે અરજી કરી હતી જે મામલે આજ દિન સુધી સર્વે વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી. આ બાબતે મેં અનેક રજૂઆત કરી અને કચેરીમાં ધક્કા ખાધા પરંતુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી.

કેટેગરી પ્રમાણે રી-સર્વે માટે આવેલ અરજીઓ

ક્ષેત્રફળમાં ફેરફાર6579
કબજા ફેરફાર2631
આકૃતિમાં ફેરફાર1006
7/12 બંધ હોય846
અન્ય સમાચારો પણ છે...